સવારના ૮થી રાબેતા મુજબ હરરાજીની પ્રકિયા થશે: કપાસ, મગફળી, ચણા, ઘઉં માટે રજીસ્ટ્રેશન અનિવાર્ય
લોકડાઉન વચ્ચે તમામ વેપાર, ધંધા, ઉદ્યોગ શરૂ કરવા છૂટછાટ મળી છે ત્યારે રાજકોટ માર્કેટીંગ યાર્ડ પણ સરકારની ગાઇડલાઇન મુજબ નિયમોને આધીન આજથી ફરી ધમધમશે. રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં આજ સરવારથી તમામ જણસીની હરરાજી શરૂ કરવામાં આવી છે. જો કે, વ્યવસ્થાના ભાગરૂપે તેમજ કપાસ-ઘઉ જેવી જણસીની આવક પુષ્કળ હોય તેને ધ્યાને કપાસ, મગફળી, ચણા, ઘઉ વગેરે માટે રજીસ્ટેશન કરાવવુ પડશે તેમ યાર્ડના ચેરમેન ડી.કે. સળીયાએ જણાવ્યુ છે.
શહેરમાં વેપાર-ઉદ્યોગને મહત્તમ છુટછાટ મળ્યા બાદ આજથી રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં પણ તમામ જણસીની હરરાજી શરૂ કરવામાં આવીછે. લોકડાઉનને કારણે અત્યાર સુધી મર્યાદિત જણસીની હરરાજી કરવામાં આવતી હતી. માત્ર કપાસ, મગફળી, ઘઉં, ચણા કે જેની આવક પુષ્કળ હતી અને આ જણસીથી ખેડૂતોના ઘર ભર્યા હતા તેથી ખેડૂતોનો માલ વેચાય અને નાણા છૂટાં થાય તે અર્થે ઉપરોકત જણસીની હરરાજી કરવામાં આવતી હતી.
પરંતુ લોકડાઉન-૪માં મોટાભાગની છૂટછાટ મળતા યાર્ડના સતાધીશોએ વ્યવસ્થાના ભાગરૂપે હાલના તબકકે એવો નિર્ણય કર્યો છે કે ઘઉં, ચણા, કપાસ, મગફળી માટે રજીસ્ટેશન કરાવવુ પડશે જે ઓનલાઇન થશે તેમજ ઉપરોકત જણસી સિવાયની ધાણા, જીરૂ, તલ, એરંડા સહિતના પાકો માટે કોઇ નોંધણી કરાવવાની જરૂર નથી જે યાર્ડના સમય મુજબ લાવી વહેંચી શકાશે.
તમામ જણસી સાંજના ૬થી સવારના ૫ વાગ્યા સુધીમાં લાવી સવારના ૮થી રાબેતા મુજબ હરરાજી પ્રક્યિા હાથ ધરાશે. જો કે સરકારની ગાઇડલાઇન મુજબ યાર્ડમાં માલની લે વેચ માટે આવતા દરેક ખેડૂત, વેપારી, એજન્ટોને માસ્ક, સોશ્યલ ડિસ્ટન્સ જાળવવાનુ રહેશે.