૨૦૦૬માં શાહ અને ચોકસી પાસેથી ૧૦ કરોડ વસુલવા દાઉદના સાગરીત બાબુ સોલંકીને અપાયો હતો હવાલો
વર્ષ ૨૦૦૬માં ગેંગવોરના કેસમાં નાસ્તા ફરતા દાઉદના સાગરીતને ઝડપી પાડવામાં ગુજરાત એટીએસને સફળતા મળી છે. ગુજરાત એટીએસએ ઉંઝા નજીકથી રાજુ ઉર્ફે બાબુ સોલંકીને પકડી પાડ્યો હતો. અગાઉ ૧૯૯૬માં તેને ખુની હુમલાના કેસમાં ઝડપી પડાયો હતો. ત્યારબાદ સીધ્ધપુરમાં લૂંટના કેસમાં ૨૦૧૫માં તે વોન્ટેડ હતો. ગુનાહીત ભૂતકાળ ધરાવતા બાબુ સોલંકીને પકડવામાં એટીએસના સુત્રોએ મહત્વની ભૂમિકા ભજવી છે.
મુંબઈ અંડરવર્લ્ડના ખૂંખાર આરોપી દાઉદ ઇબ્રાહીમના સાગરિત શરીફ ખાન માટે કામ કરતા મૂળ ઊંઝાના રાજુ ઉર્ફે બાબુ સોલંકીની એટીએસે અડાલજ મહેસાણા હાઈવે પરથી ધરપકડ કરી છે. રાજુ ઉર્ફે બાબુ સોલંકી રૂપિયા ૧૦ કરોડની ઉઘરાણી મામલે લોકો પાસેથી ખંડણી ઉઘરાવવાના ગુનામાં વોન્ટેડ હતો.
ઊંઝામાં ગાયત્રી ઇન્વેસ્ટમેન્ટમાં કામ કરતા પ્રજ્ઞેશ ઉર્ફે બગી કનુભાઈ પટેલ શેરનું લે-વેચનું કામ કરતો હતો. ૧૯૯૯થી ૨૦૦૬ સુધીમાં અમદાવાદમાં તેના ઓળખીતા નિલેશ શાહ તથા જિગર ચોકસીને તેણે શેર વેચ્યા હતા, પરંતુ આ શેરના પૈસા તેને મળ્યા ન હતા. આ માટે તેણે રાજુ ઉર્ફે બાબુ રતિલાલ સોલંકી (રહે. ઈશ્વર ભવનની સામે વાલ્મીકિ વાસ ગામ સિંહ તાલુકો ઊંઝા, જિલ્લો મહેસાણા) તથા સાબિરમિયા સિપાઈ (આઇએસઆઇ એજન્ટ)નો સંપર્ક કરી ૧૦ કરોડની ઉઘરાણી લેવા માટે તેમને ૩ કરોડ આપવાનું નક્કી કરી કામગીરી સોંપી હતી.દરમિયાન એટીએસની ટીમે ૨૦૦૬માં આ કેસમાં સાબીર મિયા તથા જહાંગીરની રિવોલ્વર, તમંચા તથા ૧૨ કારતૂસ સાથે ધરપકડ કરી હતી. આ ગુનામાં રાજુ ઉર્ફે બાબુ સોલંકી નાસતો ફરતો હતો. દરમિયાન પોલીસને માહિતી મળી હતી કે, બાબુ અડાલજ મહેસાણા હાઈવે પરથી પસાર થવાનો જેના આધારે વોચ ગોઠવી બાબુ સોલંકીને ઝડપી લીધો હતો.