અલગ-અલગ ૨ ફરિયાદો નોંધી આરોપીઓને દબોચી લેવા પોલીસના ચક્રો ગતિમાન
અબતક, ગાંધીધામ
ગુજરાતથી એક એવો મામલો સામે આવ્યો છે જ્યાં મંદિરમાં દર્શન કરવાને લઈને એક દલિત પરિવાર પર હુમલો કરવામાં આવ્યો છે. દલિત પરિવાર કચ્છના ગાંધીધામ પાસેના એક મંદિરના દર્શને ગયા હતા તે સમયે ટોળા દ્વારા દર્શન કરવા મામલે હુમલો કરવામાં આવ્યો હતો. જે મામલે હાલ ૨ અલગ અલગ ફરિયાદો નોંધી આરોપીઓને શોધવા પોલીસની ૮ ટીમોને દોડાવાઈ છે.
કચ્છ જિલ્લાના ગાંધીધામના એક ગામમાં લગભગ ૨૦ જેટલા લોકોએ એક દલિત પરિવારના કુલ ૬ સભ્યો પર કથીર હુમલો કરી દીધો. શુક્રવારે પોલીસે આ મામલે જાણકારી આપી છે. પોલીસ ઉપાધીક્ષક કિશોરસિંહ ઝાલાએ જણાવ્યું કે આ કથિત ઘટના ૨૬ ઓક્ટોબરના રોજ ભચાઉ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા નેર ગામની છે. પરંતુ આ મામલે હજુ સુધી કોઈની પણ ધરપકડ કરવામાં આવી નથી.
ઝાલાએ જણાવ્યું છે કે આ મામલે ૨ જાણવાજોગ ફરિયાદ નોંધવામાં આવી છે. એક ફરિયાદ ગોવિંદ વાઘેલા અને બીજી ફરિયાદ તેમના પિતા જગભાઇ દ્વારા કરવામાં આવી છે. બંનેનો દાવો છે કે અંદાજે ૨૦ જેટલા લોકોએ તેમના પર હુમલો કરી દીધો હતો. ઝાલાએ જણાવ્યું કે તેમણે આરોપીઓને પકડવા માટે 8 ટીમોની રચના કરી છે. કાના આહીર, રાજેશ મહારાજ, કેસરા રબાઈ, પાબા રબારી અને કાના કોળી સહીત ૩૦ લોકોની ભીડ વિરુદ્ધ અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમની કલમો હેઠળ હત્યાના પ્રયાસ, લૂંટ, ચોરી અને મારામારીનો કેસ દાખલ કરવામાં આવ્યો છે.