- નવરાત્રિની શરણાઇ ગુંજી ઉઠી છે ત્યારે ગાયકો, સંગીતકારો હોમવર્ક સાથે મેદાને પડવા થનગને છે
- આ વખતે છકડો રાસ, મધુબંસી, દોઢિયું સાથે પ્રાચીન ગીતો ધૂમ મચાવશે
- ‘અબતક’ની ગાયકો, સંગીતકારો, વાદકો અને એરેન્જરો સાથે રસપ્રદ ચર્ચા
નવરાત્રિ આડે હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે. બે વર્ષના કોરોના કાળ બાદ પહેલી વખત આ વર્ષે લોકમેળા, ગણેશોત્સવ અને હવે નવરાત્રિની ઉજવણી માટે સરકારી છૂટ મળી છે ત્યારે રાજકોટ, સૌરાષ્ટ્ર, ગુજરાત, દેશ અને વિદેશમાં વસતા ગુજરાતીઓએ ભારે ઉમંગ સાથે માના નોરતા રંગેચંગે ઉજવવાનું મન બનાવી લીધું છે. આ વખતે નવા સ્ટેપ, નવા ગીતો, ગરબા, નવી ધૂન સાથે ગાયકો અને સંગીતકારો ખેલૈયાઓને ઝુમાવવા મેદાને પડવાના છે. રાજકોટના અનેક કલાકારો ભારત અને વિદેશમાં ધૂમ મચાવવાના છે.
નવરાત્રિ પહેલા જ એક વિવાદ સામે આવ્યો છે. વર્ષોથી ગરબામાં ગવાતું ‘તારા વિના શ્યામ મને એકલડું લાગે, રાસે રમવાને વહેલો આવજે’ ગીત ચર્ચામાં આવ્યું છે. વડોદરાના પીઢ ગાયક અતુલ પુરોહિતે આ ગીત પોતે રચ્યું છે અને પોતાના મિત્ર વિનોદ આયંગરે કમ્પોઝ કર્યું છે જે વર્ષોથી તેમના દ્વારા ગાવામાં આવતું હતું પણ છેલ્લા ત્રણેક દાયકાથી આ ગીત નવરાત્રિ અને અન્ય પ્રસંગના રાસ-ગરબામાં ખૂબ જ પ્રચલિત થયું હોવાથી કેટલીક કંપનીઓએ આ ગીતના રાઇટ માટે દાવા કર્યા હોવાનું જણાવી અતુલ પુરોહિતે ગત વર્ષે આ ગીતના રાઇટ મેળવવા અરજી કરી હતી. જેને તાજેતરમાં માન્ય રાખી રાઇટ આપવામાં આવ્યા હોવાનું જાહેર કરતા હવે મુદ્ો એ આવ્યો છે કે શું નવરાત્રિમાં આ ગીત ગવાશે? જો ગવાશે તો કોપી રાઇટનો ભંગ થયો ગણાશે? જો આમ થાય તો કોઇ કાયદેસરની કાર્યવાહી થશે? આ વિષય પર ‘અબતકે’ સંગીતકારો, ગાયકો, વાદકો, કાર્યક્રમના એરેન્જરો સાથે મુલાકાત કરી હતી ત્યારે સાર એ નિકળ્યો કે આ ગીત ભલે અતુલ પુરોહિતે રચ્યું હોય, તેના રાઇટ પણ પુરોહિતને મળી ગયા હોય પરંતુ ‘તારા વિના શ્યામ….’ હવે લોકહૈયે વસી ગયું છે, લોકગીત જેવું જ લોકપ્રિય થયું ગયું છે ત્યારે ખેલૈયાઓને અને શ્રોતાઓને તેનાથી વંચિત રાખી ન શકાય! જો કે અતુલ પુરોહિતે પણ એવું જણાવ્યું છે કે તેમનો ઇરાદો કોઇને હેરાન કરવાનો કે કોઇને આ ગીત ગાતા રોકવાનો નથી વળી રોયલ્ટીરૂપે કોઇ કમાણી કરવાની પણ ગણતરી નથી પરંતુ પોતાના સર્જન પર કેટલીક કંપનીઓએ દાવા નોંધાવતા પોતે મેદાને આવવું પડ્યું છે.
