યુવકને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી બેફામ મારમારતાં રીક્ષા ચાલક સામે એટ્રોસિટી હેઠળ ગુનો નોંધાયો
શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાણે કથળી રહી હોય તેમ અનેક મારામારીના બનાવો બનવા પામ્યા છે.ત્યારે વધુ એક બનાવ સામે આવ્યો છે.જેમાં નવા થોરાળા વિસ્તારમાં જાહેરમાં ગાળો બોલતાં રીક્ષા ચાલકને રીક્ષા સાઈડમાં લેવાનું કહેતાં શખ્સે યુવક પર પાઈપથી હિંચકારો હુમલો કરી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યો હતો. જે અંગે થોરાળા પોલીસ મથકે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
વિગતો મુજબ નવા થોરાળામાં સર્વોદય સોસાયટી મેઈન રોડ પર રહેતાં રાજેશભાઇ મોહનભાઇ મકવાણા (ઉ.વ.32) એ પોતાની ફરિયાદમાં આરોપી તરીકે સિકંદર અલ્તાફનું નામ આપતાં થોરાળા પોલીસે આરોપી સામે એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. ફરિયાદીએ જણાવ્યું હતું કે, તેઓ નવગામમાં આવેલ ઉષા એજન્સી ફુટવેરમાં નોકરી કરે છે. ગઇકાલે રાત્રીના તેમના મારા ઘર પાસે આવેલ સર્વોદય શેરી નં-2 ના ખુણા પાસે બાબા સાહેબના સ્ટેચ્યુ પાસે બેસેલ હતો ત્યારે ત્યાં આગળ એક રીક્ષા ચાલકે રીક્ષા ચલાવી રોડ વચ્ચે ઉભી રાખેલ હતી.
રિક્ષાચાલક સિકંદર નીચે ઉતરેલ અને જાહેરમા ગાળો બોલવા લાગેલ હતો. જેથી તેઓએ સિકંદરને રીક્ષા રોડ વચ્ચેથી સાઇડમા રાખી દેવાનું કહેતા સિકંદર ગાળો આપી જ્ઞાતી પ્રત્યે હડધુત કરવા લાગેલ હતો.ફરિયાદીએ આરોપીને મારા સમાજ વિશે કંઇ બોલમા કહેતાં તે ઉશ્કેરાઇ જઇ રીક્ષામાથી લોખંડનો પાઇપ કાઢી માર મારવા લાગેલ હતો. બનાવ સમયે પડોશી દોડી આવ્યાં હતાં અને વધું મારમાંથી તેમને છોડાવેલ હતો. બાદમાં ફરિયાદીની માતા ત્યાં આવતા તેને પણ આરોપીએ તેને પણ ધક્કો મારતાં નીચે પટકાયા હતાં. લોકો એકઠાં થતા આરોપી નાસી છૂટ્યો હતો. બાદમાં ઇજાગ્રસ્તને 108 મારફતે સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હતાં.
જ્યારે સામાપક્ષે સિકંદર અલતાફભાઈ આમરોલીયા (ઉ.વ.28) ઇજાગ્રસ્ત હાલતમાં સિવિલ હોસ્પિટલમાં સારવારમાં ખસેડયા હતાં. ઇજાગ્રસ્તે વધુમાં જણાવ્યું કે, તેઓ ગઈકાલે રાત્રે સર્વોદય શેરી નં-2 ના ખુણા પાસે હતો ત્યારે ઘસી આવેલા રાજેશ અને અજાણ્યાં શખ્સોએ ઝઘડો કરી ધોકાથી ફટકારતા ઇજા પહોંચી હતી.બનાવ અંગે થોરાળા પોલીસે વધું તપાસ હાથ ધરી હતી.