ભાઇ અને પતિ સામે પોલીસ કાર્યવાહી ન કરતા કમિશનર કચેરીએ સમાજ સેવિકાએ શરીરે પેટ્રોલ છાટયું: છ શખ્સો સામે
બળજબરી કર્યાનો નોંધાતો ગુનો: સાપ્તાહીકના નામે મનમાની ચલાવતા પરેશ દાવડાની પાપ લીલાનો ભાંડો ફુટયો
શહેરમાં દિવ્ય કેશરી નામનુ સાપ્તાહીક ચલાવતા પરેશ દાવડા અને તેના મળતીયાઓએ વડોદરામાં સમાજ સેવાનું કાર્ય કરતી મહિલાને બદનામ કરવા અને શારીરિક અને માનસિક ત્રાસ દઇ હેરાન પરેશાન કરવા અંગેનો પોલીસમાં ગુનો નોંધાતા સનસનાટી મચી ગઇ છે.
વડોદરામાં હેપ્પી હાર્ટ નામની સેવાકીય પ્રવૃતિ કરતી મિનલબેન પંચાલ નામની ૪૫ વર્ષની લુહાર મહિલાએ ગઇકાલે સાંજે ચાર વાગે રાજકોટ પોલીસ કમિશનર કચેરી ખાતે શરીરે પેટ્રોલ છાંટી આત્મવિલોપનનો પ્રયાસ કરતા પોલીસમાં દોડદામ મચી ગઇ હતી. મિનલબેન પંચાલે દિવ્ય કેશરી સાપ્તાહીકના તંત્રી સહિતના શખ્સો સામે પોલીસમાં કરેલી અરજી અંગે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતી ન હોવાનો આક્ષેપ કરી આત્મવિલોપન કરતી હોવાનું જણાવ્યું હતું.
વડોદરા રહેતી અને હેપ્પી હાર્ટ નામની સામાજીક સંસ્થા ચલાવતી મિનલબેન પંચાલ નામની ૪૫ વર્ષની મહિલાએ રાજકોટ રહેતા ભાઇ જય પીઠવા, અમિત પીઠવા, પતિ વિનોદ ગોહેલ, પોતાના ભાઇના મિત્ર હિતેસ પિત્રોડા, દિવ્ય કેશરી સાપ્તાહીકના તંત્રી પરેશ દાવડા, પોતાની સગી બહેન પારૂલ દાવડા, ભાભી કૈયા પીઠવા સહિતના શખ્સો સામે ગાળો દઇ એસિડ છાંટી મારી નાખવાની ધમકી દીધાની તેમજ રૂ.૧.૫૦ લાખ બળજબરીથી પડાવવાની કોશિષ તેમજ જાતિય સતામણી કર્યા અંગેની એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. મિનલબેન પંચાલે રાજકોટના જય પીઠવા, વિનોદ ગોહેલ, હિતેશ પિત્રોડા, પારૂલ દાવડા, કૈયા પીઠવા, પરેશ દાવડા અને અમિત પીઠવા નામના શખ્સો થતા.૧૫-૪-૧૫, તા.૧૪-૨-૧૭ અને તા.૯-૭-૧૭ના રોજ મોબાઇલમાં વાત કરી બિભત્સ માગણી કરી અપહરણ કરવાની અને ફાર્મ હાઉસ પર લઇ જઇ એન્જોય કરવાની અને તેનું વીડિયો રેકોર્ડીગ કરવા તેમજ એસિડ છાંટી સળગાવી નાખવાની ધમકી દીધાની પોલીસમાં અરજી આપી હતી. તેમજ તેનું વોઇસ રેકોર્ડીગ પોલીસમાં રજુ કર્યુ હતું.
પરેશ દાવડા રાજકોટમાં સાપ્તાહીક ચલાવતો હોવાથી પોલીસે તેની સામે કોઇ કાર્યવાહી કરી ન હોવાથી મિનલબેન પંચાલે અનેક વખત પોલીસમાં રજૂઆત કરવા છતાં પોતાને ન્યાય ન મળતા ગઇકાલે પોલીસ કમિશનર કચેરી ખાતે શરીરે પેટ્રોલ છાંટી દિવાસળી ચાંપી આત્મવિલોપન કરવાનો પ્રયાસ કર્યાનું જણાવ્યું હતું.
મિલન પંચાલે પોતે ગોહેલ પરિવારની પુત્રવધૂ છે અને પીઠવા પરિવારની પુત્રી છે સાસરીયા અને પિયરના ત્રાસથી ત્રસ્ત હોવાથી પોતે અલગ રહે છે પોતાના ભાઇ અને ભાભી મિલકતના પ્રશ્ર્ને ત્રાસ દેતા હોવાનું અને તેઓને દિવ્ય કેશરીના પરેશ દાવડા સાથ સહકાર આપી સમાજમાં બદનામ કરવાની ધમકી દેતો હોવાનો આક્ષેપ કર્યો હતો.
મિનલબેન પંચાલે આ અગાઉ પણ ત્રાસથી કંટાળી આપઘાતનો પ્રયાસ કર્યા હતો. મિનલબેન પંચાલના પિતા પર દિવ્ય કેશરીના પત્રકાર જય પીઠવાએ હુમલો કર્યાનો અને માતા પર પણ નિર્લજ્જ હુમલો કર્યાનો આક્ષેપ કર્યો છે. એ ડિવિઝન પોલીસ મથકના પી.એસ.આઇ. કે.એ.જાડેજા સહિતના સ્ટાફે દિવ્ય કેશરીના પરેશ દાવડા, ભાઇ, ભાભી, બહેન અને પતિ સહિતના શખ્સો સામે ગુનો નોંધી ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com