- વર્ષ દરમિયાન જે ગીતો હિટ જાય એના પરથી નવરાત્રિની સ્ક્રિપ્ટ બને છે: રાજુભાઇ ત્રિવેદી
- ‘અબતક સુરભી’ રાસોત્સવ ખેલૈયાઓને ખૂબ ઝૂમાવશે એવી ખાતરી વ્યક્ત કરતા ત્રિવેદી
નવરાત્રિ દરમિયાન વિશ્ર્વના અનેક દેશોમાં સંગીત પીરસનારા સુપ્રસિદ્વ સંગીતકાર રાજુભાઇ ત્રિવેદીએ ‘અબતક’ સાથેની વાતચિતમાં જણાવ્યું કે બે વર્ષના કોરોના કાળ બાદ ખેલૈયાઓ નવરાત્રિની કાગડોળે રાહ જોઇ રહ્યા છે. આ વખતની નવરાત્રિ કલ્પનાતીત હશે. તેમણે વધુમાં જણાવ્યું કે હું ક્યારેય એવો હઠાગ્રહ નથી રાખતો કે લોકોને અમૂક વસ્તુ જ પીરસવી પણ જે ચાલતું હોય તે એટલે કે માતાજીના ગરબા, લોકગીતો, યુવાધન માટે થોડું સુગમ અને બોલીવુડ સંગીત પણ પીરસવું પડે છે. જો કે ગુજરાતી ગીતો એટલા બધા પાવરફૂલ છે કે પંજાબી સંગીતની સાથોસાથ તે ઉભા છે. અમે વર્ષ દરમિયાન જે ગીતો ખૂબ ચાલ્યા હોય તેના પરથી નવરાત્રિની સ્ક્રિપ્ટ તૈયાર કરીએ છીએ.
આ વર્ષે કેનેડાના પ્રવાસે જનારા રાજુભાઇ કહે છે કે આપણા કરતા વિદેશમાં નવરાત્રિ દરમિયાન ધાર્મિકતા વધુ જોવા મળે છે વળી ત્યાં ફિલ્મગીતો રજૂ કરવાની મનાઇ હોય છે. કલાકારોને વિદેશમાં પૈસા પણ વધુ મળે છે અને સન્માનમાં ખૂબ મળે છે એટલે સ્વાભાવિક રીતે વિદેશનું આકર્ષણ હોય. ‘તારા વિના શ્યામ…’ ગીત વિવાદ મુદ્ે તેમણે કહ્યું કે આ વિવાદનું નિવારણ અતુલ પુરોહિત પોતે જ કરી શકે કેમ કે તેમનું સર્જન છે એટલે તેમનો હક્ક બને છે પણ ગીત ખૂબ લોકપ્રિય છે એટલે તેને કોઇ ગાય તો રોકવા ન જોઇએ. જો કે અતુલ પુરોહિત ખૂબ પીઢ કલાકાર છે એટલે કોઇને નુકશાન થાય એવું પગલું તેઓ ક્યારેય ન ભરે. ‘અબતક સુરભી’ રાસોત્સવને તેમણે શુભેચ્છા પાઠવી અને રાજકોટના રાસરસિયા લોકોને આ ગ્રુપ ખૂબ ઝૂમાવશે એવી ખાતરી વ્યક્ત કરી.
- સૌએ ગરબા ગાઇ-રમીને માતાજીને રીઝવવાના છે: હેમંત ચૌહાણ
- ઓસ્ટ્રેલિયા જઇ રહેલા હેમંતભાઇ કહે છે કે ત્યાં પણ આપણા જેવા જ ગરબા થાય છે
વિશ્ર્વભરમાં પોતાના ભાવવાહી કંઠથી ભજનની આરાધના માટે સુપ્રસિદ્વ હેમંત ચૌહાણે ‘અબતક’ સાથેની વાતચિતમાં જણાવ્યું કે આ નવરાત્રિમાં તેઓ ઓસ્ટ્રેલિયાના વિવિધ શહેરોમાં ગરબા, લોકગીત દ્વારા ત્યાંના ગુજરાતીઓને રાસ-ગરબામાં ઝૂમાવશે.
