અમદાવાદ આરટીઓમાં ફરજ બજાવતા ઇન્સ્પેકટરને શામળાજી ચેક પોસ્ટ પરના ચેકીંગના કારણે હત્યાની સોપારી અપાયાની શંકા
ત્રંબા પાસે કાર પાર્ક કરીને ઉભા રહ્યા ત્યારે જ પુર ઝડપે ઘસી આવેલા ટ્રકે કચડી મોતને ઘાટ ઉતાર્યાની પરિવારનો આક્ષેપ
બોલેરોના ચાલકે રેકી કર્યા બાદ હત્યાની ઘટનાને અંજામ આપ્યાના સીસીટીવી ફુટેજથી મહત્વની કડી
ભાવનગર રોડ પર આવેલા ત્રંબા પાસે કાર પાર્ક કરીને ઉભેલા અમદાવાદ આરટીઓ ઇન્સ્પેકટરને પાછળથી પુર ઝડપે ઘસી આવેલા ટ્રકને કચડી નાખ્યાની ઘટના માર્ગ અકસ્માતની નહી પરંતુ હત્યા કરી બનાવને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ થઇ રહ્યાના મૃતકના પરિવાર દ્વારા ચોકાવનારા આક્ષેપ થતા સનસનાટી મચી ગઇ છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ નાના મવા સર્કલ પાસે શ્રીરાજ રેસિડેન્સીમાં રહેતા અને અમદાવાદ આરટીઓમાં આસિસ્ટન્ટ ઇન્સ્પેકટર તરીકે ફરજ બજવતા નિલેશભાઇ વિનોદભાઇ કોઠારી નામના ૨૯ વર્ષના પટેલ યુવાનને ત્રંબા પાસે જી.જે.૧૩એકસ. ૭૦૦૦ નંબરના ટ્રકના ચાલકે કચડી નાખતા ગંભીર રીતે ઘવાતા તેમનું મોત નીપજ્યાનું ફરજ પરના તબીબે જાહેર કર્યુ છે. મૃતક નિલેશભાઇ કોઠારી તેમની પત્ની મિરાબેન ભાવનગર રોડ પર ઢાંઢીયા ગામે કુળદેવી માતાજીના દર્શન કરવા ગયા હતા અને પરત આવતા હતા ત્યારે ત્રંબા પાસે પોતાની જી.જે.૧૮બીએફ. ૯૩૦૬ નંબરની બ્રેઝા કાર લઇને ઉભા રહ્યા હતા ત્યારે પાછળથી પુર ઝડપે ઘસી આવેલા ટ્રકની ઠોકર લાગતા અકસ્માત સર્જાયો હોવાનું પોલીસમાં નોંધાયું છે.
નિલેશભાઇ કોઠારી શામળાજી ચેક પોસ્ટ પર ફલાઇંગ સ્કવોડમાં ફરજ બજાવતા હતા ત્યારે કેટલાક ટ્રક ચાલકો અને ટ્રકના વ્યવસાય કરતા ટ્રાન્સપોર્ટ સંચાલકોને આંખમાં કણાની જેમ ખુચતા હોવાથી હત્યા થયાની ચર્ચાએ ચકચાર જગાડી છે. ફરજ પ્રત્યે પ્રમાણીક નિલેશભાઇ કોઠારીને ત્રંબા પાસે ટ્રક નીચે કચડાયા તે સમયના વાયરલ થયેલા સીસીટીવી ફુટેજમાં એક બોલેરો કાર જોવા મળે છે. તે ઘટના પૂર્વે બે થી ત્રણ વખત ત્યાંથી પસાર થતી જણાતી હોવાથી બોલેરોમાં રેકી થયા બાદ તેઓને મોતને ઘાટ ઉતારવામાં આવ્યાનો આક્ષેપ થઇ રહ્યો છે. આ અંગે આજી ડેમ પોલીસ મથકના પી.આઇ. વી. જે. ચાવડાનો સંપર્ક કરતા તેઓએ ટ્રક ચાલક મધ્યપ્રદેશનો વતની હોવાનું જણાવ્યું હતું. તેનો કોરોના રિપોર્ટ થયા બાદ આ અંગે પૂછપરછ કરવામાં આવશે તેમજ હત્યા અંગેના પુરાવા મેળવવા તપાસ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.