- 54થી વધુ હથિયાર સાથે 22 શખ્સો ઝડપાયા 100 જેટલી પિસ્તોલ વેચી નાખ્યાની આપી કબુલાત
- હત્યાની કોશિશ જેવા ગંભીર ગુનામાં સંડોવાયેલા બોટાદ અને સુરેન્દ્રનગરના શખ્સોની અટકાયત
ગુજરાત એટીએસ દ્વારા કરોડોની કિંમતના ડ્રગ્સ સાથે પાકિસ્તાની શખ્સોની ધરપકડ કરી સમગ્ર તપાસ રાષ્ટ્ર વ્યાપી બનાવી ઉત્તર પ્રદેશ, પંજાબ અને દિલ્હીના શખ્સોને ઝડપી લેવામાં સફળતા મળી છે ત્યારે મધ્ય પ્રદેશમાંથી ગુજરાતમાં ગેર કાયદે હથિયાર ઘુસાડવાના ચાલતા ષડયંત્રનો પર્દાફાસ કરવામાં એટીએસની ટીમને મહત્વની સફળતા મળી છે.
સૌરાષ્ટ્રના બોટાદ અને સુરેન્દ્રનગર પંથકના કેટલાક માથાભારે શખ્સો પાસે ગેરકાયદે પિસ્તોલ જેવા હથિયાર હોવાની બાતમીના આધારે એટીએસની ટીમ છેલ્લા ઘણા સમયથી માહિતી એકઠી કરી એક સાથે દસ જેટલા શખ્સોને 54 જેટલી પિસ્તોલ સાથે ઝડપી લેવામાં સફળતા મળ્યાની એટીએસના ડીવાય.એસ.પી. હર્ષ ઉપાધ્યાયએ પત્રકાર પરિષદમાં જણાવ્યું છે.હત્યાની કોશિષ જેવા ગંભીર ગુનામાં સંડોવાયેલા દસ જેટલા શખ્સોને એક સાથે 54 જેટલી પિસ્તોલ સાથે એટીએસની ટીમે ઝડપી લીધા બાદ કરાયેલી પૂછપરછમાં મધ્યપ્રદેશમાંથી ગેરકાયદે પિસ્તોલ અને રિવોલ્વર જેવા હથિયાર ગુજરાતમાં લાવી અત્યાર સુધીમાં 100 જેટલા વેચી નાખ્યાની કબુલાત આપી છે.
ઘાતક હથિયાર સાથે ઝડપાયેલા શખ્સો મધ્યપ્રદેશમાંથી ઓછી કિંમતે હથિયાર લાવી ગુજરાતમાં વેચવાનો છેલ્લા ઘણા સમયથી કારોબાર ચલાવતા હોવાનું પોલીસ તપાસ દરમિયાન બહાર આવતા પોલીસ સ્ટાફ ચોકી ઉઠયો છે. દસેય શખ્સોએ જેઓને પિસ્તોલ વેચી છે તે તમામની શોધખોળ હાથધરી છે. તેમજ તેની સાથે અન્ય કોણ સંડોવાયું છે તે અંગે ઉંડી તપાસ શરૂ કરી છે.