તેમણે કહ્યુ કે અહિંના ગરબા અને વિદેશોના ગરબા વચ્ચે બહુ ફરક નથી હોતો. પ્રાચિન ગરબા અને લોકગીતો વધુ ચાલે છે. વિદેશોમાં આપણા ગુજરાતી ભાઇઓ-બહેનો ત્યાંના લોકોને પણ કેડીયા, ચોરણી, સાડી વગેરે પહેરાવીને ગરબે ઘૂમાવે છે એટલે કે બે સંસ્કૃતિનું મિલન થાય છે. પંખીડાઓ-પંખીડા, ટહુકા કરતો જાય મોરલો સહિતના ગરબા અને ગીતો અહિ અને ત્યાં બહુ ચાલે છે.
હેમંતભાઇએ લોકોને સંદેશો આપતા જણાવ્યું કે વર્ષે એકવાર માનો તહેવાર આવે છે અનેક ભક્તો અનુષ્ઠાન કરીને માતાજીને વિનવે છે ત્યારે આપણે સૌએ પરંપરાગત ગરબા લઇને માતાજીને રીઝવવાનો પ્રયાસ કરવાનો છે. સૌએ યાદ રાખવું જોઇએ કે નવરાત્રિમાં કોઇ નબળું ગીત ન ગવાઇ જાય, કોઇ સાથે આછકલાઇ ન થઇ જાય, કોઇ સાથે ખરાબ વર્તન પણ ન થાય એ જરૂરી છે. તેમણે કહ્યુ કે આ તહેવાર માત્ર મનોરંજનનો નહિ પણ આત્મરંજનનો છે.
- રિહર્સલમાં ‘વંદે માતરમ્’ ગીત ગવાયુંને તેના પર બીટ બેસાડી જે આજે વિશ્ર્વ પ્રસિદ્વ છે: હિતેષ ઢાંકેચા
રાજકોટના જાણીતા રિધમ એરેન્જર હિતેષ ઢાંકેચાએ ‘અબતક’ સાથેની વાતચિતમાં કહ્યું કે રાજકોટના ખેલૈયાઓ જબ્બરદસ્ત રીતે રમે છે. વિશ્ર્વભરના ગરબાપ્રેમીઓ રાજકોટના ખેલૈયાઓ પાસેથી સ્ટેપ શીખે છે ત્યારે અમારે પણ નવી બીટ બેસાડવી પડે. આ વખતે ઇન્ટ્રો અને એન્ડ અમે સરસ રીતે તૈયાર કર્યા છે જે આકર્ષણ હશે. એ.આર.રહેમાનના ‘વંદે માતરમ્’ ગીત પર બીટ બેસાડનાર હિતેષ ઢાંકેચાએ જણાવ્યું કે 2001માં નવરાત્રિ પહેલા રિહર્સલ વખતે એક ગાયક આ ગીત ગાતા હતા ત્યારે મેં તેના પર રમવાની બીટ બેસાડી જે આજે વિશ્ર્વ પ્રસિદ્વ બની ગઇ છે.
- મુસ્લિમ છું છતાં માતાજીના ગરબા ગાઇને ગુજરાન ચલાવું છું: રફીક ઝારીયા
આ વખતે મોગલ માના ગરબા ચાલશે એટલે એની તૈયારીએ કરીએ છીએ. નવરાત્રિમાં છેલ્લા 20 વર્ષોથી પોતાના કંઠના કામણ પાથરતા રફીક ઝારીયાએ ‘અબતક’ને જણાવ્યું કે નવરાત્રિમાં માતાજીના ગરબા, પ્રાચીન ગીતો અને થોડું બોલીવુડ સંગીત ચાલે છે વળી ‘નગર મે જોગી આયા’ જેવા ભજનો પણ ગવાય છે. અમારે વર્ષોની આવડતનો નિચોડ નવરાત્રિમાં આપી દેવાનો હોય છે. આ વખતે મોગલ માના ગીતો ચાલશે એટલે અમે એની તૈયારી કરી છે. તેમણે કહ્યું કે કલા અને કલાકારને કોઇ ધર્મ હોતો નથી. હું મુસ્લિમ છું છતાં વર્ષોથી માતાજીના ગરબા ગાઇને મારૂં ગુજરાન ચલાવું છું. માતાજીના નામે મારૂં ઘર ચાલે છે એટલે હું મારા ધર્મની સાથે હિન્દુ ધર્મનું એટલું જ સન્માન કરૂં છું.
