તલવાર અને છરી લઈ પાંચ શખસો તુટી પડ્યા
જામનગરમાં ગ્રેઈન માર્કેટ પાસે સટ્ટાબજારમાં ગઈકાલે એક દુકાનદાર પર પાંચ શખ્સોએ છરી, તલવાર વડે હુમલો કરી દુકાન ખાલી કરી નાખવાની ધમકી આપી હતી જ્યારે રોડ વચ્ચેથી બાઈક હટાવી લેવાનું કહેતા મોડીરાત્રે એક યુવાનને બે શખ્સે છરી તથા ધોકા વડે માર માર્યો હતો.
જામનગરના સેન્ટ્રલ બેંક વિસ્તાર પાસે આવેલા લુહાર સારમાં રહેતા ફીરોઝભાઈ કાદરભાઈ બાજરીયા નામના મેમણ આસામી ગ્રેઈન માર્કેટ નજીક આવેલી સટ્ટા બજારમાં એમ.ડી. બાજરીયા નામની દુકાન ભાડે રાખી તેમાં વ્યવસાય કરે છે. ગઈકાલે સવારે ફીરોઝભાઈ પોતાની દુકાને હાજર હતાં ત્યારે ત્યાં ધસી આવેલા મકબુલ તમાચી, મકસુદ તમાચી, મકબુલનો ભાઈ, સીદી બાદશાહ તથા મકબુલની ગાડીના ડ્રાયવરે દુકાન ખાલી કરી નાખજે તેમ કહી ઢીકાપાટુ વડે માર માર્યો હતો.
તે પછી ડ્રાયવર તથા સીદી બાદશાહે તલવાર અને છરી વડે હુમલો કરી ફીરોઝભાઈને ઈજા પહોંચાડી હતી. આ શખ્સોએ કહ્યા મુજબ મકબુલ તમાચીએ આ દુકાન ખરીદી લીધી છે તેથી ખાલી કરી નાખજે તેમ કહી હુમલો કર્યો હતો. પોલીસે આઈપીસી ૩૨૩, ૩૨૪, ૫૦૪, ૧૧૪, જીપી એક્ટની કલમ ૧૩૫ (૧) હેઠળ ગુન્હો નોંધ્યો છે.
જામનગરના ઘાંચી વાડ વિસ્તારમાં રહેતા રાહીલ રફીકભાઈ પરમાર ગઈકાલે રાત્રે પોતાના મોટરસાયકલ લઈને ઘર તરફ જતા હતાં ત્યારે રોડ પર એક અન્ય બાઈક આડુ પડ્યું હોય રાહીલે તેને દૂર લેવાનું કહેતા ટીટોડી વાડીવાળા ઈરફાન સુમરા ઉર્ફે બાબલા તથા એક અજાણ્યા શખ્સે છરી, ધોકા વડે હુમલો કરી રાહીલને ઈજા પહોંચાડ્યાની સિટી એ ડિવિઝનમાં ફરિયાદ કરવામાં આવી છે.