આજે નાગાસાકી ડે

6 ઓગસ્ટ અને 9 ઓગસ્ટ 1945, આ બે તારીખો ઈતિહાસના પાનામાં નોંધાયેલી છે, જેનું ચિત્ર આજે પણ એક કરુણાંતિકા સમાન છે. હિરોશિમા અને નાગાસાકી પર અમેરિકા દ્વારા અણુ બોમ્બથી થયેલ વિનાશની 78 વર્ષ જૂની જાપાનનાં આ ઘટના આજે પણ સમગ્ર માનવજાતને  વિચાર કરવાની ફરજ પાડે છે.  9 ઓગસ્ટ 1945ના રોજ અમેરિકાએ જાપાનના નાગાસાકી પર “ફેટમેન” નામનો અણુબોમ્બ ફેંક્યો હતો. તે સવારે કેટલાય હવાઈ હુમલાના એલાર્મ વાગી ચુક્યા હતા, પરંતુ શહેર આવા એલાર્મથી ટેવાઈ ગયું હતું, હકીકતમાં, અમેરિકા મહિનાઓથી જાપાનના શહેરો પર બોમ્બમારો કરી રહ્યું હતું, તેથી કોઈને શંકા નહોતી કે આ સવાર અલગ હશે.

વિશાળ બોમ્બર પ્લેનોએ એરપોર્ટ પરથી પ્રસ્થાન કર્યું હતું અને તે દિવસે સવારે 9.50 વાગ્યે તેમના લક્ષ્ય કોકુરા શહેર પર પહોંચી ગયા હતા, પરંતુ વાદળોને લિધે બોમ્બ ચોકસાઈ સાથે ફેંકી શકાય તેમ ન હોવાથી. બંને વિમાન હવે તેમના બીજા લક્ષ્ય નાગાસાકી માટે રવાના થયા. વાદળછાયા વાતાવરણને કારણે વિઝીબીલીટી ઓછી હતી, પરંતુ વાદળો વિખરાઈ જતાં અણુ બોમ્બ સવારે લગભગ 11 વાગ્યે  ફેંકવામાં આવ્યો.

વિસ્ફોટની એક મિનિટમાં હજારો લોકોએ જીવ ગુમાવ્યા. રેડિયો એક્ટિવ વિકિરણોના કારણે ઈજાગ્રસ્ત થતા અને મૃત્યુ પામનાર લોકોની સંખ્યા સતત વધી, જેમાં ઘણા લોકો દર્દનાક  રીતે લાંબો સમય પીડા ભોગવીને મૃત્યુને ભેટ્યા. આ બોમ્બ ધડાકાના થોડા જ વર્ષોમાં એક લાખથી વધુ લોકોના મોત થયા હતા. જ્યાં બોમ્બ પડ્યો હતો તેના 2.5 કિલોમીટરની અંદર મોટા ભાગની ઇમારતો સંપૂર્ણપણે નાશ પામી હતી. આ હુમલા પછી, જાપાનની સરકારે આત્મસમર્પણ કરી દીધું હતુ.

આ હુમલાઓમાં જાપાનની સમગ્ર વસ્તીને નિશાન બનાવવામાં આવી હતી. આ હુમલામાં મૃત્યુ પમનારાઓમાં સૈનિકો કરતાં બાળકો, વૃદ્ધો અને મહિલાઓની સંખ્યા વધુ  હતી.

આ ઘટનામાંથી શીખ લઇને વિશ્વે અણુશસ્ત્રોની ગંભીરતાને સમજી અને તેની ટેકનોલોજી બધા રાષ્ટ્રો પાસે ન પહોંચે અને ખુવારી રોકી શકાય તે માટે અણુશસ્રોના અપ્રસાર પરની સંધિ (એનપીટી) અસ્તિત્વમાં આવી. આ સંધિનો હેતુ વિશ્વમાં વિનાશક અણુશસ્રનો પ્રસારને મર્યાદિત કરવાનો હતો. ભારતે અણુશસ્ત્રો ઘટાડવાની જાહેરાત કરી છે અને અણુવિસ્ફોટોનું પરીક્ષણ પણ કર્યું છે.  જો કે અણુ શસ્ત્રોને પહેલો ઉપયોગ નહીં કરવાની નીતિ (નો ફર્સ્ટ યુઝ) ધરાવતા કેટલાંક રાષ્ટ્રોમાંનું એક રાષ્ટ્ર ભારત છે. તેણે વચન આપ્યું છે કે વિરોધી રાષ્ટ્ર અણુશસ્ત્રનો ઉપયોગ નહીં કરે ત્યાં સુધી તે આ પ્રકારના શસ્ત્રોનો ઉપયોગ કરવાની પહેલ નહીં કરે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.