ડ્રગ પેડલર્સ સહિત ૬૦ જેટલા શખ્સોનું ટોળું એકઠું થઈ ગયું અને પથ્થર-લાકડીઓથી એનસીબીની ટીમ પર હુમલો કર્યો
બોલિવૂડમાં ડ્રગ્સ કનેક્શનની તપાસને લીડ કરી રહેલા નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડે અને એમની પાંચ સભ્યોની ટીમ પર ડ્રગ પેડલર્સની ટોળકીએ હુમલો કર્યો છે. આ હુમલામાં એનસીબી બે સભ્યોને ઇજા પહોંચી છે.
એનસીબી તરફથી મળતી માહિતી પ્રમાણે સમીર વાનખેડેની આગેવાની હેઠળ એનસીબી ટીમ મુંબઈના ગોરેગાંવના જવાહર નગર વિસ્તારમાં દરોડાની કાર્યવાહી કરવા ગયેલી. તે દરમિયાન ડ્રગ પેડલર્સ અને તેની સાથે ૬૦ જેટલા લોકોનું ટોળું એકઠું થઈ ગયું અને પથ્થર-લાકડીઓથી એનસીબીની ટીમ પર હુમલો કરી દીધો. આ હુમલામાં એનસીબીના બે અધિકારી વિશ્વવિજય સિંહ અને શિવા રેડ્ડીને ઇજા પહોંચી હતી. જોકે બંને અધિકારી અત્યારે સુરક્ષિત છે.
આ હુમલાના કેન્દ્રમાં ડ્રગ પેડલર કેરી મેન્ડિસ અને તેના મળતીયા ગુંડાઓ વિપુલ આગરે, યુસુફ શેખ, અમીન અબ્દુલની મુંબઈ પોલીસે ધરપકડ કરી છે. તેમની પાસેથી મોટા પ્રમાણમાં એલએસડી ડ્રગ પણ મળી આવ્યું હતું. અત્યારે જોકે સ્થિતિ નિયંત્રણમાં છે.
ઉલ્લેખનીય છે કે એનસીબીએ કોમેડિયન ભારતી સિંહના ઘરે દરોડા પાડ્યા બાદ શનિવારે તેની ધરપકડ કરી હતી. ત્યારબાદ મોડી રાત્રે ભારતીના પતિ હર્ષ લિંબાચિયાની પણ ધરપકડ કરાઈ અને બંનેને ૧૪ દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યાં છે. તેમની જામીન અંગે સોમવારે સુનાવણી ચાલુ છે.