મુખ્યમંત્રીને લોકાર્પણ માટે આમંત્રણ અપાશે, ખંઢેરી સ્ટેડિયમમાં 27મીએ યોજાનાર મેચમાં ટ્રાફિકનો પ્રશ્ર્ન ન સર્જાય તે માટે તંત્ર હરકતમાં
રાજકોટના પ્રવેશ દ્વાર સમી માધાપર ચોકડીએ બ્રિજની કામગીરી પૂર્ણ થવાના આરે છે. ખંઢેરી સ્ટેડિયમમાં ભારત-ઓસ્ટ્રેલિયા મેચ યોજાઈ તે પૂર્વે આ બ્રિજને ખુલ્લો મૂકી દેવાના તંત્ર દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
માધાપર ચોકડી ખાતે 60 કરોડ રૂપિયાના ખર્ચે ઓવર બ્રિજ મંજૂર કરવામાં આવ્યો હતો. જેને એપ્રિલ-2023 સુધીમાં તૈયાર કરી દેવાનું નક્કી કરવામાં આવ્યું હતુ. જ્યારે માધાપર ચોકડી ખાતેના ઓવર બ્રિજનું કામ આપવામાં આવ્યું, ત્યારે 15 મહિનામાં કામ પૂર્ણ કરવાની શરત મૂકવામાં આવી હતી. જો કે કામ ખૂબ જ ધીમુ ચાલ્યું હતુ, જેના કારણે ઘણો વિલંબ થયો છે. હાલ આ બ્રિજનું મોટાભાગનું કામકાજ લગભગ પૂર્ણ થઈ ચૂક્યું છે.
આગામી તારીખ 27 સપ્ટેમ્બરે જામનગર રોડનાં ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ક્રિકેટ મેચ રમાનાર છે. સૌરાષ્ટ્રભરના ક્રિકેટ રસીકોમાં આ મેચ નિહાળવા માટે જબરો ઉત્સાહ છે. આ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ નિહાળવા માટે હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડનાર હોય જામનગર રોડ પર ટ્રાફિકનો ઘસારો રહેશે. આ સંજોગોમાં ટ્રાફિકમાં રાહત માટે માધાપર ચોકડી ખાતેનો બ્રિજ તૈયાર થઈ ગયો હોય તેને તા.27ને સપ્ટેમ્બર પહેલા ખુલ્લો મૂકવાની માંગ ઉઠાવી સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.ના હોદ્દેદારો દ્વારા આ અંગે રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશીને રજૂઆત કરવામાં આવી હતી.બીસીસીઆઈ દ્વારા જાહેર કરેલા શિડ્યુલ મુજબ આગામી સપ્ટેમ્બર મહિના દરમિયાન ઓસ્ટ્રેલિયાની ટીમ ભારતના પ્રવાસે આવનાર છે અને તેમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 3 વનડે અને 5 ટી-20 મેચ રમાનાર છે, જે પૈકી વનડે શ્રેણીની ત્રીજી અને અંતિમ ફાઇનલ મેચ 27 સપ્ટેમ્બરના રોજ બપોરના 1.30 વાગ્યે રાજકોટના ખંઢેરી સ્ટેડિયમ ખાતે યોજાનાર છે. ત્યારે આ પૂર્વે માધાપર બ્રિજને ખુલ્લો મુકવા તંત્ર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. લોકાર્પણ તારીખ જેવું નક્કી થાય મુખ્યમંત્રીને પધારવા આમંત્રણ પણ પાઠવવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.
મુખ્યમંત્રી સોમવારે જામકંડોરણાના પ્રવાસે, રાજકોટ આવે તેવી પણ શકયતા
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આગામી સોમવારના રોજ જામકંડોરણાના પ્રવાસે આવવાના છે. અહીં તેઓ સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભામાં હાજરી આપવાના હોવાનું જાણવા મળી રહ્યું છે. બીજી તરફ મુખ્યમંત્રી રાજકોટની મુલાકાત લઈએ તેવી પણ શક્યતા સેવાય રહી છે. જેમાં તેઓ વિવિધ ગણેશ મહોત્સવમાં પણ આગેવાનોના આમંત્રણને માન આપીને પહોંચી શકે છે. તેવું સૂત્રો જણાવી રહ્યા છે.
રાજ્યપાલ રવિવારે ગોંડલમાં
ગુજરાતના રાજ્યપાલ દેવવ્રત આચાર્ય આગામી રવિવારના રોજ ગોંડલ ખાતે પધારવાના છે. અને તેઓ પ્રાકૃતિક ખેતી શિબિરમાં હાજરી આપી ત્યાં ઉપસ્થિત ખેડૂતોને સંબોધન પણ કરવાના છે. બીજી તરફ આ કાર્યક્રમમાં અમુક મંત્રીઓ અને પદાધિકારીઓની પણ વિશેષ ઉપસ્થિતિ રહેશે તેવું હાલ જાણવા મળી રહ્યું છે.