સાબરમતી નદીમાં ગેરકાયદે ખનન કામને અટકાવવા જતા હિચકારો હુમલો
ઈડર તાલુકાના ગોલવાડા ગામની સીમમાં આવેલ સાબરમતી નદીમાં ગેરકાયદેસર રેતી ચોરીનું ખનન થતું હોવાની બાતમી ગામના નરેશભાઈ રાવળને થતા તેઓએ ગોલવાડા ગામના મહિલા સરપંચ નિર્મલાબેનને કરતા મહિલા સરપંચે તેમના પતિ ભરતજી અરખાજી ઠાકોરને બાતમી વાળી જગ્યાએ જવાનું કહેતા તેઓ ગામના ડે.સરપંચ પ્રધાનજી અને અન્ય ગામના લોકોને લઈને સાબરમતી નદીના પટ્ટમાં પહોંચ્યા હતા અને જેમાં એક હિટાચી મશીન અને ત્રણ આઈવા ટ્રકો મારફતે ગેરકાયદેસર રીતે રેતી ચોરી કરી રહ્યા હતા
જ્યારે સરપંચ પતિએ ગેરકાયદેસર રીતે ખનન કામ કરતા મહેસાણા જીલ્લાના ખેરાલુ તાલુકાના દેડાસન ગામના ચાર ઈસમોને અટકવાનું કહેતા અને લીજ માટેના જરૂરી સરકારી કાગળો માંગતા આ બાબતે ખનન ચોરો ઉશ્કેરાઈ ગયા હતા અને જેમાં આ કામના આરોપી નં.1 સુભાષભાઈ અંબાલાલ રાવળ નાઓએ બીભત્સ ગાળો બોલી રહ્યા હતા તે સમયે સરપંચ પતિએ તેમને ગાળો બોલવાની ના પાડતાં આરોપી નં.2 લાલભાઈ વિષ્ણુભાઈ રાવળ નાઓએ ઉશ્કેરાઈ જઈ લાકડાનું પાટિયું લઈ આવીને સરપંચ પતિને માથામાં કપાળના ભાગે માર્યું હતું અને ઈજા પહોંચાડી હતી
જેમાં અન્ય આરોપી નં.3 કાકુસિંહ પ્રભાતસિંહ પરમાર નાઓએ તેઓને ગડદાપાટુનો માર માર્યો હતો અને આરોપી નં.4 વિક્રમભાઈ મહેશભાઈ રાવળ નાઓએ ખરાબ ગાળો બોલી હતી અને કહેતા હતા કે આ નદી અમારા બાપની છે અમને યોગ્ય લાગશે તેમ અને ખનન કરીશું તેમ બડાપ મારતા હતા ત્યારે આ ઘટના બાદ ઈજાગ્રસ્ત સરપંચ પતિને 108 મારફતે સારવાર અર્થે ઈડર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને આ ચાર ઈસમો વિરૂદ્ધ સરપંચ પતિએ ઈડર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી અને આ મામલે પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.