• કુરિયર સર્વિસના ડીલીવરીમેનની ઓળખ આપી મકાન બહાર બોલાવી ઇક્કો કારમાં ત્રણ શખ્સોએ અપહરણનો કર્યો પ્રયાસ
  • તરૂણનો વજન વધુ હોવાથી ઇક્કોમાં આવેલા ત્રણ અપહરણ કરવામાં રહ્યા નિષ્ફળ

શહેરના નિર્મલા રોડ પર આવેલી નાગરિક સહકારી બેન્ક સોસાયટીમાં ગઇકાલ રાતે તબીબ દંપત્તીના એકના એક પુત્રનું ઇક્કો કારમાં અપહરણનો પ્રયાસ થયાની ઘટના સામે આવતા સનસનાટી મચી ગઇ છે. પોલીસે મોબાઇલ નંબર અને સીસીટીવી ફુટેજની મદદથી અપહરણકારનું પગેરૂ દબાવ્યું છે. તબીબ પુત્રનું વજન વધુ હોવાથી કારમાં આવેલા ત્રણ શખ્સો અપહરણ કરવામાં નિષ્ફળ રહ્યાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. અપહરણની ઘટના પાછળ પ્રેમ પ્રકરણ કે કોઇ સાથે થયેલો ઝઘડો કારણભૂત હોવાની શંકા સાથે ગાંધીગ્રામ અને ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફે વિવિધ દિશામાં તપાસ હાથધરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ નિર્મલા રોડ પર આવેલી નાગરિક સહકારી બેન્ક સોસાયટી શેરી નંબર 1માં રહેતા રોહિત જીજ્ઞેશભાઇ ખંઘેડીયા નામના 16 વર્ષના લોહાણા તરૂણનું ગતરાતે સવા દસેક વાગે ઇક્કો કારમાં આવેલા ત્રણ અજાણ્યા શખ્સોએ નાગરિક સહકારી બેન્ક સોસાયટીમાં રોહિતના મકાન નજીક આવી મોબાઇલમાં વાત કરી પોતે બ્લુ ડાર્ટ કુરિયર સર્વિસમાંથી બોલુ છુ અને તમારૂ કુરિયર આવ્યું છે. પોતે તેના મકાન પાસે ઉભા હોવાનું જણાવ્યું હતું.

મોબાઇલમાં વાત કરી રોહિત કુરિયર લેવા માટે મકાનની નીચે ગયો ત્યારે તેના મકાન પાસે ઇક્કો કાર ઉભી હતી. તેમાંથી બે શખ્સો નીચે ઉતરી બળજબરીથી રોહિત ખંઘેડીયાને કારમાં બેસાડવા પ્રયાસ કર્યો હતો. અને એક શખ્સે કાર ચાલુ રાખી હતી. રોહિત ખંઘેડીયાનો વજન વધુ હોવાથી બંને શખ્સોથી રોહિત ખંઘેડીયા ઉચકી શકાયો ન હતો તે દરમિયાન રોહિતે બુમાબુમ કરતા આજુબાજુના રહીશો એકઠા થઇ જતા ત્રણેય શખ્સો ઇક્કો કાર લઇ ભાગી ગયા હતા.

રૈયા ગામ પાસે પ્રીમયર સ્કૂલમાં ધોરણ 11માં સાયન્સમાં અભ્યાસ કરતા રોહિત ખંઘેડીયાના અપહરણના થયેલા પ્રયાસ અંગે ગાંધીગ્રામ પોલીસમાં જાણ થતા પી.આઇ. હડીયા, ક્રાઇમ બ્રાન્ચ પી.આઇ. વાય.બી.જાડેજા, જે.વી.ધોળા, પી.એસ.આઇ. જે.જી.રાણા અને એએસઆઇ ખોડુભા જાડેજા સહિતના સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયા હતા. પોલીસે ઇક્કો કારના સીસીટીવી ફુટેજ મળી આવતા પગેરૂ દબાવ્યું છે. બીજી તરફ રોહિતના મોબાઇલમાં આવેલા નંબરના આધારે ટેકનિકલ સ્ટાફ દ્વારા પણ લોકેશન મેળવવામાં આવી રહ્યા છે.

અપહરણનો પ્રયાસ કરી ત્રણેય શખ્સો સફેદ ઇક્કો કાર લઇ નિર્મલા સ્કૂલ તરફ ભાગી ગયા હતા. ત્રણેય શખ્સો આશરે 25 થી 30 વર્ષના હોવાનું અને ગુજરાતી ભાષા બોલતા હોવાનું રોહિત ખંઘેડીયાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે.

રોહિત ખંઘેડીયાના પિતા જીજ્ઞેશભાઇને રૂખડીયા કોલોનીમાં ઓમ ક્લિનીક અને માતા હેમાબેન ખંઘેડીયાને ગાયકવાડીમાં ઓમ ક્લિનીક ધરાવે છે. તેઓને પોતાના પુત્રના અપહરણના થયેલા પ્રયાસની ઘટનાની જાણ થતા જીજ્ઞેશભાઇ ખંઘેડીયાએ પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરી હતી.

તબીબ દંપત્તીની મોટી પુત્રી આયુશી અમદાવાદ વી.એસ.હોસ્પિટલમાં મેડિકલના બીજા વર્ષમાં અ્ભ્યાસ કરે છે. રોહિત ખંધેડીયાના અપહરણનો પ્રયાસ શા માટે થયો અને કોણે કર્યો તે અંગે પોલીસ દ્વારા અંકોડા મેળવવા રોહિત ખંઘેડીયાને કોઇ યુવતી સાથે પ્રેમ સંબંધ છે કે કેમ અને લોહાણા પરિવારને કોઇ સાથે અદાવત ચાલે છે કે કેમ તે દિશામાં પુછપરછ કરી ભેદ ઉકેવા પોલીસે કવાયત હાથધરી છે.

તરૂણનો વજન વધુ હોવાથી અપહરણનો પ્રયાસ નિષ્ફળ રહ્યો

હનુમાન મઢી ચોકમાં આવેલી નાગરિક સહકારી બેન્ક સોસાયટીમાં રહેતા તબીબ દંપત્તીના પુત્ર રોહિતનું ત્રણ અજાણ્યા શખ્સો કોઇ કારણસર અપહરણનો પ્રયાસ કર્યો હતો પરંતુ રોહિત ખંઘેડીયાનો વજન વધુ હોવાથી તેને ઉચકી શકાયો ન હતો. બીજી તરફ રોહિતે બુમાબુમ કરતા અપહરણ કરવા આવેલા ત્રણેય શખ્સો પકડાઇ જવાના ડરથી ભાગી ગયા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.