પરાજીત ઉમેદવારના સમર્થક પર સળગતા ફટાકડા ફેકતા મામલો બીચકયો: પોલીસમાં 30 શખ્સો સામે ત્રણ ગુના નોંધ્યા: સરપંચના પુત્ર સહિત પાંચ ઘવાયા
અબતક,રાજકોટ
પોરબંદર નજીક આવેલા મીયાણી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વિજેતા અને પરાજીત ઉમેદવારના સમર્થકો વચ્ચે બઘડાટી બોલી હતી. વિજેતા ઉમેદવારના પુત્ર સહિત પાંચ ઘવાયા હતા. વિજય સરઘસ દરમિયાન પરાજીત ઉમેદવારના સમર્થક પર સળગતા ફટાકડા ફેંકી ચીચીયારી કરતા વિજેતા ઉમેદવારના સમર્થકો પર હુમલો થતા નાસભાગ મચી ગઇ છે. સરપંચ સામે મંજુરી વિના વિજય સરઘસ કાઢયાનો તેમજ બંને ઉમેદવારના સમર્થકો મળી 30 સામે ગુના નોંધાયા છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મીયાણી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં જેઠાભાઇ ગીગાભાઇ ઓડેદરા, ભરતભા દાદુભા માણેક અને જીવતીબેન સુકાભાઇ મોઢવાડીયા સરપંચ માટે ઉમેદવારી નોંધાવી હતી. જેમાં જેઠાભાઇ ઓડેદરા 139 મતે વિજેતા બનતા ગઇકાલે સાંજે વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું.
જેઠાભાઇ ઓડેદરાના સમર્થનમાં ડી.જે.સાથે નીકળેલું વિજય સરઘસ ખારવાડના નાકે પહોચ્યું ત્યારે સરપંચના પુત્ર કેતન જેઠાભાઇના કહેવાથી ઉદય પોપટ, જયેશ આવડાભાઇ, પોપટ ગીગા મેર અને રાજુ ગીગા મેર સહિતના શખ્સોએ પરાજીત ઉમેદવાર ભરતભા દાદુભા માણેકના ટેકેદારો પર સળગતા ફટાકડા ફેંકતા મંગુબેનની સાડી સળગી હતી.
મંગુબેન મ્યાજરભાઇ ચામડીયાની સાડી સળગતા ભરતભા દાદુભા માણેકના ટેકેદારો ઉશ્કેરાયા હતા. તેઓએ લાકડીથી હુમલો કરતા જયેશ આવડાભાઇ, વિજય લીલાભાઇ અને રાજુ ગીગાભાઇ ઘવાયા હતા.
પોલીસે જયેશ આવડાભાઇ ઓડેદરાની ફરિયાદ પરથી મીયાણી ગામના ભીમાભાઇ ભોજાભાઇ, પરબતભાઇ બાવાભાઇ, પતરામલ જાદવ, અજય મહેન્દ્રભાઇ, સિધ્ધરાજ જડીયા, વજુ નાગજીભાઇ જડીયાની પત્ની, અર્જુન ભોજાભા માણેક, મહેન્દ્ર નાગજીભાઇની પત્ની, રઘુ જાદવ, ભાવેશ રાજાનો જમાઇ, દેવશી હમીરભાઇ, મુન્ના કારાભાઇ કોળી, જશરાજ જાદવ,રાહુલ રઘુભાઇ, વનરાજ વજુભાઇ, અર્જુન બઠીયા, હિરેન સીદુ, રાહુલ રામજીભાઇ, રાકેશ રામજીભાઇ, ગગુભા વરજાંગભાઇનો પુત્ર અને અજુભાના પુત્ર સામે માર માર્યા અંગેની ગુનો નોંધ્યો છે.
મંગુબેન મ્યાજભાઇ ચમડીયાની ફરિયાદ પરથી કેતન જેઠા, ઉદય પોપટ સહિત સાત શખ્સો સામે ગુનો નોંધાયો ચે. જ્યારે વિજેતા સરપંચ જેઠાભાઇ ગીગાભાઇ ઓડેદરા સામે જરૂરી મંજુરી વિના વિજય સરઘસ કાઢતા તેની સામે ગુનો નોંધાયો છે.