રૂ.૧.૫૦ કરોડનું નુકસાન: ૧૦ ફાયર ફાયટરની મદદથી બે કલાકે આગ કાબુમાં આવી: વાવડી સ્મશાનમાં લાકડાના જથ્થામાં આગ લાગી
આજી જીઆઇડીસીમાં આવેલા વી.એમ.પ્લાયવુડ નામના કારખાનામાં ઇલેકટ્રીક શોક સર્કિટના કારણે ભીષણ આગ લાગતા સેડ સંપૂર્ણ સળગી ગયો હતો. આગના કારણે દોઢેક કરોડનું નુકસાન થયાનું જાણવા મળે છે. આગ લાગી ત્યારે ત્રણ શ્રમજીવીઓ માલ સામાન બચાવવાનો પ્રયાસ કરતા ત્રણેયને ગુંગણામણ થતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે. જ્યારે વાવડી સ્મશાનના લાકડાના જથ્થામાં આગ લાગવાની બીજી ઘટના બની હતી. બંને સ્થળે ફાયર બ્રિગેડ સ્ટાફે પાણીનો મારો ચલાવી આગ બુઝાવી નાખી હતા.
આજી જીઆઇડીસીમાં ભાવેશભાઇ સંધાણીના વી.એમ.પ્લાયવુડ નામના કારખાનામાં ગઇકાલે સાંજે ઇલેકટ્રીક શોક સર્કિટના કારણે આગ ભભૂકતા ચીફ ફાયર ઓફિસર ભીખાભાઇ ઠેબા સહિતનો સ્ટાફ ૧૦ જેટલા ફાયર ફાયટર સાથે ઘટના સ્થળે પહોચી પાણીનો મારો ચલાવી બે કલાકની જહેમત બાદ આગ બુઝાવી નાખી હતી. આગના કારણે અંદાજે દોઢેક કરોડનું નુકસાન થયાનું ફેકટરી માલિક ભાવેશભાઇ સંધાણીએ જણાવ્યું હતું.
ફેકટરીમાં આગ લાગી ત્યારે કારખાનામાં કામ કરતા ચુનારાવાડના રાજેશ પ્રવિણભાઇ ખોખર, હિતેશ પ્રવિણભાઇ ખોખર અને વિજય પ્રવિણભાઇ ખોખર માલ સામાન બચાવવાનો પ્રયાસ કરતા ત્રણેયને ગુંગણામણ થતાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
જયારે વાવડી ખાતે આવેલા સ્મશાનના લાકડાના જથ્થામાં આગ લાગ્યાની કોર્પોરેટર કનકસિંહ જાડેજાએ ફાયર બ્રિગેડ સ્ટાફને જાણ કરતા ફાયર બ્રિગેડ સ્ટાફ ફાયર ફાયટર સાથે ઘટના સ્થળે પહોચી પાણીનો મારો ચલાવી આગ બુઝાવી નાખી હતી. આગના કારણે કેટલું નુકસાન થયું તે જાણવા મળ્યું ન હતું.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,