એપાર્ટમેન્ટના મેન્ટેન્સનો ખર્ચ આપવાના પ્રશ્ર્ને ઝઘડો થયો તો
અબતક,રાજકોટ
જૂનાગઢના ઝાંઝરડા રોડ પર આવેલા રાધારમણ એપાર્ટમેન્ટના પ્રમુખે પાડોશી મહિલા પાસે એપાર્ટમેન્ટના મેન્ટેન્સનો ખર્ચ માગતા ઉશ્કેરાયેલી મહિલાએ પ્રમુખ મહિલા પર જવલનસીલ પ્રવાહી છાંટી દિવાસળી ચાંપી દેતા ગંભીર રીતે દાઝેલી મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાઇ છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ઝાંઝરડા રોડ પર આવેલા રાધારમણ એપાર્ટમેન્ટમાં રહેતા મહેમુદાબેન સુલેમાનભાઇ જીંદાલી નામની 46 વર્ષની મહિલા પર પાડોશમાં રહેતી નયનાબેન બળવંતભાઇ ગોંડલીયા નામની મહિલાએ જવલનસીલ પ્રવાહી છાંટી દિવાસળી ચાંપી દેતા તેણીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાઇ છે.
રાધારમણ એપાર્ટમેન્ટના ફલેટ ધારકો વચ્ચે થયેલી ચૂંટણીમાં ત્રણ વર્ષ પહેલાં મહેમુદાબેન જીંદાલી વિજેતા બન્યા હતા. તેઓ એપાર્ટમેન્ટમાં વહીવટ સંભાળતા હતા તેઓને નયનાબેન ગોંડલીયા સાથે મેન્ટેન્સના ખર્ચના પૈસાના મુદે ત્રણ વર્ષ પહેલાં ઝઘડો થયો હતો તે અંગે પોલીસમાં ફરિયાદ નોંધાઇ હોવાથી બંને વચ્ચે ઝઘડો ચાલતો હોવાથી મહેમુદાબેન જીંદાલીને જીવતા સળગાવવા પ્રયાસ કર્યાનું ફરિયાદમાં જણાવ્યું છે.
જૂનાગઢ બી ડિવિઝન પોલીસે મહેમુદાબેનની ફરિયાદ પરથી નયનાબેન ગોંડલીયા સામે ગુનો નોંધી પીએસઆઇ એન.વી.આંબલીયાએ તપાસ હાથધરી છે.