- ધર્મના નામે વૈમનસ્ય ફેલાવવાનો સિલસિલો યથાવત
- કરાચીના કોરંગી વિસ્તારની ઘટના, મંદિરમાં કામ કરતા લોકોને પણ ત્યાંથી ચાલ્યા જવાની ધમકી આપી
ધર્મના નામે વૈમનસ્ય ફેલાવવાનો સિલસિલો યથાવત રહ્યો છે. પાકિસ્તાનમાં ફરી એક વખત હિન્દુ મંદિરને નિશાન બનાવાયું છે. પડોશી દેશના કરાચી શહેરમાં એક હિન્દુ મંદિરમાં દેવી-દેવતાઓની મૂર્તિઓની તોડફોડ કરાઈ છે. પાકિસ્તાનમાં લઘુમતિઓના પૂજાના સ્થળો વિરુદ્ધ બર્બરતાની ઘટના સતત વધી રહી છે. કરાચીના કોરંગી વિસ્તારમાં શ્રી મારી માતા મંદિરમાં બુધવારે દેવી-દેવતાઓની મૂર્તિઓ પર હૂમલો કરાયો હતો.
આ ઘટનાથી કરાચીમાં રહેતા હિન્દુ સમાજમાં ભય ફેલાયો છે. જોકે, કોરંગી વિસ્તારમાં કોઈપણ અપ્રિય ઘટનાથી બચવા માટે મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ ગોઠવી દેવાઈ છે. આ ઘટનાની માહિતી મળતા જ પોલીસે સ્થળ પર પહોંચીને મંદિરનું નિરીક્ષણ કર્યું હતું. આ વિસ્તારના હિન્દુ રહેવાસી સંજિવે જણાવ્યું કે મોટરસાઈકલ પર સવાર છથી આઠ લોકોએ મંદિર પર હુમલો કર્યો હતો. આ લોકોએ મંદિર પર શા માટે હુમલો કર્યો તે જાણી શકાયું નથી. પોલીસે આ ઘટનામાં અજાણ્યા લોકો સામે કેસ નોંધ્યો છે. કોરંગી એસએચઓ ફારુક સંજરાનીએ પુષ્ટી કરી હતી કે પાંચથી છ અજ્ઞાાત લોકોએ મંદિરમાં ઘૂસીને તોડફોડ કરી હતી અને પછી ત્યાંથી ભાગી ગયા હતા. તેમની શોધખોળ ચાલુ છે. મંદિરમાં તોડફોડનું કારણ જાણવા માટે પણ તપાસ ચાલી રહી છે. કોરંગી પોલીસ સ્ટેશનમાં દાખલ એફઆઈઆર મુજબ બુધવારે મોડી રાતે પાંચ માણસ મોટરસાઈકલ પર આવ્યા હતા અને તેમણે કેરટેકર અંગે પૂછપરછ કરી હતી. કેરટેકર હાજર ન હોવાનું જણાતા શકમંદોએ દેવી-દેવતાઓની મૂર્તિઓની તોડફોડ કરી હતી અને પથ્થરમારો શરૃ કર્યો હતો. અસામાજિક તત્વોએ મંદિરમાં કામ કરતા મજૂરોને ઘટના સ્થળેથી ભાગી જવા ધમકી આપી હતી.
જોકે, પાકિસ્તાનમાં લઘુમતી હિન્દુઓના મંદિર અનેક વખત ભીડની હિંસાનો ભોગ બનતા રહે છે. ગયા વર્ષે ઓક્ટોબરમાં પણ કોટરીમાં સિંધુ નદીના તટ પર સ્થિત એક ઐતિહાસિક મંદિર અજ્ઞાાત લોકો દ્વારા કથિત રીતે અપવિત્ર કરાયું હતું. ઘટનાના સામાચાર સોશિયલ મીડિયા પર વાઈરલ થયા પછી તુરંત પછી પોલીસે કાર્યવાહી શરૃ કરી હતી. આ સિવાય ગયા વર્ષે ઑગસ્ટમાં પણ ભોગ શહેરમાં કથિતરૃપે ડઝનબંધ લોકોએ એક હિન્દુ મંદિરમાં તોડફોડ કરી હતી. એક સ્થાનિક મદરસામાં કથિત રીતે પેશાબ કરનારા આઠ વર્ષીય હિન્દુ છોકરાને સ્થાનિક અદાલતે જામીન આપવાના વિરોધમાં આ તોડફોડ કરાઈ હોવાનું કહેવાય છે.
ઔવેસી સહિતના 31 લોકો સામે ભડકાઉ ભાષણ કે પોસ્ટ મુકવા બદલ નોંધાયો ગુનો
દિલ્હી પોલીસે ગુરુવારે લગભગ 31 લોકો સામે કથિત રીતે નફરતના સંદેશાઓ ફેલાવવા, જુદા જુદા જૂથોને ઉશ્કેરવા અને શાંતિ અને વ્યવસ્થાને નુકસાન પહોંચાડે તેવી સ્થિતિ ઊભી કરવા બદલ કેસ નોંધ્યો છે. દિલ્હી પોલીસનું કહેવું છે કે નૂપુરના વિવાદાસ્પદ નિવેદન બાદ સોશિયલ મીડિયાનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. જેમાં ભડકાઉ ભાષણ કે પોસ્ટ મુકનાર 31 લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે. જેમાં સદાબ ચૌહાણ, સબા નકવી, હફિઝુલ હસન અંસારી, બિહારી લાલ યાદવ, ઇલ્યાસ સરફુદીન, મૌલાના મુફ્તી નદીમ, અબ્દુર રહેમાન, આર વિક્રમણ, નગમા શેખ, ડો.મોહમ્મદ કરીમ તુર્ક, અતીતુર રહેમાન ખાન, શુજા અહેમદ, વિનીતા શર્મા, ઇમ્તિયાઝ અહેમદ, અસદુદ્દીન ઓવૈસી, કુમાર દિવશંકર, દાનિશ કુરેશી, યતિ નરસિમ્હાનંદ, સ્વામી જીતેન્દ્રનંદ, લક્ષ્મણ દાસ, અનિલ કુમાર મીના, કાશિફ, મોહમ્મદ શાજીદ શાહીન, કુ સેન્સિ, ગુલઝાર અંસારી, સૈફ એડ દિન કુતુઝ, મૌલાના સરફરાઝ, પૂજા શકુન પાંડે, મીનાક્ષી ચૌધરી, મસૂદ ફયાઝ હાશ્મીનો સમાવેશ થાય છે.