મુંબઇના ઓશિવારા પોલીસ મથકમાં મોડેલ સપના ગિલ સહિત ૮ લોકો સામે એફઆઇઆર નોંધાઇ
ટીમ ઇન્ડિયાના ઓપનર ક્રિકેટર પૃથ્વી શો ઉપર મુંબઈમાં હુમલો કરવાનો પ્રયત્ન થયો છે. તે પોતાના મિત્રોની કારમાં ૫ સ્ટાર હોટલમાં ડિનર કરવા ગયો હતો. આ દરમિયાન કેટલાક લોકોએ તેની પાસે સેલ્ફીની માંગણી કરી હતી. સેલ્ફી લેવાની ના પાડતા લોકો ભડક્યા હતા અને કાર પર હુમલો કર્યો હતો. મુંબઈની ઓશિવારા પોલીસે આ મામલે ૮ લોકો સામે એફઆઇઆર નોંધી છે. પૃથ્વી શો ના મિત્ર આશિષ સુરેન્દ્ર યાદવે ફરિયાદમાં કહ્યું કે પૃથ્વી શો જે કારમાં બેઠો હતો તેના પર બેઝબોલથી હુમલો કરવામાં આવ્યો અને પછી આરોપીએ કારનો પીછો કર્યો હતો. આ પછી એક મહિલાએ ૫૦ હજાર રૂપિયાની માંગણી કરી હતી. પૈસા નહીં આપવા પર ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી હતી.
ઓશિવારા પોલીસે ઘટના પછી ભારતીય દંડ સંહિતાની કલમ ૧૪૩, ૧૪૮, ૧૪૯, ૩૮૪, ૪૩૭, ૫૦૪,૫૦૬ અંતર્ગત મામલો નોંધ્યો છે. પૃથ્વી શો સાંતાક્રુઝની એક ફાઇવ સ્ટાર હોટલમાં ડિનર માટે ગયો હતો. ત્યારે અજાણ્યા આરોપી તેની પાસે આવ્યા અને સેલ્ફી લેવા માટે કહી રહ્યા હતા. પૃથ્વી શો એ બે લોકોને સેલ્ફી આપી હતી પણ તે લોકો ફરી પરત આવ્યા અને સેલ્ફી લેવા માટે કહેવા લાગ્યા હતા. પૃથ્વી શો એ કહ્યું કે તે મિત્રો સાથે ડિનર માટે આવ્યો છે અને તેને પરેશાન કરવામાં ન આવે.
આમ છતા તે ના માન્યા તો પૃથ્વીના મિત્રએ હોટલના મેનેજરને ફોન કર્યો અને ફરિયાદ કરી હતી. મેનેજરે આરોપીઓને હોટલમાંથી બહાર જવા કહ્યું હતું. આ ઘટનાથી તે લોકો ગુસ્સે થયા અને જ્યારે પૃથ્વી શો અને તેના મિત્રો ડિનર કરીને બહાર નીકળ્યા તો કેટલાક લોકો બેઝબોલ લઇને હોટલની બહાર ઉભા હતા. પૃથ્વીના મિત્રની કાર બીએમડબલ્યુમાં તોડફોડ કરવામાં આવી. આરોપીએ ગાડીના આગળ અને પાછળના કાચ બેઝબોલથી તોડી નાખ્યા હતા.
ફરિયાદમાં આશિષ સુરેન્દ્ર યાદવે કહ્યું કે પૃથ્વી શો કારમાં હતો અને અમે કોઇ વિવાદ ઇચ્છતા ન હતા. જેથી અમે પૃથ્વી શો ને બીજી કારથી મોકલી દીધો હતો. આ પછી લોકોએ અમારો પીછો કર્યો. પૃથ્વી શો ના મિત્રની કારને જોગેશ્વરીના લોટસ પેટ્રોલ પંપ પાસે રોકવામાં આવી. જ્યાં એક મહિલાએ આવીને કહ્યું કે જો આ મામલાને ઉકેલવો છે તો ૫૦ હજાર રૂપિયા આપવા પડશે, નહીંતર ખોટા આરોપ લગાવી દેશે. આ ઘટના પછી પૃથ્વી શોએ ઓશિવારા પોલીસ સ્ટેશન આવીને ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપીની શોધ શરૂ કરી દીધી છે. હોટલ સ્ટાફ પૃથ્વી સાથે સેલ્ફી લેનાર લોકોના નામ અને કોન્ટેક્ટ નંબર લઇને પોલીસને આપી દીધા છે. બન્નેની ઓળખ સના ઉર્ફો સપના ગિલ અને શોભિત ઠાકુરના રૂપમાં થઇ છે.