૧૮ દિવસ ગુંજશે નવ નવ આત્માઓનો આત્મયાત્રા દીક્ષા મહોત્સવનો રણકાર: ગુરૂવારે સ્વસ્તિક વિધિ: ૩૦મીએ વંદે શાસનમનો અનોખો કાર્યક્રમ
તા.૧ થી ૯ સુધી રોજ નવ મુમુક્ષુઓની સંસારથી સંયમ સુધીની જીવનયાત્રાની પ્રસ્તુતી
ગિરનારથી ધરા પર રાષ્ટ્રસંત નમ્રમુનિ મહારાજના સાનિઘ્યમાં નવ નવ મુમુક્ષુઓના દીક્ષા મહોત્સવના કાલથી પડધમ વાગશે દીક્ષા મહોત્સવમાં ૧૮ દિવસ સુધી વિવિધ કાર્યક્રમો યોજાયા છે.
અગાધ સંસાર સાગરથી અનેક-અનેક આત્માઓને ઊગારીને સંયમના અમૂલ્ય દાન આપવાનો પરમ ઉપકાર કરી રહેલા રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સા.ના પરમ શરણમાં સત્યને પામીને સંયમ અંગિકાર કરવા તત્પર બનેલા નવ નવ આત્માઓના આત્મયાત્રા દીક્ષા મહોત્સવનું આયોજન શ્રી ગીરનાર જૈન દીક્ષા મહોત્સવ સમિતિના ઉપક્રમે પ્રભુ નેમનાથની ભૂમિ ગરવા ગીરનારની ધરા પર કરવામાં આવ્યું છે.
સમગ્ર સંસારનો ત્યાગ કરીને પ્રભુ પંથે પ્રયાણ કરી રહેલા મુમુક્ષુ ફેનિલકુમાર અજમેરા, મુમુક્ષુ શ્રેયમબેન ખંધાર, મુમુક્ષુ એકતાબેન ગોસલીયા, મુમુક્ષુ નિરાલીબેન ખંધાર, મુમુક્ષુ અલ્પાબેન અજમેરા, મુમુક્ષુ આયુષીબેન મહેતા, મુમુક્ષુ નિધિબેન મડીયા, મુમુક્ષુ મિશ્ર્વાબેન ગોડા તેમ જ મુમુક્ષુ દીયાબેન કામદારના શ્રી ભાગવતી જૈન દીક્ષા મહોત્સવના અઢાર દિવસ સુધી ચાલનારા અનેક વિધ પ્રેરણાત્મક કાર્યક્રમોમાં દેશ-પરદેશના હજારો હજારો ભાવિકો લાઇવના માઘ્યમે જોડાઇને સંયમની અનુમોદના કરશે.
મહોત્સવ અંતર્ગત તા.ર૮ને ગુરુવાર સવારે ૮.૩૦ કલાકે શુકનવંતા સ્વસ્તિક વિધીના માંગલ્ય કાર્યક્રમમાં ગુરુદેવના શ્રીમુખેથી પ્રગટ થતાં દિવ્ય મંત્રોચ્ચાર અને સંયમ ધર્મના જયનાદ સાથે દીક્ષાર્થીઓના માતા-પિતા દ્વારા શ્ર્વેત વસ્ત્ર પર સ્વસ્તિકના શુભ પ્રતિકનું કંકુવર્ણ ચિત્રાંકન કરીને દીક્ષાર્થીઓના સંયમ જીવનની મંગલ શુભેચ્છા અર્પણ કરવામાં આવશે. સાથે જ આ અવસરે નેમ રાજુલની આકારથી નિરાકારની યાત્રાનું દર્શન એક અનોખી પ્રસ્તુતિ દ્વારા દર્શવામાં આવશે.
તા. ર૯ને શુક્રવારે જૈન સમાજમાં પહેલીવાર સવારે સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી નિરંતર બાર કલાક સુધીની નોન સ્ટોપ સાંજીમાં દેશ-વિદેશના ૧૦૦ થી વધારે મહિલા મંડળો દ્વારા ગીત-સંગીતના માઘ્યમે સંયમની અનુમોદના કરવામાં આવશે.
તા.૩૦ ને શનિવારે સવારે ૮.૩૦ કલાકે ઉપકારી એવા જિનશાસન પ્રત્યે અહોભાવની અભિવ્યકિત સ્વરુપે ‘વંદે શાસનમ’નો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. તા. ૩૧-૧ ને રવિવાર સવારે ૮.૩૦ કલાકે અંતર દ્રષ્ટિને ઉજાગર કરતા અને સત્યના દર્શન કરાવતા કાર્યક્રમો સાથે આઇ ઓપનર ફ્રેન્ડ શીપ નામક એક પ્રસ્તુતિ દર્શાવીને સહુને પ્રેરિત કરવામાં આવશે.
