પડવલાની ૮૦ હજાર ચોરસ મીટર જમીન પર યુનિયન બેન્કમાંથી રૂ.૧૬.૨૦ કરોડની લોન મેળવી હપ્તા ન ભરતા બેન્કને બુચ મારી લાજવાના બદલે ગાજતા બે માથાભારે સામે નોંધાતો ગુનો
જામકંડોરણા પંથકના રાજકોટમાં કારોબાર ધરાવતા વગદાર બે સગા ભાઇ બેન્ક ડીફોલ્ટર જાહેર થયા બાદ જમીનનો દસ્તાવેજ કરતા ખરીદનારને અટકાવ્યા
મની અને મસલ પાવર ધરાવતા શખ્સો દ્વારા બેન્કમાં જમીન ગીરવે મુકી કરોડોની લોન મેળવી બેન્ક ડીફોલ્ટર બનેલા માથાભારે શખ્સો દ્વારા બેન્ક દ્વારા થતી હરરાજીમાં વિઘ્ન ઉભા કરી જમીન ખરીદનારને ધમકાવી પોતાના રાજકીય વગ અને માથાભારેની છાપના કારણે બેન્ક દ્વારા જપ્તીમાં લેવાયેલી જમીનનો કબ્જો ન છોડતા હોવા અંગેની જામકંડોરણા પંથકના મની અને મસલ પાવર ધરાવતા શખ્સો સામે કોટડા સાંગાણી પોલીસમાં ફરિયાદ નોંધાતા સનસનાટી મચી ગઇ છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ કોટડા સાંગાણી તાલુકાના પડવલા સર્વે નંબર ૪૧ પૈકી ૧ની ઔદ્યોગિક હેતુની ૮૦ હજાર ચોરસ મીટર જમીન યુનિયન બેન્કની હરરાજી દ્વારા ખરીદ કરનાર રાજસનના અને હાલ અમદાવાદ રહેતા આલોક સુરેન્દ્ર જૈને મુળ જામકંડોરણા પંથકના અને હાલ રાજકોટ કારોબાર ધરાવતા રમેશ રામભાઇ ડોડીયા અને તેના ભાઇએ કોટડા સાંગાણી મામલતદાર કચેરી ખાતે આવી ઢીકાપાટુ મારી જમીનનો દસ્તાવેજ થતો અટકાવવા ખૂનની ધમકી દીધાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.
કોટડા સાંગાણી તાલુકાના પડવલા ગામના સર્વે નંબર ૪૧ પૈકી ૧ પૈકીની ૩ની ૮૦ ચોરસ મીટર જમીન રમેશભાઇ રામભાઇ ડોડીયાએ બીન ખેતી કરાવ્યા બાદ યુનિયન બેન્કમાંથી કરોડોની લોન લીધી હતી. લોન લીધા બાદ રમેશભાઇ ડોડીયા દ્વારા નિયમિત રીતે હપ્તા ભરતા ન હોવાથી બેન્ક દ્વારા લોનની રિકવરી કરવા માટે કાર્યવાહી હાથધરી ઓન લાઇન હરરાજી કરતા મુળ રાજસ્થાનના વતની અને અમદાવાદ રહેતા આલોક જૈને પોતાની આર્ટિક્યુટેલ ટ્રેડીંગ માટે ખરીદ કરી હતી.
આર્ટિકયુટેલ ટ્રેડીંગના ડીરેકટર આલોક જૈને પડવલાની જમીન ખરીદ કરવા માટે ઓનલાઇન રૂા.૧૬.૨૦ કરોડમાં ખરીદ કરી હતી. જેનો દસ્તાવેજ બેન્ક દ્વારા કરી આપવાનું નક્કી થયું હતું. ગઇકાલે આલોક જૈન પોતાની કંપની માટે જમીનનો દસ્તાવેજ કરાવવા માટે કોટડા સાંગાણી મામલતદાર કચેરી ખાતે આવ્યા હતા ત્યારે યુનિયન બેન્કના મેનેજર નવનીત દત્તા અને બેન્કના પેનલ એડવોકેટ નૈમિષ બંસીલાલ પ્રજાપતિ તેમજ કારના ચાલક ભરત ભીખુ ઠાકર કોટડા સાંગાણી માલતદાર કચેરી ખાતે આવી દસ્તાવેજ માટે ટોકન લીધું હતું.
પડવલાની જમીનનો દસ્તાવેજ બેન્ક દ્વારા આર્ટિકયુટેલ ટ્રેડીંગને કરી આપવામાં આવતો હોવાની જમીનના મુળ માલિક રમેશ રામ ડોડીયાને જાણ થતાં તેના ભાઇ સાથ કારમાં કોટડા સાંગાણી મામલતદાર કચેરી ખાતે ઘસી આવ્યા હતા. જમીન ખરીદનાર આલોક જૈનને ‘તુ દસ્તાવેજમાં કેમ સહી કરે છે તે હું જોઉ છું. દસ્તાવેજ કરાવીશ તો જાનથી મારી નાખશુ તેવી ધમકી દઇ ઢીકાપાટુ માર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.
મની અને મસલ પાવર ધારવતા શખ્સોને રાજકીય ઓથ નીચે બેન્કમાંથી કરોડોની લોન લઇ ડીફોલ્ટર જાણી જોઇને બન્યા બાદ પોતાની ગીરવે મુકેલી જમીન પર પણ પોતાનો કબ્જો અને હક્ક ધરાર રાખી બેન્કને બુચ મારતા હોવાથી ઓનલાઇન એટલે કે કાયદેસર રીતે ખરીદ કરનાર વ્યક્તિ પણ જમીન પોતાના નામે કરાવતા ડરતા હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે. ત્યારે પડવલા ખાતે બનેલી ઘટના અંગે કોટડા સાંગાણી પોલીસે તપાસ હાથધરી છે.