ભાગીદારીમાં કોમ્પ્લેક્ષ બનાવ્યા બાદ ભાગીદારે હિસાબ ન આપી છાતીમાં રિવોલ્વરનું નાળચુ માર્યુ: પિતા-પુત્ર સહિત ચાર સામે નોંધાતો ગુનો
રૈયા રોડ પર આવેલા કિષ્ના પાર્કમાં રહેતા પ્રદેશ ભાજપ કારોબારી સભ્ય પર તેના ભાગીદાર સહિત ચાર શખ્સોએ રૂ.૧.૨૦ કરોડની ઉઘરાણીના પ્રશ્ર્ને છરીથી હુમલો કરી રિવોલ્વરનું નાળચુ છાતીમાં માર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાતા સનસનાટી મચી ગઇ છે. પોલીસે પિતા-પુત્ર સહિત ચાર સામે ગુનો નોંધી શોધખોળ હાથધરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ આલાપ સેન્ચુરીની સામે ક્રિષ્ના પાર્ક બ્લોક નંબર ૭૩માં રહેતા પ્રદેશ ભાજપ કારોબારી સભ્ય સતિષભાઇ બટુકભાઇ શિંગાળા પર રાજેશ ઉર્ફે ભરત પરસાણા, તેના પિતા જયંતી પરસાણા, તેના સાગરીત ગૌતમ છગન મેઘાણી અને રાજેશ બચુ રાઠોડ નામના શખ્સોએ રૈયા રોડ પર શ્રીનાથજી એપાર્ટમેન્ટ પાસે કુમાર હેર આર્ટ નામની દુકાન પાસે છરીથી હુમલો કરી રિવોલ્વરનું નાળચુ છાતીમાં માર્યાની યુનિર્વસિટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
સતિષભાઇ શિંગાળા અને રાજેશ ઉર્ફે ભરત પરસાણાએ ભાગીદારીમાં શ્રીનાથજી એપાર્ટમેન્ટ નામે પ્રોજેકટ કર્યો હતો. ભાગીદારીના ધંધાના રૂ.૧.૨૦ કરોડની ઉઘરાણી કરતા બંને વચ્ચે બોલાચાલી થઇ હતી.
રાજેશ પરસાણા પોતાના પિતા જયંતી પરસાણા, ગૌતમ મેઘાણી અને રાજેશ રાઠોડ છરી અને રિવોલ્વર જેવા હથિયાર સાથે આવી છરીથી હુમલો કર્યા બાદ જંયતી પરસાણાએ છાતીમાં રિવોલ્વરનું નાળચુ મારી ખૂનની ધમકી દીધાનું ફરિયાદમાં જણાવ્યું છે.
યુનિર્વસિટી પોલીસ મથકના પી.એસ.આઇ. કે.જે.વાઘોશીએ ચારેય સામે ગુનો નોંધી શોધખોળ હાથધરી છે.