સુત્રધાર સહિત પાંચ શખ્સોને અમદાવાદથી ઝડપી લેવામાં મળી સફળતા: મીર પરિવાર પર ફાયરિંગ દરમિયાન નિર્દોષ તરૂણની હત્યા થઇ’તી
મોરબીના રવાપર વિસ્તારની જમીન વિવાદના કારણે ગરાસીયા અને મીર પરિવાર વચ્ચે ચાલતી અદાલવત અને વૈમનશ્યમાં નિર્દોષ તરૂણની થયેલી હત્યામાં લાંબા સમયથી વોન્ટેડ હિતુભા રાણા સહિત પાંચ શખ્સોને એટીએસના સ્ટાફે અમદાવાદથી બે હથિયાર સાથે ઝડપી લેવામાં સફળતા મળી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રવાપર જમીન વિવાદના કારણે હિતુભા રાણા સહિતના શખ્સોએ મોરબીના નામચીન મુસ્તાક મીરની હત્યા કરતા હિતુભા સહિતના શખ્સોને જેલ હવાલે કરવામાં આવ્યા હતા. હિતુભા રાણા પેરોલ પર છુટયા બાદ જેલમાં હાજર થયા ન હતા અને મુસ્તાક મીરના ભાઇ આસિફ મીરની હત્યા માટે સાર્પ શુટરોને સોપારી આપવામાં આવી હતી.
સાર્પ શુટર દ્વારા મોરબીના કાલિકા પ્લોટમાં મીર પરિવાર પર આડેધડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. તે દરમિયાન કોળી પરિવારના માસુમ બાળકને ગોળી લાગતા બંને પરિવાર વચ્ચે ચાલતી અદાવતમાં નિર્દોષ બાળકનો ભોગ લેવાતા સમગ્ર વિસ્તારમાં ઘેરા પ્રત્યાઘાત પડયા હતા.
નિર્દોષ તરૂણની હત્યાના ગુનામાં વોન્ટેડ હિતુભા રાણાને ઝડપી લેવા રાજયભરની પોલીસ દ્વારા તપાસ હાથધરવામાં આવી હતી તે દરમિયાન હિતુભા રાણા અમદાવાદના શાંતિપુરા સર્કલ પાસે હોવાની બાતમીના આધારે એટીએસના પી.એસ.આઇ. આર.આઇ. જાડેજા સહિતના સ્ટાફે હિતુભા કરણસિંહ રાણા, ઘનશ્યામસિંહ વિજયસિંહ જાડેજા, ખૂમાનસિંહ રઘુવીરસિંહ જાડેજા અને ઉત્તરપ્રદેશના ભવાની પ્રસાદ ચૌધરી તેમજ જીતેન્દ્ર રામવિલાસ મોર્યાની ધરપકડ કરી તેની પાસેથી નાઇન એમએમ અને દેશી બનાવટની પિસ્તોલ તેમજ કારતુસ કબ્જે કર્યા છે. હિતુભા રાણા સહિતના શખ્સોનો હત્યાના ગુનામાં કબ્જો લેવા મોરબી પોલીસ દ્વારા તજવીજ હાથ ધરવામાં આવી છે.