બીજા ક્વાર્ટરમાં જીડીપી રેકોર્ડ સ્તરે પહોંચ્યા બાદ હવે મોંઘવારી દરે લોકોને મોટો આંચકો આપ્યો છે. નવેમ્બર મહિનામાં રિટેલ મોંઘવારી દર 5.55 ટકાની નવી ઊંચી સપાટીએ છે. આ પહેલા ઓક્ટોબર મહિનામાં રિટેલ મોંઘવારી દર 4.87 ટકા હતો. આની પાછળનું કારણ વાતાવરણનો પલ્ટો છે. ઓછો વરસાદ, માવઠા સહિતના કારણોસર ખેતીને અસર થતા ખાદ્ય વસ્તુઓના ભાવ વધતા ફુગાવામાં પણ ઉછાળો નોંધાયો છે.
રિટેલ મોંઘવારી દર ઓક્ટોબર મહિનામાં 4.87 ટકા રહ્યા બાદ નવેમ્બરમાં પણ 5.55 ટકાની નવી સપાટીએ: નવેમ્બરમાં ખાદ્ય મોંઘવારી દર પણ 8.70 ટકા જેટલો ઊંચો રહ્યો
નેશનલ સ્ટેટેસ્ટિક્સ ઓફિસ દ્વારા જારી કરાયેલા આંકડા મુજબ ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં વધારાને કારણે મોંઘવારી દરમાં મોટો વધારો થયો છે. આના કારણે મોંઘવારી દર ત્રણ મહિનાની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયો છે. નવેમ્બર મહિનામાં ખાદ્ય ચીજોના ભાવમાં વધારો થયો હતો. જેના કારણે ખાદ્ય મોંઘવારી દર 8.70 ટકા પર પહોંચી ગયો છે જે ઓક્ટોબર મહિનામાં 6.61 ટકા હતો.
સરકાર દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર જુલાઈ 2023માં ટામેટાંના ભાવ આસમાને હતા. આ સાથે અન્ય ખાદ્ય ચીજોના ભાવમાં પણ વધારો જોવા મળ્યો હતો. જેના કારણે તે સમયે મોંઘવારી દર 7.44 ટકા પર પહોંચી ગયો હતો. પરંતુ ઓગસ્ટ મહિનામાં તેમાં ઘટાડો જોવા મળ્યો હતો. જેમાં મોંઘવારી દરનો આંકડો 6.83 ટકા હતો અને સપ્ટેમ્બરમાં આ આંકડો 5.02 ટકા થઈ ગયો હતો.
રિટેલ ફુગાવાના દરને પણ આરબીઆઈ દ્વારા ધ્યાનમાં લેવામાં આવે છે. જ્યારે એમપીસી પર વિચાર કરવામાં આવે છે. તેને ચાર ટકા રાખવાની જવાબદારી છે. ગયા અઠવાડિયે જ નાણાકીય નીતિ સમીક્ષામાં, ચાલુ નાણાકીય વર્ષમાં ગ્રાહક ફુગાવો 5.4 ટકા રહેવાનો અંદાજ હતો.
આ બેઠકમાં જ આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે ખાદ્ય મોંઘવારી અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે અમે મોંઘવારી દરને 4 ટકા સુધી લાવવાનું લક્ષ્ય હાંસલ કરી શક્યા નથી. રિઝર્વ બેંકે ફેબ્રુઆરી 2023માં રેપો રેટમાં ફેરફાર કર્યો હતો.