પૃથ્વીને સ્વર્ગની નજીક લાવી શકે એક શ્રી કૃષ્ણ અને બીજી ‘ર્માં’ !
શ્રાવણની પવિત્રતા દેશના વર્તમાન રાજકીય રંગરાગમાં કશી જ સુખદ અસર કરી શકી હોવાનું જણાતુ નથી.
દેશના કમનશીબે રાજકારણીઓ તેમની રાજકીય ક્ષત્રુતાને બરફની જેમ ઓગાળી શકયા નથી અને એકસંપે કામ કરવા તૈયાર થઈ શકયા નથી. કૃષ્ણ જન્મોત્સવની જોરદાર તૈયારીઓનું સ્વરૂપ પરંપરાગત અને ચીલાચાલુ જ રહ્યું હોવાની છાપ ઉપસે છે.
ઓગષ્ટ ક્રાંતીની તેજસ્વી ઝલકનું કયાંય દર્શન થતુ નથી. રાજસત્તાઓ કે ધર્મસત્તાએ એવી ત્રેવડ દાખવી નથી. જનની અને જન્મભૂમિ સ્વર્ગથી પણ વધારે ચઢીયાતા અને મનમધુર છે તે વેદવાણીનું ગુનાહિત વિસ્મરણ થવાને લીધે જ પૃથ્વીને સ્વર્ગની નજીક લઈ જવાનું સુલભ બન્યું નથી.
અભદ્ર અને અવિચારી રાજનેતાઓએ તથા રાજકારણીઓએ નિરંકુશ શાસન દ્વારા અને સ્વાર્થમાં અંધ બનીને કેળવણીના નમુનેદાર સ્વરૂપને અને કેળવણીની સર્વતોમુખી જોરૂકી પધ્ધતિને કાં તો પતીત કરી છે. અર્થાત નષ્ટ કરી છે એમ કહીને તેમણે સમાજની સ્વસ્થતાને હણી છે. અને વિદ્યાર્થીઓ તેમજ માતાપિતાની મુંઝવણ તથા ઉચાટ વધારી દીધા છે.
આવા યજુર્વેદીય યજ્ઞની જવાળા જેવા બળબળતા નિ:સાસાઓ ઢગલાઓનું વિશ્ર્લેષણ ગૂરૂકૂળો કે વિદ્યાસંકુલોમાં યોજાતા શિક્ષણ પર્વોમાં પ્રાકૃતિક સૌર્ન્યથી ભરપૂર વાતાવરણ વચ્ચે કેળવણી વિષે ચિંતા તેમજ ચિંતન કરવા ગયેલા વિદ્યા પુરૂષોએ, વિદ્યાપતિઓએ અને વાલ્મીકી વ્યાસ, તુલસીદાસ વિશે સમજણ ધરાવતા મહાપુરૂષો જ જો દિલથી ન કરે તો એની ફલશ્રુતિને અહો રૂપમ્ અહો ધ્વનિથી વિશેષ શુ સમજવી?
આવા શિક્ષણ પર્વનું આયોજન કરવું એ નાનુ સરખુ કાર્ય નથી. વિધ્વતાપૂર્ણ ચિંતન કરવું એ પણ નાનુ સરખુ કામ નથી. શિવસંકલ્પ મૂકાયાનો આનંદ લેવાય, સંતોષ લેવાય અને યશ લેવાય તે પણ ભલે પણ એની સાર્થકતાનું શું?
આપણા વર્તમાન શિક્ષણને અજવાળવાની જયોત પ્રગટયાનો ઉત્સાહની ઝાલર રણઝણ્યાની અને નવી આશાની સમીપે હોંશે હોંશે આરતી ઉતારવાની ઘડીને આપણે રળિયામણી જ માનીએ પરંતુ કવિ સુન્દરમનો કોયો ભગત ગરીબોના નિ:સાસાની કલ્પનામાં ન આવે એટલી મોટી ગાંસડી લઈને આ રળિયામણી ઘડીની વચ્ચે, આરતીને ટાંકણે જ ઉભશે અને ગાંસડીની ગાંઠોને ખોલી નાખશે તો શું થશે? એમની માકોર ડોસી દળણું દળી લઈને તેના દીક્રા દીક્રીને આરતીનેટાણે ઉભા રાખી દેશે અને એને ભણાવવાનો માનવસહક હકક માગશે તો શું થશે?
