રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કામ કરતી પરિણીતાનો નંબર મેળવી મેસેજ કરતા હોવાનો આક્ષેપ
રાજકોટમાં ગુનાખોરીના બનાવોમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. જેમાં ગઇ કાલે પરિણીતાને મેસેજ કરવા મામલે પતિ કહેવાતા પત્રકારને સમજાવવા જતા પતિ પર હુમલો કર્યાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. જેમાં સિવિલ હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ બેઝ પર કામ કરતા મહિલા કર્મચારીના નંબર મેળવી કહેવાતા પત્રકારે મેસેજ કર્યા હતા. જેના કારણે પતિ તેના ઘરે પહોંચી પત્રકારની પત્નીને ફરિયાદ કરવા જતાં પત્રકારે હુમલો કર્યાનું જાણવા મળ્યું છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ આજી વસાહતમાં આંબેડકર નગરમાં રહેતા અને સિવિલ હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ બેઝ પર નોકરી કરતા દંપતી સંજયભાઈ પ્રવીણભાઈ પરમાર (ઉ.વ.૩૯) પર માર્કેટિંગ યાર્ડ પાસે આવેલી શ્રીરામ સોસાયટીમાં રહેતા સંજય પોપટ નામના શખ્સે હુમલો કર્યાનું જાણવા મળ્યું છે. સંજયભાઈ પરમારને ઇજા થતાં તેઓને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
આ અંગે સંજયભાઈ પરમારના જણાવ્યા મુજબ પોતે અને તેની પત્ની સિવિલ હોસ્પિટલમાં નોકરી કરે છે. ત્યારે થોડા દિવસ પહેલા ત્યાં અડ્ડો જમાવીને બેસી રહેતા અને પત્રકાર તરીકેની ઓળખ આપતાં સંજય પોપટ નામના શખ્સે મહિલાનો નંબર લીધો હતો. ત્યાર બાદ સંજય પોપટ મહિલાને મેસેજ કરી પજવણી કરતો હતો. જેથી પરિણીતાએ આ વાત પોતાના પતિને કહેતા સંજયભાઈ પરમાર સમજાવવા માટે સંજય પોપટના પત્ની પલ્લવીબેનને મળવા ગયા હતા.
પરંતુ તે દરમિયાન સંજય પોપટ ત્યાં આવી જતા તેને યુવાન પર હુમલો કરી ગડાચિપી આપી મોઢે દાટો મારી દિધો હતો. જેથી હુમલામાં ઘવાયેલા સંજયભાઈ પરમારને ગભરામણ થતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ બાબતે સિવિલ પોલીસચોકી ના સ્ટાફે બી ડિવિઝન પોલીસ મથકે જાણ કરતાં બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો અને સંજયભાઈ પરમારના નિવેદન પરથી ફરિયાદ નોંધવાની તજવીજ હાથધરી છે.