ટંકારા: ટંકારામાં સવારથી શાંતિપૂર્વક ચાલી રહેલું મતદાન વચ્ચે કોંગ્રેસના જિલ્લા પંચાયતના ઉમેદવારના ભાઈ ઉપર બે શખ્સોએ હુમલો કરતા માથામાં ઇજા થતાં હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે અને ધારાસભ્ય સહિતના લોકો હોસ્પિટલે દોડી ગયા છે. ટંકારાના દેવીપૂજકવાસમાં કોંગ્રેસ પાર્ટીના જિલ્લા પંચાયતના ઉમેદવાર ભુપત ગોધાણીના ભાઈ ભરતભાઇ મોહનભાઇ ગોધાણીને મતદાન બાબતે બોલાચાલી થતા ઉશ્કેરાયેલા ૨ શખ્સોએ માથામાં માર મારીને ઇજા પહોંચાડતા હોસ્પિટલ ખસેડાયા છે. બનાવને પગલે ધારાસભ્ય લલિત કગથરા, ભુપત ગોધાણી સહિતના આગેવાનો ઘટના સ્થળ બાદ હોસ્પિટલે પહોંચ્યા છે. જ્યાં પોલીસ દ્વારા કોંગ્રેસી અગ્રણીઓને સમજાવી મામલો થાળે પાડવાની કોશિશ થઈ રહી છે. ઉક્ત ઘટના બાદ હોસ્પિટલે પોલીસ બંદોબસ્ત ચુસ્ત બનાવવામાં આવ્યો છે.ઇજાગ્રસ્ત ભરતભાઇએ હોસ્પિટલના બિછાનેથી જણાવ્યું હતું કે, બે શખ્સોએ દેવીપૂજકવાસમાં બોલાચાલી કરી માથાના ભાગમાં માર મારતા તેઓ ઘાયલ થયા છે. માર મારવામાં સામેલ બે પૈકી એક ઇભુભાઈનો ભત્રીજો હોવાનું ભરતભાઇએ વધુમાં ઉમેર્યું હતું.
ઘટનાને વખોડી કાઢતા સાંસદ કુંડારીયા; દોષિતો સામે ત્વરિત કાર્યવાહી કરવા એસપીને જાણ કરાઈ
મોરબી જિલ્લામાં આજે સવારે સાત વાગ્યાથી શરૂ થયેલા શાંતિપૂર્ણ મતદાનના વાતાવરણને ડહોળતી એક ઘટના ટંકારાના દેવીપુજકવાસમાં સામે આવી હતી. જેમાં કોંગ્રેસના જિલ્લા પંચાયત બેઠકના ઉમેદવારના નાના ભાઈને કોઈ સાથે બોલાચાલી થયા બાદ માથામાં ઈજા થતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.આ ઘટનાના પ્રત્યાઘાત રૂપે કોંગ્રેસના ધારાસભ્ય તેમજ ઇજાગ્રસ્ત યુવકના મોટાભાઈ તેમજ કોંગ્રેસના કાર્યકરો હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા. જોકે વાયુવેગે આ ઘટનાની જાણ સમગ્ર રાજકીય આલમમાં થતાં જ સાંસદ મોહનભાઇ કુંડારિયાએ પણ ત્વરિત પ્રતિક્રિયા આપી હતી. એક ઓડિયો ક્લિપ રિલીઝ કરીને સાંસદ મોહનભાઇ કુંડારિયાએ જણાવ્યું હતું કે, ઉપરોક્ત ઘટના વખોડવા લાયક છે અને લોકશાહીના મહાપર્વમાં આવી ઘટનાને ગુજરાતમાં કોઈ કાળે ચલાવી ન લેવાય.આ ઘટના પાછળ જવાબદાર જે કોઇપણ વ્યક્તિઓ હોય તેમને કાનૂની રાહે સજા આપવા માટે સાંસદ મોહનભાઇ કુંડારિયાએ મોરબી ડીએસપીને ટેલિફોનિક સૂચના આપી હતી અને અત્યાર સુધી જે પ્રકારે શાંતિપૂર્વક મતદાન થઈ રહ્યું છે એ જ પ્રકારે લોકશાહીનું મહાપર્વ ઊજવવાની અને લોકશાહીને વધુ મજબૂત કરવા માટેનો મોહનભાઇ કુંડારીયાએ ઓડિયો ક્લિપમાં સંદેશ આપ્યો હતો.