ઓસ્ટ્રેલિયાના સંરક્ષણ સ્થળો પરથી ચાઈનીઝ કંપનીના કેમેરા તાત્કાલિક દૂર કરવા ઓસ્ટ્રેલિયન સરકારનો નિર્ણય
ચીનના ‘જાસૂસી બલૂન’ની દુનિયાભરમાં ચર્ચા છે. તાજેતરમાં તેના એક વિશાળ ફુગ્ગાને અમેરિકાએ આકાશમાં ફાઇટર પ્લેન મારફત તોડી પાડ્યું હતું જ્યારે અમેરિકન સંરક્ષણ નિષ્ણાતોએ દાવો કર્યો હતો કે ચીન તેના દ્વારા જાસૂસી કરી રહ્યું છે. આ ઘટના બાદ બંને દેશોમાં તણાવ ઝડપથી વધી ગયો હતો.
સંરક્ષણ નિષ્ણાતોએ કહ્યું છે કે, ચીન પોતાની ટેક્નોલોજી દ્વારા ઘણા દેશોની જાસૂસી કરી ચૂક્યું છે. તે દેશોમાં ભારત અને જાપાન પણ સામેલ છે. તે જ સમયે, હવે ઓસ્ટ્રેલિયાથી મોટા સમાચાર આવ્યા છે. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનિસે કહ્યું છે કે, અહીંના સંરક્ષણ સ્થળ પરથી ચીનના સર્વેલન્સ કેમેરા હટાવવામાં આવશે. ઓસ્ટ્રેલિયાની રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર ઓસ્ટ્રેલિયન સરકાર તેની ડિફેન્સ સાઇટ પરથી ચીનમાં બનેલા સિક્યોરિટી કેમેરાને હટાવી દેશે. કારણ કે તેનાથી જાસૂસીનો ખતરો છે. અહેવાલ મુજબ, એક ઓડિટમાં હિકવિઝન અને દહુઆ કંપનીઓ દ્વારા સરકારી મિલકતો પર લગાવવામાં આવેલા ૯૦૦ સર્વેલન્સ સાધનો મળ્યા છે.
ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન એન્થોની અલ્બેનિસે કહ્યું કે, તેમને નથી લાગતું કે કેમેરા હટાવવાથી ચીન સાથેના રાજદ્વારી સંબંધો પર અસર થશે. વડાપ્રધાને કેનબરામાં કહ્યું, અમે ઓસ્ટ્રેલિયાના રાષ્ટ્રીય હિત મુજબ કામ કરીએ છીએ, અમારી પાસે આમાં પારદર્શિતા છે.
ઑસ્ટ્રેલિયાના શેડો સાયબર સિક્યુરિટી મિનિસ્ટર જેમ્સ પેટરસન દ્વારા કરવામાં આવેલા સર્વેલન્સ સાધનોના ઑડિટમાં પુષ્ટિ કરવામાં આવી છે કે, ચીની કંપનીઓ હિકવિઝન અને દહુઆ દ્વારા ઉત્પાદિત ૯૦૦ થી વધુ પ્રોડક્ટ્સ સરકારી સ્થળોએ ઇન્સ્ટોલ કરવામાં આવી છે, ધ ગાર્ડિયન અહેવાલ આપે છે. રક્ષામંત્રી રિચર્ડ માર્લ્સે ગુરુવારે જણાવ્યું હતું કે ઓસ્ટ્રેલિયન સરકાર સંરક્ષણ વિભાગની કચેરીઓમાં ઉપયોગમાં લેવાતી સર્વેલન્સ ટેક્નોલોજીની તપાસ કરશે. એવા અહેવાલો છે કે સરકારી ઈમારતોમાં ચાઈનીઝ બનાવટના કેમેરા લગાવવામાં આવ્યા છે જે સુરક્ષા માટે જોખમ ઊભું કરે છે.
હવે ઓસ્ટ્રેલિયન સરકાર ચાઈનીઝ કેમેરા હટાવવા જઈ રહી છે. ગયા વર્ષે યુકે અને યુએસ દ્વારા સમાન પગલાં લેવામાં આવ્યા હતા. આ ડરથી કે ઉપકરણનો ડેટા ચીનની સરકાર દ્વારા ઍક્સેસ કરી શકાય છે.