વોર્ડ નં.9માં કૈલાશ પાર્ક શેરી નં.4માં દબાણ હટાવાયું
સબ ભૂમિ ગોપાલ કી માનીને રાજકોટમાં જમીન માફીયાઓ ગમે ત્યાં દબાણ ખડકી દેવા માટે રાજ્યભરમાં જાણીતા છે. દબાણમાં પણ મોડેસઓપરેન્ડી ચાલે છે. જેમાં સૌપ્રથમ કોર્પોરેશનની માલિકીની જમીન કે ખાનગી માલિકીની જમીનમાં પશુઓ બાંધી હંગામી દબાણ ઉભું કરવામાં આવે છે.
સમય જતાં અહિં પાકા બાંધકામો ખડકાઇ જાય છે. જે ખાલી કરાવવામાં તંત્રના મોઢે ફીણ આવી જાય છે. શહેરના વોર્ડ નં.9માં કૈલાશ પાર્ક વિસ્તારમાં કોર્પોરેશનની માલિકીના પ્લોટમાં ઘોડા બાંધીને દબાણ ખડકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સ્થાનિક લોકોની જાગૃતિથી દબાણકર્તાઓને નિષ્ફળતા સાપડી છે. આ અંગે કોર્પોરેશન સુધી ફરિયાદ પહોંચતા યુદ્વના ધોરણે દબાણો હટાવી દેવામાં આવ્યું હતું.
શહેરના વોર્ડ નં-9 કૈલાસ પાર્ક શેરી નં-04 માં અજાણ્યા આસામી દ્વારા કોર્પોરેશનના પ્લોટમાં ઘોડાઓ બાંધી દબાણ કર્યુ હોવાની ફરિયાદ મળતા સ્થાનિક લતાવાસીઓ દ્વારા ફરીયાદ અન્વયે નાયબ મ્યુનિ. કમિશનર એ.આર.સિંહના માર્ગદર્શન હેઠળ જગ્યા રોકાણ શાખા, ટી.પી. શાખા, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા અને એ.એન.સી.ડી શાખા સાથે રહીને પ્લોટની અંદર બાંધેલ ઘોડાને એ.એન.સી.ડી. શાખા દ્વારા જપ્ત કરવામાં આવેલ છે. પ્લોટની અંદરનું તમામ અસ્થાયી દબાણ દૂર કરવામાં આવેલ છે.