ઈન્ટરનેટ કનેકટીવીટી, ઓડિયો-વિડીયોની ગુણવતા, સામુહિકતાનો અભાવ, બિનઅભ્યાસકીય વાતાવરણ ઓનલાઈન શિક્ષણમાં અવરોધરૂપ
લોકડાઉન દરમિયાન ૮૯.૨ ટકા અઘ્યાપકોએ ઓનલાઈન શિક્ષણને સમર્થન કરી અસરકારક ગણાવ્યું
ઓનલાઈન અને ઑફલાઇન શિક્ષણ સંદર્ભે વિદ્યાર્થીઓ તેમજ અધ્યાપકોની પસંદગી જાણવા આત્મીય યુનિવર્સિટી દ્વારા એક સર્વેક્ષણ હાથ ધરવામાં આવ્યું. આત્મીય યુનિવર્સિટીમાં ફેકલ્ટી ઑફ કોમર્સના ડીન ડો. વિકાસ ખસગીવાલા અને અધ્યાપક ડો.અમિત રાજદેવે ગુજરાતની મેનેજમેન્ટ કોલેજીસના વિદ્યાર્થીઓ અને અધ્યાપકોને સામેલ કરીને આ સર્વેક્ષણ કર્યું. આ સર્વેક્ષણ પ્રમાણે ૮૯.૨ ટકા અધ્યાપકોએ લોકડાઉન દરમિયાન ઓનલાઈન શિક્ષણનું સમર્થન કરીને અસરકારક ગણાવ્યું છે. જો કે, શીખવાની બાબતે ૫૫.૭ ટકા વિદ્યાર્થીઓ ઓનલાઈન શિક્ષણને મહામારીના સમયગાળામાં શિક્ષણપ્રાપ્તિ માટે અસરકારક માને છે. પચાસમાંથી અઠયાવીસ અધ્યાપકોને લોકડાઉન દરમિયાન ઓનલાઈન અધ્યાપનકાર્યથી સંતોષ છે.૧૬૦ વિદ્યાર્થીઓમાંથી ૫૯ વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણથી સંતોષ છે. ઓનલાઈન અને ઑફલાઇન અધ્યાપન વચ્ચે પસંદગી કરવાની હોય તો શું કરો? એવા સવાલના જવાબમાં ૭૪.૧૦ તક વિદ્યાર્થીઓ અને ૯૫ ટકા અધ્યાપકો સામાન્ય સંજોગો હોય તો ઑફલાઇન અધ્યાપન શ્રેષ્ઠ હોવાનું જણાવે છે.
સામાન્ય સંજોગોમાં વિદ્યાર્થીઓ અને અધ્યાપકો શા માટે ઓનલાઈન શિક્ષણ પસંદ નથી કરતાં? એવું પુછ્યું ત્યારે ૭૭ ટકા વિદ્યાર્થીઓએ જણાવ્યું કે, તેમને ઓનલાઈન વર્ગો ભરવામાં સમસ્યાઓ નડે છે. તો ઓનલાઈન અધ્યાપન કરતા અધ્યાપકોમાં આ ગુણોત્તર ૮૧ ટકાનો છે. વિદ્યાર્થીઓ અને અધ્યાપકો બન્નેના મતે ઇન્ટરનેટની નબળી કનેક્ટિવિટી સૌથી મોટો અવરોધ છે. બીજો મોટો અવરોધ ઓડિયો-વિડિયોની નબળી ગુણવત્તા છે. પરસ્પર સંવાદ સાધી નથી શકાતો તેમજ પ્રશ્નોત્તર થઈ નથી શકતા તે બાબત પણ એક સમસ્યા છે
આ સર્વેક્ષણમાં ઓનલાઈન વર્ગો માટે ક્યું પ્લેટફોર્મ ઉપયુક્ત છે? તે જાણવાનો પ્રયત્ન પણ થયો. ૭૩.૪ ટકા વિદ્યાર્થીઓએ સિસ્કો વેબેક્સ પર, ૧૫.૬ ટકા વિદ્યાર્થીઓએ ગૂગલ મીટ પર, ૮ ટકાએ ઝૂમ પર અને બાકીનાએ માઈક્રોસોફ્ટ ટીમ પર પસંદગી ઉતારી. અધ્યાપકોમાં ૪૬ ટકાએ સિસ્કો વેબેક્સ, ૨૪.૩ ટકા ઝૂમ અને ૨૦ ટકાએ ગૂગલ મીટને પસંદ કર્યાં.આ સર્વેક્ષણમાં મહત્વનું તારણ એ નીકળ્યું કે, ૫૮ ટકા વિદ્યાર્થીઓ ઓનલાઈન વર્ગને બદલે કોલેજમાં જઈને વર્ગ ભરવા ઈચ્છે છે. જ્યારે ૬૩ ટકા અધ્યાપકો ઓફલાઇન એટલે કે વર્ગખંડ શિક્ષણને ઓનલાઈનની સરખામણીએ વધુ અસરકારક ગણાવે છે. ઇ-લર્નિગ સામેના પડકારોમાં તેની વિવિધતા અને વ્યક્તિલક્ષી અનુભવનો અભાવ છે. ગેમિંગ કોન્સોલ, સોશિયલ મીડિયા, અભ્યાસ દરમિયાન અનુભવાતી એકલતા, વર્ગખંડની સામુહિકતાનો અભાવ, ઘરમાં અભ્યાસકીય વાતાવરણની ખામી વગેરે બાબતો પણ શીખવાની પ્રક્રિયામાં અવરોધરૂપ બને છે. ઉચ્ચશિક્ષણના વર્ગોમાં વિદ્યાર્થીઓ અને અધ્યાપકોની પરસ્પરની રસપૂર્વકની સામેલગીરી પણ મહત્વનું પરિબળ છે. આત્મીય યુનિવર્સિટીના અધ્યક્ષ પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામીના મતે અધ્યાપકો તેમની પૂર્ણ ક્ષમતા સાથે શ્રેષ્ઠ અધ્યાપન કરી રહ્યા છે અને વિદ્યાર્થીઓમાં પણ આ અધ્યાપનનો લાભ લઈને પ્રશંસનીય પ્રગતિ કરી રહ્યા છે.
ઓનલાઈન સેશનની મહત્તમ સમય મર્યાદા ૪૦-૫૦ મિનિટ યોગ્ય
૫૧ ટકા અઘ્યાપકો એવું માને છે કે ઓનલાઈન સેશનની મહતમ સમય મર્યાદા ૪૦ થી ૫૦ મિનિટ યોગ્ય ગણી શકાય. એનાથી વધુ સમય અઘ્યાપનની ગુણવતાને અસર કરે છે. આ અંગે ૪૮% વિદ્યાર્થીઓ એવું માને છે કે ઓનલાઈન વર્ગની સમયમર્યાદા ૩૦ થી ૪૦ મિનિટ યોગ્ય છે. વિદ્યાર્થીઓનો આ અભિપ્રાય કનેકટીવીટીની સમસ્યા અને ઓડિયો-વિડીયોની નબળી ગુણવતાને કારણે હોય તેવું બની શકે.