હત્યાની કોશિષના આરોપીને સોમલપરથી પકડવા ગયેલી પોલીસ સ્ટાફ પર પથ્થરમારો અને ધારિયાથી હુમલો પત્નિને મકરસક્રાંત માટે પિયર ન જવા દેતા દેવીપૂજક પરિવારની બબાલમાં પોલીસ ભોગ બની
મકરસક્રાંત નિમિતે પત્નીને પિયર ન લઇ જવાના પ્રશ્ર્ને મોટા દડવા ગામે દેવીપૂજક પરિવાર વચ્ચે થયેલા ખૂની હુમલાના આરોપીઓને ઝડપવા આટકોટ પોલીસ સોમલપર પહોચી ત્યારે ૩૦ થી ૩૫ જેટલા શખ્સોએ પોલીસને ઘેરાવ કરી છુટા પથ્થર અને ધારિયાથી હુમલો કરતા પીએસઆઇ અને ડ્રાઇવર ઘવાતા પોલીસે સ્વબચાવમાં કરેલા ફાયરિંગમાં એક દેવીપૂજક ઘવાતા ત્રણેયને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે. પોલીસ પર હુમલો થયાની ઘટનાની જાણ થતા જિલ્લા પોલીસ વડા અંતરિપ સૂદે મોટા દડવા અને સોમલપર ગામમાં પોલીસના ધાડેધાડ ઉતારી દીધા હતા. બંને ગામમાં પોલીસનો બંદોબસ્ત ગોઠવી ભાગી છુટયેલા શખ્સોની શોધખોળ હાથધરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મોટા દડવા ગામે રહેતા નટુભાઇ વેરસીભાઇ ચારોલીયા નામનો યુવાન પોતાની પત્ની શાંતાને લીધા વિના સસરે ગયા હતા ત્યારે તેના સાળા પબુ વશરામ, સરણ વશરામ, બાબી વશરામ અને રાયધન વશરામ તેમજ મઇલો વશરામ નામના શખ્સોએ નટુ ચારોલીયા પર ધારિયાથી હુમલો કર્યો હતો.
નટુ વેરશીને બચાવવા તેના ભાઇ રોહિત વેરશી અને સંજય જતાં તેના પર પણ પાંચેય શખ્સોએ ધારિયાથી હુમલો કરી મોટા દડવાથી સોમલપર ગામે ભાગી ગયા હતા. ઘવાયેલા ત્રણેયને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.
ખૂનની કોશિષનો ગુનો નોંધી આટકોટ પી.એસ.આઇ. વાય.બી.રાણા પોલીસ સ્ટાફ સાથે મોટાદડવાથી સોમલપર ગામે પહોચ્યા હતા અને ત્યાંથી પલ્લુ અને મઇલાની ધરપકડ કરી પોલીસવાનમાં બેસાડયા ત્યારે વિજય ગની જખાણી નામનો શખ્સ ૩૦ થી ૩૫ જેટલા શખ્સો સાથે હાથમાં ઘારિયા લઇ ઘસી આવ્યો હતો અને પોલીસની જીપ પર ધારિયા મારી પલ્લુ અને મઇલાને છોડાવવા પ્રયાસ કર્યો હતો.
પોલીસ જીપ પર વિજય ગની ધારિયા મારતો હોવાથી ડ્રાઇવર ગોવિંદભાઇ પોલીસ જીપમાંથી નીચે ઉતરી વિજય ગનીને દુર કરવા પ્રયાસ કર્યો ત્યારે તેના પગમાં ધારિયું ઝીંકી દેતા પી.એસ.આઇ. વાય.બી.રાણા સહિતનો સ્ટાફ જીપમાંથી ઉતરી વિજય ગનીને પકડવા પ્રયાસ તેને પી.એસ.આઇ. રાણાના માથામાં ધારિયું મારવા ઘા કરતા તેઓએ પોતાનો ડાબો હાથ આડો રાખી દેતા હાથમાં ધારિયું લાગ્યું હતું. વિજય ગની વધુ હુમલો કરે તે પહેલાં પી.એસ.આઇ. રાણાએ પોતાની સર્વિસ રિલોલ્વર કાઢી પોઝીશન લઇ વોરનીંગ આપી હતી તેમ છતાં ટોળાએ પથ્થરમારો ચાલુ રાખ્યો હતો અને વિજય ગની વધુ ઝનુની બની પોલીસ સ્ટાફ પર ધારિયાથી મારવા દોડયો હોવાથી એક રાઉન્ડ હવામાં ફાયરિંગ કર્યા બાદ બીજો રાઉન્ડ ફાયરિંગ કરતા વિજય ગનીના ડાબા પગમાં ગોળી લાગી હતી.
પોલીસ દ્વારા ફાયરિંગ થતા ટોળું વિખેરાયું હતું અને ઘવાયેલા વિજય ગનીને સાથે લઇ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. ડ્રાઇવર ગોવિંદભાઇ પોલાભાઇ ધાધલ અને પી.એસ.આઇ. યશપાલસિંહ રાણા ઘવાતા બંનેએ સારવાર લીધી હતી.
પોલીસ પર હુમલો થયાની ઘટનાના પગલે જિલ્લા પોલીસ વડા અંતરિપ સૂદે એલ.સી.બી. અને એસ.ઓ.જી. સ્ટાફને મોટા દડવા અને સોમલપર ગામે મોકલી હુમલો કરી ભાગી છુટેલા શખ્સોને તાકીદે ઝડપી લેવા તાકીદ કરી છે. જસદણ પી.આઇ. રામાનુજ અને રાઇટર મથુરભાઇ વાસાણીએ દેવીપૂજક શખ્સોના ટોળા સામે ગુનો નોંધી તપાસ હાથધરી છે.