- ‘અબતક સુરભી’ રાસોત્સવ નવરાત્રિને યાદગાર બનાવશે: તેજસ શિશાંગીયા
- કલાકારો, સંગીતકારો બે વર્ષની તૈયારી પછી મેદાને પડવા સજ્જ
એશિયાનો સૌથી લાંબો નૃત્ય મહોત્સવ એટલે નવરાત્રિ. વિશ્ર્વભરના ગુજરાતીઓની નજર રાજકોટની નવરાત્રિ પર હોય છે અને આ વખતની નવરાત્રિ છેલ્લા એક દાયકાની શ્રેષ્ઠ નવરાત્રિ હશે એવું જાણિતા એન્કર, ગાયક, પ્રોગ્રામ એરેન્જર તેજસ શિશાંગીયાએ ‘અબતક’ સાથેની વાતચિતમાં જણાવ્યું. તેમણે કહ્યું કે આ વખતે છકડો રાસ, મધુબંસી, દોઢિયું, પ્રાચીન ગીતો, મેઘાણી ગીતો સાથે યુવાનોની પસંદગીના બોલીવુડ ગીતો ધૂમ મચાવશે. તેમણે વધુમાં કહ્યું કે ‘તારા વિના શ્યામ…’ ગીતનો જે વિવાદ છે તે ટેકનીકલ બાબત છે પણ અતુલભાઇ એ વાત સારી રીતે સમજતા હશે કે અસંખ્ય ગાયકોએ આ ગીતને લોકોનું માનીતું બનાવી દીધું છે ત્યારે બધા ગાયકો આગામી નવરાત્રિમાં પણ આ ગીત ગાય તેવી છૂટ આપી દેવી જોઇએ.
જો કે અતુલભાઇએ કોઇને ગાતા રોકવાની વાત કરી નથી. ‘અબતક સુરભી’ રાસોત્સવ અંગે તેમણે કહ્યું કે 2008માં સુરભી રાસોત્સવ શરૂ થયો હતો. તેમાં થોડા વર્ષો પહેલા ‘અબતક મીડિયા હાઉસ’ જોડાયું અને શ્રેષ્ઠ રિધમ, શ્રેષ્ઠ મ્યુઝિક, શ્રેષ્ઠ ગાયકો, શ્રેષ્ઠ સાઉન્ડ-સિસ્ટમ સાથે શ્રેષ્ઠ પીરસવાનો પ્રયાસ આ ગ્રુપ કરી રહ્યું છે. આ વર્ષે સુપ્રસિદ્વ ગાયકો આશિફ ઝેરીયા, જીતુદાદ ગઢવી સાથે ફરીદા મીર પણ જોડાયા છે ત્યારે ‘અબતક સુરભી’નો દબદબો ઔર હશે. ‘અબતક’ના મેનેજીંગ એડિટર સતિષભાઇ મહેતા અને સુરભી ગ્રુપના વિજયસિંહ વાળા હમેંશા યાદગાર નવરાત્રિ માટે આયોજન કરતા હોય છે. આ વર્ષે પણ આ ગ્રુપ નવરાત્રિને યાદગાર બનાવશે.
- ગુજરાતી સાથે હિન્દી ગીતોનું મિશ્રણ નવરાત્રિનો ટ્રેન્ડ છે: રૂપાલી જાંબુચા
નવરાત્રિ, મ્યુઝિકલ પ્રોગ્રામોમાં પોતાના કંઠ માટે જાણીતા રૂપાલી જાંબુચાએ ‘અબતક’ સાથેની વાતચિતમાં જણાવ્યું કે નવરાત્રિમાં ગુજરાતી ગીતો વધુમાં વધુ ગવાઇ છે અને ચાલે છે પણ યુથને ટ્રેડીશનલ સાથે ફિલ્મ ગીતો પણ જોઇતા હોય છે એટલે અમારે મિશ્રણ કરવું પડે છે.