- સૃષ્ટી વિરૂધ્ધના કૃત્યની ખોટી ફરિયાદ માટે પોલીસ પર દબાણ લાવવા નાટક કર્યાનો પોલીસનો બચાવ
- સમાધાન થયાનું અને કોઇ કાર્યવાહી ન કરવાનું પોલીસ સમક્ષ 20 દિવસ પહેલાં નિવેદન આપ્યા બાદ પિતા-પુત્રએ કર્યો આત્મવિલોપનનો પ્રયાસ
મેટોડા જીઆઇડીસી પાસે આવેલી અંજલી પાર્કના પિતા-પુત્રએ લોધિકા પોલીસ પોતાની ફરિયાદ ન નોંધતા હોવાના અને માર માર્યાના આક્ષેપ સાથે જિલ્લા પોલીસ વડાની કચેરીએ શરીરે પેટ્રોલ છાંટી આત્મવિલોપનનો પ્રયાસ કર્યાનું સામે આવ્યું છે. આ અંગે લોધિકા પોલીસનો સંપર્ક કરતા તેઓએ સૃષ્ટી વિરૂધ્ધના કૃત્ય અંગેની પોલીસમાં ફરિયાદ માટે અરજી આપી હતી તેની તપાસમાં તથ્ય જણાયું ન હતું બીજી તરફ આત્મવિલોપનનો પ્રયાસ કરનારે જ 20 દિવસ પહેલાં પોતાને ફરિયાદ ન નોંધવાનું અને અંદરો અંદર સમાધાન થયાનું નિવેદન આપ્યું હોવાનું જણાવ્યું છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મેટોડાના અંજલી પાર્કમાં રહેતા હસમુખભાઇ સોમાભાઇ દાફડા અને તેના 17 વર્ષના પુત્ર રવિએ રાજકોટ એસપી કચેરીએ આત્મવિલોપનનો પ્રયાસ કરવા શરીરે પેટ્રોલ છાંટતા પોલીસે પિતા-પુત્રની અટકાયત કરી પ્ર.નગર પોલીસ મથકે લઇ જવામાં આવ્યા હતા ત્યારે તેઓએ લોધિકા પોલીસ પોતાની ફરિયાદ ન નોંધતી હોવાના આક્ષેપ કર્યા હતા.
આ અંગેની લોધિકા પીએસઆઇ કે.કે.જાડેજાનો સંપર્ક કરવામાં આવતા તેઓએ મેટોડાના જ રવિ, ધવલ, રમેશ અને મયુર પરમાર વચ્ચે માથાકૂટ થતા મયુર પરમાર નશો કરેલી હાલતમાં પોલીસ મથકે રજૂઆત કરવા આવ્યો ત્યારે તેની પોલીસે ધરપકડ કરી હોવાથી રવિ દાફડા નારાજ થયો હતો.
ધવલ સહિતના શખ્સોને પોલીસમાં પકડાવવા રવિ દાફડાએ પોતાના પર 15 થી 17 જેટલા શખ્સોએ સૃષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય કર્યાના આક્ષેપ સાથે પોલીસમાં અરજી આપી હતી. પોલીસ દ્વારા આ અંગે તપાસ કરવા રવિ દાફડાને મેડિકલ ચેકઅપ માટે હોસ્પિટલ લઇ જવાનું કહેતા તેને મેડિકલ ચેકઅપ કરાવવાનો ઇન્કાર કર્યો બાદ હસમુખભાઇએ પોતાના પુત્ર રવિ સાથે ચર્ચા કરી ત્યારે પોતાના પર સૃષ્ટી વિરૂધ્ધનું કૃત્ય ન થયાનું જણાવતા હસમુખભાઇ સોમાભાઇ દાફડાએ પોતાના પુત્ર પર કોઇએ સૃષ્ટી વિરૂધ્ધનું કૃત્ય ન થયાની અને પોતાને ફરિયાદ ન નોંધાવવા અંગેનું તેમના સમાજના આગેવાનોની હાજરીમાં પોલીસ નિવેદન નોંધાવ્યું હતું તેમજ તેઓને ઘર મેળે સમાધાન થયાનું જણાવ્યા બાદ હસમુખભાઇ દાફડા પોતાના પુત્ર રવિ સાથે એસપી કચેરીએ આવી સૃષ્ટી વિરૂધ્ધનું કૃત્ય આચર્યાની પોલીસ ફરિયાદ ન નોંધતી હોવાના આક્ષેપ સાથે આત્મવિલોપનનો પ્રયાસ કર્યાનું બહાર આવ્યું છે.