અમરેલીના માથાભારે સિઝરે બોલાવી બઘડાટી; પાંચ સામે નોંધાતો હત્યાની કોશિશનો ગુનો
રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના અમરાપર ગામે ભગીરથ સ્ટોન ક્રશરના માલિક પર જૂની અદાવતમાં અમરેલીના નામચીન શખ્સ સહિત ટોળકીએ ફાયરીંગ કરી તલવાર વડે ખુની હુમલો કરી નાશી ગયા હતા. જયારે ઘવાયેલા યુવાનને જૂનાગઢ ખસેડવામાં આવ્યો છે.
પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જૂનાગઢના સુદામાનગરમાં રહેતો અને જેતપુરના અમરાપર ગામે ભગીરથ સ્ટોન ક્રશર ધરાવતા મારખીભાઈ નાથાભાઈ ભેડા નામના વેપારીએ અમરેલીના સેલાર આહિર સહિત ચાર શખ્સો કારમાં ધસી આવી હથિયારમાંથી ફાયરીંગ કરી તલવાર વડે હુમલો કર્યાની જેતપુર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં સેલાર આહિર ફાયનાન્સ કંપનીનું સીજીંગ કરતો હોવાનું તેમજ મારખીભાઈના ભરડીયામાં અન્ય લોકોના ચાલતા ટ્રકની લોનના હપ્તા ચડી જવાથી સેલાર આહિર ટ્રક ખેંચવા ગયેલ. ચાર માસ પૂર્વે બોલાચાલી કરી હતી તેમજ એક માસ પૂર્વે મારખીભાઈ ભેડાના ભાઈ સાથે જૂનાગઢ ખાતે પણ માથાકૂટ થઈ હતી.
સેલાર આહિર જામીન પર છૂટતા જ જૂની માથાકૂટનો હિસાબ પતાવવા કારમાં સાગ્રીતો સાથે જેતપુરના અમરાપર ગામે ધસી આવી ફાયરીંગ કરી તલવાર વડે હુમલો કર્યાનું ફરિયાદમાં જણાવ્યું હતું. પોલીસે સેલાર આહિર સહિતના શખ્સો સામે હત્યાની કોશિષનો ગુનો નોંધી ધરપકડ કરવા તાલુકા પોલીસ મથકના પીએસઆઈ પી.જે.બાંટવા સહિતના સ્ટાફે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.