અબતક,રાજકોટ
વિછીંયા તાલુકાના મોઢુકા ગામે સેઢા પાડોશી પરિવાર વચ્ચે વીજ કનેકનશન મેળવવા બાબતે ચાલતા ઝઘડાના કારણે પીજીવીસીએલના કર્મચારીઓ પોલીસ બંદોબસ્ત સાથે વીજ લાઇન ઉભી કરવા ગયા ત્યારે બે મહિલા સહિત પાંચ શખ્સોએ કુહાડીથી હુમલો કરતા બે પોલીસમેન અને પીજીવીસીએલના કર્મચારી ઘવાયાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.
પોલીસ બંદોબસ્ત સાથે વીજ કનેકશન માટે લાઇન ઉભી કરવા જતા થયો ડખ્ખો: બે મહિલા સહિત પાંચ શખ્સો કુહાડીના ઘા ઝીંકયા
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ વિછીંયા ખાતેની પીજીવીસીએલના જૂનિયર એન્જિનીયર કુંદનબેન રમેશભાઇ બુવલે હાથસણી ગામના છના ભીમા ધોરીયા, પ્રકાશ રણછોડ ધોરીયા, મહેશ રણછોડ ધોરીયા, ગવુબેન છના ધોરીયા અને પુનીબેન હસુભાઇ ધોરીયા સામે માર મારી ફરજમાં રૂકાવટ કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
મઢુકા ગામના શિવુબેન જીણાભાઇ ધોરીયાએ પોતાના ખેતરમાં વીજ કનેકશન માટે માગણી કરતા છના ધોરીયા સહિતના શખ્સોએ વાંધા અરજી કરી હતી. વાંધા અરજીમાં જસદણ પ્રાંત કચેરી દ્વારા હુકમ થતા પીજીવીસીએલના જૂનિયર એન્જિયર કુંદનબેન, ઇલેકટ્રીકલ આસિસ્ટન પ્રદિપભાઇ, લાઇન ઇન્સ્પેકટર તાવજીભાઇ, કોન્ટ્રાકટર પ્રતાપભાઇ અને મજુરો પોલીસ બંદોબસ્ત મેળવી વીજ લાઇન ઉભી કરવા માટે પોલીસમાં માગણી કરતા વિછીંયા પોલીસ મથકના કોન્સ્ટેબલ પ્રવિણભાઇ અને સુરેસભાઇ પીજીવીસીએલના સ્ટાફ સાથે બંદોબસ્તમાં સાથે ગયા ત્યારે બે મહિલા સહિત પાંચેય શખ્સોએ કુહાડી, ધારિયું અને છરીથી હુમલો કરી પોલીસ સ્ટાફ સાથે બોલાચાલી કરી ફરજમાં રૂકાવટ કર્યાનું ફરિયાદમાં જણાવ્યું છે. પી.એસ.આઇ. આર.કે.ચાવડા સહિતના સ્ટાફે પાંચે સામે ગુનો નોંધી તપાસ હાથધરી છે.