કલેકટર સાથે ગઈકાલે રાઈડ સંચાલકોની સફળ બેઠક, ભાવ વધારાની ચોખ્ખી ના, દિવસ વધારવાની વિચારણા:તંત્રએ ખાનગી મેળાના રાઈડ સંચાલકો સાથે પણ સંપર્ક સાધ્યો
44 પ્લોટ માટેની હરાજીમાં ભાગ લેનાર 86 ધંધાર્થીઓને આજે ઉપસ્થિત ન રહ્યા તો ડિપોઝીટ જપ્ત કરી નાખવાની સૂચના અપાઈ હતી
લોકમેળામાં આજે યાંત્રિક રાઈડના 44 પ્લોટ માટેની હરાજીની પ્રક્રિયા બપોર બાદ યોજાવાની છે. આ પૂર્વે ગઈકાલે જિલ્લા કલેકટરે યાંત્રિક રાઈડ સંચાલકો સાથે સફળ બેઠક કરી હતી. જેમાં તેઓએ ભાવ વધારાની ના પાડી અને દિવસ વધારવાની વિચારણા કરવાનું જણાવ્યું હોય આજે રાઈડ સંચાલકો હરાજીમાં ગોઠવાઈ જવાના હોવાનું જાણવા મળ્યું છે. જેથી ઘીના ઠામમાં ઘી પડી જાય તેવી શક્યતા સેવાય રહી છે. રાજકોટના રેસકોર્સ મેદાનમાં આગામી તા. 5 થી 9 સપ્ટેમ્બર તેમ પાંચ દિવસ માટે રસરંગ લોકમેળો યોજવાનો છે. આ માટે તમામ સ્ટોર પ્લોટની હરાજીની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. એક માત્ર યાંત્રિક રાઈડ માટેના પ્લોટની હરાજી અટકી પડી છે.
વખતો વખત યાંત્રિક રાઇડ સંચાલકો આ રીતે હરાજીની પ્રક્રિયા ગોટે ચડાવતા રહ્યા છે. આ વખતે પણ હરાજીના પ્રથમ દિવસે યાંત્રિક રાઈડ સંચાલકોએ એન્ડ ટાઈમે વિવિધ માંગણીઓ સાથેનું પત્રક લોકમેળા સમિતિ સમક્ષ મૂકીને તાત્કાલિક આ માંગણીઓ સ્વીકારશો તો જ હરાજીમાં ભાગ લેશે તેવું જણાવ્યું હતું. પરિણામે હરાજી મોકૂફ રહી હતી.ત્યારબાદ બે વખત હરાજીના પ્રયાસો કરવામાં આવ્યા હતા. પરંતુ રાઈડ સંચાલકો આડા ફાટતા હોય હરાજી શક્ય બની ન હતી. રાઈડની ટીકીટના ભાવ રૂ.40 થી વધારી રૂ.50 કરવા, રાત્રિના 10:00 ની બદલે 12:00 વાગ્યા સુધી રાઈડ ચાલુ રાખવી તેમજ મેળાક્ષજ્ઞ એક દિવસ વધારી આપવાની માંગણી રાઈડ સંચાલકોએ મૂકી છે.
આ માંગણીને લઈને ગઈકાલે રાઇડ સંચાલકોએ જિલ્લા કલેક્ટર સાથે બેઠક પણ કરી હતી. જેમાં જિલ્લા કલેકટરે તેઓને સમજાવ્યું હતું કે રાત્રિનું દસ વાગ્યાનો સમય છે તે નિયમ પ્રમાણે રાખવામાં આવ્યો છે. ઉપરાંત ભાડુ અગાઉ જ રૂ.10 વધાર્યું હોય હવે તેમાં વધારો શક્ય નથી. ઉપરાંત દિવસ વધારવાની જે વાત છે. તે અંગે સમિતિ વિચારણા હાથ ધરશે. આમ એક માંગણી સંતોષાય જવાજી શક્યતા દેખાતા હવે સંચાલકો હરાજીમાં ભાગ લે તેવી પ્રબળ શક્યતા દેખાઈ રહી છે.
આ ઉપરાંત ગઈકાલે સીટી 1 પ્રાંત અધિકારીએ તમામ 86 ધંધાર્થીઓને આજરોજ બપોરે સાડા ત્રણ વાગ્યે હરાજીમાં ઉપસ્થિત રહેવાની સૂચના જારી કરી હતી. જો તેઓ ઉપસ્થિત નહીં રહે તો તેઓની ડિપોઝિટ જપ્ત થઈ જશે એવું પણ પ્રાંત અધિકારીએ જણાવ્યું હતું. તેને પરિણામે આજે બપોર બાદ તમામ રાઈડ સંચાલકો હરાજીમાં ગોઠવાઈ જાય તેવી શક્યતા સેવાઈ રહી છે. બીજી તરફ તંત્રએ ખાનગી મેળાના રાઈડ સંચાલકો સાથે પણ વાત કરી હોય, તેઓ પણ આ મેળામાં ભાગ લેવા તૈયાર હોવાનું જાણવા મળી રહ્યું છે.