મધરાતથી સવાર સુધીમાં 17 ઇંચ વરસાદ વરસી જતા સર્વત્ર જળ બંબાકાર જેવી સ્થિતિ: ચાર કલાકમાં માળીયા હાટીનામાં 6, વેરાવળમાં 4॥ ઇંચ વરસાદ
વરૂણદેવે સોરઠને બે દિવસમાં રિતસર ધમરોળી નાંખ્યું છે. આજે સવારે ચાર કલાકમાં જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં સુપાડાધારે 9 ઇંચ જેટલો વરસાદ વરસી જવાના કારણે સર્વત્ર જળ બંબાકાર જેવી સ્થિતિ સર્જાઇ જવા પામી છે. રાજ્યના 55 તાલુકાઓમાં સવારથી વરસાદ વરસી રહ્યો છે. જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં આકાશી સુનામી ત્રાટકી હોય તેવી સ્થિતી સર્જાઇ જવા પામી છે. અનેક ગામો સંપર્ક વિહોણા બની ગયા છે. નદીમાં ઘોડાપુર આવ્યા છે. વરસાદના પાણી લોકોના ઘરમાં ઘુસી જતા ભારે હાલાકી સર્જાઇ જવા પામી છે.
ગઇકાલ બપોરથી જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં કાલે બપોરથી અનરાધાર વરસાદ પડી રહ્યો છે. આખી રાત મેઘરાજાએ સોરઠ પંથકને ધમરોળ્યા બાદ સવારથી સર્વત્ર અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. આજે સવારે જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં જાણે આભ ફાટ્યું હોય તેમ ચાર કલાકમાં 9 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. સવારે 6 થી 8 વાગ્યા સુધીના બે કલાકના સમયગાળામાં 5॥ ઇંચ વરસાદ પડ્યા બાદ 8 થી 10 વાગ્યા સુધીમાં વધુ 3॥ ઇંચ વરસાદ પડ્યો હતો. માંગરોળમાં ચાર કલાકમાં સુપડાધારે 9 ઇંચ જેટલો વરસાદ વરસી જવાના કારણે સર્વત્ર જળ બંબાકાર જેવી સ્થિતિ સર્જાઇ જવા પામી છે.
રસ્તા પર કેડસમા પાણી ભરાઇ જવાના કારણે મોટાભાગના રસ્તા બંધ કરી દેવાની ફરજ પડી છે. કેશોદ રોડ, માંગરોળ બંદર જાપા વિસ્તાર, તિરૂપતિ નગર, જૂના બસ સ્ટેન્ડ, ભવાનીનગર, ભક્તિનગર, જલારામનગર સહિતના વિસ્તારોમાં વરસાદના પાણી ભરાયા હતા. ઝુપડપટ્ટી વિસ્તારમાંથી લોકોનું સ્થળાંતર કરવાની ફરજ પડી હતી અનેક ગામો સંપર્ક વિહોણા બની ગયા છે. માંગરોળ ઉપરાંત માળીયા હાટીનામાં પણ સવારે ચાર કલાકમાં 6॥ ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. જ્યારે વેરાવળમાં 4॥ ઇંચ, સુત્રાપાડામાં 3 ઇંચ, કેશોદમાં 2 ઇંચ, ધ્રોલમાં 1॥ ઇંચ, જૂનાગઢમાં 1। ઇંચ, કોડિનારમાં 1 ઇંચ વરસાદ વરસ્યો હતો. મેંદરડા, વંથલી, વિંછીયા, કાલાવડ સહિતના સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં સવારથી વરસાદ પડી રહ્યો છે.
માંગરોળમાં ગત મધરાતથી આજે સવારે 10 વાગ્યા સુધીમાં 17 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. જેના કારણે સ્થિતિ ખૂબ જ ખરાબ થઇ ગઇ છે. નદીઓ ગાંડીતુર બની છે. ડેમ ઓવરફ્લો થઇ રહ્યા છે. જેના કારણે લોકોના જીવ જોખમમાં મૂકાઇ ગયા છે.
હજુ ચાર દિવસ ભારેથી અતિભારે વરસાદ આગાહી આપવામાં આવી હોય જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં રાહત અને બચાવ કાર્ય માટે સરકાર દ્વારા એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ મોકલવામાં આવે તેવી શક્યતા જણાઇ રહી છે. આ લખાઇ રહ્યું છે ત્યારે પણ સોરઠ પંથકમાં અનરાધાર વરસાદ પડી રહ્યો છે. હાઇવે પર પાણી ફરી વળ્યા છે. જેના કારણે વાહન વ્યવહાર પણ ખોરવાઇ જવા પામ્યો છે. જો સમય રહેતા મેઘરાજા વિરામ નહિં લે તો સ્થિતિ વધુ કફોડી બની જશે.