રાપરના મોવાણાની ઘટના : વીજ ચોરીમાં પકડાયા બાદ સરપંચ સહિતનાએ સ્ટાફ ઉપર હુમલો કરતા પોલીસ કાર્યવાહી
અબતક, રાજકોટ : પીજીવીસીએલના સ્ટાફ ઉપર અમુક લોકોનો હુમલો કરવો આખા ગામને ભારે પડ્યો છે. રાપરના મોવાણા ગામે વીજચોરીમાં પકડાયા બાદ સરપંચ સહિતનાએ વીજ સ્ટાફ ઉપર હુમલો કર્યો હતો. જેને લઈને સ્ટાફે પોલીસ કાર્યવાહીની સાથે ગામનો વીજ પુરવઠો જ બંધ કરી નાખ્યો હોવાનું જાણવા મળ્યું છે.
મળતી વિગતો મુજબ આજરોજ પીજીવીસીએલ વિભાગીય કચેરી ભચાઉ હેઠળનાં બે નાયબ ઇજનેર તથા બે જુનીયર ઇજનેર એમ કુલ ચારની ટીમ દ્વારા રાપર તાલુકાનાં મોવાણા ગામમાં વિજ ચેકિંગ હાથ ધરતા બે વિજ જોડાણોમાં ચોવીસ કલાકનાં પાવર વાળા જ્યોતિગ્રામ ફિડરમાંથી ખેતીવાડી ફિડરમાં લાઇન જોડીને વિજ ચોરી કરતા માલુમ પડેલ તથા વધુ વિજ ચેકિંગની કામગીરી હાથ ધરતા પ્રાઇવેટ ટ્રાન્સફોર્મર મુકીને વિજચોરી કરતાં 3 ખેડુતો ઝડપાયેલ હતા.
જે અનુસંધાને કાર્યવાહી કરતાં મોવાણા ગામનાં સરપંચ ગજુભા માલુભા વાઘેલા, ગણપતસિંહ કીરિટસિંહ વાઘેલા તથા કિશોરસિંહ મહિપતસિંહ વાઘેલા દ્વારા જુનિયર ઇજનેર એચ.આર. ઠક્કર તથા નાયબ ઇજનેર એન.સી. પરમારને ધોલ-ધપાટ કરી માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપેલ. જે અનુસંધાને વિજચેકિંગ કાર્યવાહીમાં ફરજ રૂકાવટ કરવાની તથા ચેકિંગ અધિકારી ઉપર હુમલાં અન્વયે બાલાસર પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરીયાદ નોધાવવામાં આવેલ છે. આ સાથે વિજચેકિંગમાં રૂકાવટ કરવા બદલ મોવાણા ગામનો વિજપુરવઠો બંધ કરવામાં આવેલ છે.