રૂા.૧૧.૯૦ લાખથી ૧૨.૫૦ લાખ સુધીની અપસેટ કિંમત સામે સૌથી વધુ રૂા.૧૫.૪૦ લાખની બોલી લાગી: ૩૦ આસામીઓએ લીધો હરાજીમાં ભાગ
કોર્પોરેશન દ્વારા આજે શહેરનાં સંતકબીર રોડ પર રાજીવ આવાસ યોજનાના શોપીંગ સેન્ટરની ૨૩ દુકાનો માટે જાહેર હરાજી હાથ ધરવામાં આવી હતી જે સફળ રહી હતી. તમામ ૨૩ દુકાનોનું વેચાણ થતા રૂા.૩.૦૯ કરોડની આવક થવા પામી છે. રૂા.૧૧.૯૦ લાખથી ૧૨.૫૦ લાખ સુધીની અપસેટ કિંમત સામે રૂા.૧૫.૪૦ લાખ સુધીની બોલી લાગી હતી. હરાજીમાં કુલ ૩૦ આસામીઓએ ભાગ લીધો હતો તેમ મ્યુની. કમિશનર ઉદીત અગ્રવાલે જણાવ્યું હતું.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ આજે સવારથી એસ્ટેટ શાખા દ્વારા સંતકબીર રોડ પર આવાસ યોજનાના શોપીંગ સેન્ટરની ૨૩ દુકાનની હરાજી હાથ ધરવામાં આવી હતી. ૧૪.૮૮ ચો.મી.થી લઈ ૧૫.૬૬ ચો.મી. સુધીનું ક્ષેત્રફળ ધરાવતી દુકાનની અપસેટ કિંમત રૂા.૧૧.૯૦ લાખથી લઈ રૂા.૧૨.૫૦ લાખ સુધી નિયત કરવામાં આવી હતી. હરાજીમાં કુલ ૩૦ આસામીઓએ ભાગ લીધો હતો અને તમામ દુકાનોનું સફળતાપૂર્વક વેચાણ થયું હતું. ઉંચી અપસેટ કિંમત રૂા.૧૨.૫૦ લાખ હતી જેની સામે સૌથી ઉંચી બોલી રૂા.૧૫.૪૦ લાખની લાગી હતી. તમામ ૨૩ દુકાનના વેચાણથી મહાપાલિકાને રૂા.૩.૦૯ કરોડની આવક થવા પામી હતી.