કવિ ઈન્દુલાલ ગાંધીની આંધળી ડોસીનો દિકરો એની ગરીબડી માનો કોઈની પાસે માંડ માંડ લખાવેલો કાગળ લઈને શિક્ષણ પર્વના સમિયાણામાં શિવસંકલ્પ અને તેની આરતી વખતે ઉભો રહી જશે તો શું થશે? સાંદિપનીએ તો કૃષ્ણ અને સુદામાને એક સરખા ગણીને ભણાવ્યા હતા. શુ ભારતની સંસ્કૃતિ કેળવણીની બાબતમાં પણ લુપ્ત થઈ ગઈ છે? શિક્ષણ પર્વના સૂચનો અને ચર્ચાનો સાર જો એવો હોય કે, બાલમંદિરથી યુનિવર્સિટી કક્ષાના શિક્ષણમાં ધરમૂળથી પરિવર્તનની આવશ્યકતા છે. તો એની સંપૂર્તિના આયામો વિષે પણ ચિંતન કરવું પડશે.
શિક્ષણમાં સ્વારયત્તતાનો નાદ ઉઠે અને શિક્ષણકારો શિક્ષણશાસ્ત્રીઓ શિક્ષણની નીતિ ઘડે તે અનિવાર્ય છે. કાકા કાલેલકરે કેળવણીને બોલતી કરી છે. અને તે કહે છે.
હું સત્તાની દાસી નથી કાયદાની દિકરી નથી. વિજ્ઞાનની સખી નથી, કળાની પ્રતિહારી નથી. અર્થશાસ્ત્રની બાંદી નથી. હું તો ધર્મનું પુનરાગમન છું., મનુષ્યના હૃદય, બુધ્ધિ, તેમજ તમામ ઈન્દ્રિયોની સ્વામિની છું. માનસશાસ્ત્ર અને સમાજ શાસ્ત્ર એ બે મારા પગ છે.કળા અને હુન્નર મારા હાથ છે.વિજ્ઞાન મારૂ મસ્તિષ્ક છે, દર્મ મારૂ હૃદય છે. નિરીક્ષણ અને તર્ક મારી બે આંખો છે. ઈતિહાસ મારા કાન છે. સ્વાતંત્ર્ય મારો શ્ર્વાસ છે. ઉત્સાહ અને ઉદ્યોગ મારા ફેફસાં છે. ધીરજ મારૂ વ્રત છે. શ્રધ્ધા મારૂ ચૈતન્ય છે. આવી હું જગદંબા છું. મારી ઉપાસના કરનાર બીજા કોઈનો ઓશિયાળો નહી રહે એની સર્વકામના મારી મારફતે તુપ્ત થઈ શકે તેમ છે. આપણે કેળવણીને આવી રહેવા દીધી છે ખરી?
અત્યારે આપણા દેશમાં એવા મહામાનવ કોણ છે. જેઓ પૃથ્વીને આપરા દેશને અને આપણને સૌને સ્વર્ગની નજદીક લઈ જાય?
કહે છે કે આપણી દુનિયામાં બે બાબતો કદી ખરાબ થતી નથી. એક આપણી માતા અને બીજી આપણી જન્મભૂમિ… કારણ એ જ કે શ્રી કૃષ્ણની જેમ એ બંને પણ આપણા દેશને સ્વર્ગની નજદીક લઈ જઈ શકે છે. મા અને માતૃભૂમિ માટે એકસંપ થવા તૈયાર થવું એ શુ અશકય છે? જો એ શકય બની જાય તો એમ જ માનવું કે, શ્રી કૃષ્ણ અને ‘મા’ના પ્રતાપે જ અને જન્મભૂમિના સદ્નસીબે જ એ શકય બન્યું હશે અને સ્વર્ગની નજીક પહોચવાની શકયતા હજુ જીવંત હોવાના કારણે જ એ શકય બન્યું હશે!
હજુ આપણા દેશે મહત્વની ક્રાંતિઓ કરવાની બાકી છે.