બેંકમાંથી પૈસા ઉપાડીને નીકળેલા વેપારીનો લૂંટારૂએ પીછો કર્યો: કારમાં બેસવા જતા છરીના ઘા ઝીંકયા
તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે ગુનેગાર પણ સક્રિય થઇ રહ્યા છે જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરમાં ગઇકાલે બપોરે ભરબજારે બેંકમાંથી 6 લાખ ઉપાડી પોતાની કારમાં બેસવા જતા હતા ત્યારે અજાણ્યા શખ્સો પીછો કરી કારમાં બેઠેલા વેપારી પર છરીના ઘા ઝીંકી લુંટનો પ્રયાસ કર્યો હતો પરંતુ વેપારીએ લુંટારૂનો હિંમતભેર સામનો કરી પૈસા બચાવી દેકારો કરી મુકતા લોકો ભેગા થઇ જતા હુમલાખોર નાસી છુટયો હતો.
આ ઘટના અંગેની પોલીસ સુત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ ધ્રાંગધ્રા હળવદ રોડ પૃથ્વીપાર્ક સોસાયટીમાં રહેતા અને સંસ્કારધામ ગુરુકુળ સામે આવેલ ગાયત્રી એગ્રો ઇન્ડસ્ટ્રીઝના ભાગીદાર આનંદભાઇ હસમુખભાઇ પટેલ (ઉ.વ.ર8) એ પોલીસમાં નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે 30 થી 3પ વર્ષની વયના દાઢીવાળો કાળા કલરનું આખી બાયનું ટીશર્ટ જીન્સ પેન્ટ તેમજ લાલ કલરના ચપલ પહેરેલ શખ્સનું નામ આપ્યું હતું.
પોલીસ ફરીયાદમાં જણાવ્યા પ્રમાણે ગઇકાલે બપોરે ફરીયાદી વેપારી ડો. હસુભાઇ પારેખના દવાખાના પાસે પોતાની કાર પાર્ક કરી બેંક ઓફ બરોડામાં પૈસા ઉપાડવા ગયા હતા વેપારીએ બેંકમાંથી ખેડુતોને ચુકવવા માટે 6 લાખ ઉપાડી પ્લાસ્ટીકના ઝબલામાં ભરી પોતાની કાર તરફ જતો હતો ત્યારે દાઢીધારી અજાણ્યો શખ્સ વેપારીનો પીછો કરતા વેપારીને શંકા જતા દોડીને કારમાં બેસી ગયા હતા.વેપારી પાસે મોટી રકમ લુંટવા આવેલા અજાણ્યા શખ્સ ડ્રાયવર સાઇડનો દરવાજો ખોલી વેપારીને છરી બતાવી પૈસા ઝુંટવાની કોશીશ કરતા વેપારી પૈસાની થેલી પર આડા પડી જતા લુંટારૂએ વેપારીને હાથમાં છરીના ત્રણેક ઘા ઝીંકી દીધા હતા.
આ વખતે વેપારીને રાડા રાડ કરી મુકતા લોકો ભેગા થઇ જતા લુંટારૂએ લુંટનો પ્લાન પડતો મુકી નાસી છુટયો હતો. આ ઘટના બાદ વેપારીએ પોતાના ભાગીદાર ચેતનભાઇને જાણ કરતા તાત્કાલીક ઘટના સ્થળે દોડી જઇ ફરીયાદીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડયા હતા. જયાં વેપારીને હાથમાં ત્રીસ ટાંકા આવ્યા હતા.
ભરબજારે ધોળે દિવસે બનેલી આ ઘટના અંગે પોલીસે લુંટની કોશીકનો ગુનો નોંધી વિશેષ તપાસ પી.એસ.આઇ. સી.કે. ખરાડી ચલાવી રહ્યા છે.