રાષ્ટ્રસંત પૂજય ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબના બ્રહ્મનાદથી પ્રગટતી મંત્ર-જપ સાધનાની દિવ્યાનુભૂતિમાં જામનગરમાં ભાવિકો

જેમના બ્રહ્મસ્વર અને નાભિનાદથી પ્રગટતા પ્રભુભક્તિના સ્તોત્રનું શ્રવણ કરીને દેશ-વિદેશના હજારો હજારો ભાવિકો ભક્તિ-ભાવમાં જોડાઈને જીવન ધન્ય બનાવી રહ્યાં છે એવા સિદ્ધિના સાધક રાષ્ટ્રસંત પૂજ્ય નમ્રમુનિ મહારાજ સાહેબના સાંનિધ્યે જામનગરના આંગણે મહા પ્રભાવક ઉવસગ્ગહરં સ્તોત્રની જપ સાધનાનું આયોજન કરવામાં આવતાં વિશાળ સંખ્યામાં ભાવિકો શ્રદ્ધાભાવ સાથે જોડાયાં હતાં.

જામનગર સ્થિત કામદાર વાડી ખાતે વહેલી સવારના સમયે રાષ્ટ્રસંત પૂજ્યના બ્રહ્મનાદથી લયબધ્ધ સ્વરમાં અવિરત ૫૦ મિનિટ સુધી કરાવવામાં આવેલી ઉવસગ્ગહર સ્તોત્રની તેમજ વિશિષ્ટ મંત્રોચ્ચારની સાધના દ્વારા પ્રસરાએલાં દિવ્યતાના તરંગોમાં વિશાળ જન સમુદાય લીન-તલ્લીન બની ગયો હતો.

મંત્ર સાધનાનું મહત્વ સમજાવતાં આ અવસરે રાષ્ટ્રસંત પૂજ્યે અત્યંત મધુર વાણીમાં બોધ આપીને કહ્યું હતું કે, મંત્રજાપ તે વીતરાગતાને પ્રગટ કરવા માટેનો ઉપાય હોય છે. જેમ જેમ મંત્રોના જાપ થતાં જાય છે એમ એમ એન્ગર અને ઈગો જેવા આંતરિક અવગુણો દૂર થઈ જતાં હોય છે. મંત્રજાપ કરનાર વ્યક્તિ ધીમે ધીમે શાંત થતી જાય છે. અને જેમ જેમ વ્યક્તિ શાંત થતી જાય છે એમ એમ તે વિકલ્પવિહિન બનતી જાય છે.

DSC 2413

આત્માનું કલ્યાણ કરાવી દેનારા પૂજ્યના આવા બોધવચનના પ્રાગટ્ય બાદ આ અવસરે લુક એન લર્નના દીદીઓએ આગમ ગ્રંથોને મસ્તકે ધારણ કરીને સુંદર ગીતની પ્રસ્તુતિ સાથે ઉપસ્થિત સમુદાયને આગમથી પરિચિત કરાવતાં સહુ અત્યંતપણે અહોભાવિત થયાં હતાં. ઉપરાંતમાં દીદીઓએ લુક એન લર્નમાં સેવા આપવાની અદભુત અનુભૂતિની વક્તવ્ય દ્વારા અભિવ્યક્તિ કરીને પૂજ્ય ગુરૂદેવ પ્રત્યે અહોભાવ પ્રદર્શિત કાર્ય હતો.

વિશેષમાં, વિશ્વ પ્રચલિત ગુરુપ્રાણ આગમ બત્રીસી ગ્રંથોના ૭૦૦૦ રૂ.ની  કિંમતના સેટને આજના દિવસે માત્ર જામનગરના ભાવિકો માટે માત્ર રૂ. ૨૦૦૦ની કિંમતે ઉપલબ્ધ કરાવીને જ્ઞાન પ્રાપ્તિની પ્રેરણા કરવામાં આવતાં સર્વત્ર હર્ષનાદ છવાયો હતો.

આ અવસરે ઉપસ્થિત સર્વ ભાવિકો માટેની નૌકારશીનો લાભ જસ્મીનભાઈ કામદાર પરિવારે લીધો હતો. લુક એન લર્નના બાળકો દ્વારા ૧૧ જ્ઞાન બોલના પ્રતીક સાથે રાષ્ટ્રસંત પૂજ્ય ગુરૂદેવનું ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

આજ રોજ હાલારી વિશા શ્રીમાળી જૈન વાડીના ભૂમિ પૂજનમાં ઉપસ્થિત હજારો ભાવિકોને જણાવેલ કે, સદભાગી જીવ સેવા શોધે છે અને દુર્ભાગી સેવાથી દૂર ભાગે છે. વિજયભાઈ સંઘવીએ આ અવસરે રૂ. ૫૫ લાખ અર્પણ કરતાં તેમનું નમસ્કાર મંત્રની સુંદર ફ્રેમ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.

પૂજ્ય ગુરુદેવના સાંનિધ્યે જૈન વાડીના ટ્રસ્ટીઓએ આ અવસરે ભગવાન મહાવીરના સિદ્ધાંત અનુસાર કંદમૂળ ખાસું નહીં અને વાડીમાં બનાવશું નહીં એવી જાહેરમાં પ્રતિજ્ઞા કરતાં જયકાર ગૂંજી ઉઠ્યો હતો.

અંતે, ભગવાનનું નામ લઈને નહીં પરંતુ શાસન સેવાના કાર્યમાં જોડાઈને પ્રભુ ધર્મની પ્રભાવના કરવાની રાષ્ટ્રસંત પૂજ્યની પાવન પ્રેરણા ઝીલીને કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.