ફરિયાદો લેવામાં પોલીસની ઉતાવળ કે અણઆવડત એફઆઈઆરને નબળી બનાવે છે
‘હેલ્લારો’ ફિલ્મમાં ‘હરિજન’ શબ્દનાં પ્રયોગ સામે ફિલ્મનાં ડિરેકટર અને દલિત અભિષેક શાહ સામે ફરિયાદથી ચકચાર
તાજેતરમાં રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ હેલારોમાં દલિત સમાજ પ્રત્યે ઘૃણા ઉત્પન્ન થાય તેવી ડાયલોગ સામે અમદાવાદના કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં એટ્રોસીટીમાં ફરિયાદ થઈ છે. પરંતુ આ ફરિયાદ લેવા દબાણ, ઉતાવળ કે અણઆવડતમાં પોલીસે આ ફિલ્મના ડીરેકટર અભિષેક શાહ કે જેઓ પણ દલિત સામે પણ એટ્રોસીટીની ફરિયાદ નોંધી નાખતા ચકચાર મચી જવા પામી છે. હેલારો ફિલ્મને બેસ્ટ ફીચર ફિલ્મનો એવોર્ડ ૬૬માં નેશનલ ફિલ્મ એવોર્ડમાં મળ્યો છે.પરંતુ એટ્રોસીટીની આ ફરિયાદ જેની સામે નોંધવામાં આવી છે તે ફિલ્મના ડીરેકટર અભિષેક શાહ પોતે પણ દલિત છે. જેની એક દલિત સામે એટ્રોસીટીની ફરિયાદ નોંધાતા કાનૂની વિવાદ ઉભો થવા પામ્યો છે. આ અંગે કાગડાપીઠ પોલીસ સ્ટેશનના પીઆઈ યુ.ડી. જાડેજાએ જણાવ્યું હતુ કે ફરિયાદ નોંધનારા પોલીસ કર્મચારીઓએ ફરિયાદીએ જે મુજબની ફરિયાદ લખાવી હતી તે મુજબની ફરિયાદ નોંધીને ગુન્હો દાખલ કર્યો છે. ફરિયાદ નોંધનારા કર્મચારીને પણ અભિષેક શાહ દલિત હોવા અંગેનો ખ્યાલ નહી તેથી આવું બન્યું હોય શકે છે.
આ અંગે ઈન્ચાર્જ પોલીસ કમિશ્નર આશિષ ભાટીયાએ જણાવ્યું હતુ કે આ ફરિયાદ નોંધવામાં થયેલી ભૂલ સામે તપાસમાં ધ્યાન રાખવામાં આવશે જયારે ફિલ્મના ડિરેકટર અભિષેક શાહે જણાવ્યું હતુ કે તેઓએ ગ્રામ્ય વિસ્તારમાં દલિત વર્ગની સમસ્યાને વાચા આપવા આ ફિલ્મમાં આવો ડાયલોગ લીધો છે તેઓનો ધ્યેય દલિત સમાજની લાગણી દુભાવવાનો ન હતો.