મહોત્સવના આ દિવસો દરમ્યાન તા. ૧ થી ૯ અને ૧૧ ફેબ્રુઆરી ના દિવસે સવારે ૮.૩૦ કલાકે ધી ફાઇનલ ફૂલ સ્ટોપ કાર્યક્રમ અંતર્ગત એક પછી એક નવ નવ મુમુક્ષુઓની સંસારથી સંયમ સુધીની જીવનયાત્રાની હ્રદયસ્પર્શી પ્રસ્તુતિ સાથે તેમના જીવનમાં એક મોર્ડન લાઇફ સ્ટાઇલમાંથી મુનિ લાઇફ સ્ટાઇલ અપનાવા પાછળનું કર્યુ પરિબળ કામ કરી ગયું એની રસપ્રદ પ્રસ્તુતિ દર્શાવવામાં આવશે.
વિશેષમાં તા. ૪ને ગુરુવારે સવારે ૮.૩૦ કલાકે ગુરુ તત્વના ઉપકારો પ્રત્યે ઉપકાર વંદનાવલીની અર્પણતા કરતાં ગુરુ ઋણ અદા કેમ કરીએ? ની સાથે તા.૬ ને શનિવાર સવારે ૮.૩૦ કલાકે બાળકો માટે પ્રેરણાત્મક કાર્યક્રમ ‘બાલદીક્ષા’નું આયોજન કરવામાં આવ્યું છે. તા.૭ ને રવિવારે સવારે ૮.૩૦ કલાકે આઇ કેન ઇટસ પોસિબલ નામક આત્મા અને મન વચ્ચેના યુઘ્ધની પ્રસ્તુતિ એક અનોખા કાર્યક્રમ દ્વારા કરવામાં આવશે. તા.૮ ને સોમવારે સવારે ૧૧ કલાકે તપસમ્રાટ ગુરુદેવ રતિલાલજી મહારાજ સા.ની ર૩મી પુણ્યસ્મૃતિ અવરસ યોજાશે. તા. ૧૦ ને બુધવારે સવારે ૮.૩૦ કલાકે રાષ્ટ્રસંત ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સા.ની ૩૦મી દિક્ષા જયંતિ અવસરે ‘ગીરીવરે ગુંજે ગુરુવર ગુણોત્સવ’ ના કાર્યક્રમ સાથે પરમ ‘શ્રાવણ દીક્ષા’ અવસરનું વિશિષ્ટ આયોજન કરવામાં આવ્યું છે. આ દિવસે ક્ધસ્ટી ટયુશન ઓફ સંયમ લાઇફ કાર્યક્રમ અંતર્ગત સાધુ જીવનની ૧૦ સમાચારી ‘૧૦ માઇલ સ્ટોન્સની ’ સમજણ આપતી અદ્રૂપ પ્રસ્તુતિ પણ કરવામાં આવશે.
મહોત્સવના અંતિમ પડાવ સ્વરુપ તા. ૧૨ને શુક્રવાર સવારે ૮.૩૦ કલાકે સંયમ સ્તંભના આરોપણ સ્વરુપ દીક્ષાર્થીઓની ‘મંડપ મુહુર્ત’ વિધિ તેમજ માળા રોપણ વિધિ બાદ દીક્ષાર્થીઓના સંસાર જીવનના અંતિમ આત્મરક્ષાબંધન સ્વરુપે સ્નેહ ઉત્સવનું અનેરું આયોજન કરવામાં આવ્યું છે.
તા.૧૩ ને શનિવારે સવારે ૮.૩૦ કલાકે સંસાર જીવનને અલવિદા કરતા દીક્ષાર્થીઓનો ‘વિદાય ઉત્સવ’ તેમજ ‘માતા પિતા ઉપકાર ઉત્સવ’ના સંવેદનશીલ દ્રશ્યો સર્જાશે. અને તા. ૧૪ ને રવિવાર સવારે ૮.૩૦ કલાકે નવ નવ આત્માઓના ભવોભવનું કલ્યાણ કરાવી દેનાર શ્રી ભાગવતી જૈન દીક્ષાર્થીઓને ગુરુમુખેથી દીક્ષાના કલ્યાણ દાન દેવાશે, મહોત્સવના દરેક દિવસે સવારના સમયે લોકપ્રિય ગાયકો દ્વારા સાંજીના સૂર રેલાવીને સંયમની અનુમોદના કરવામાં આવશે.
ઘર-પરિવાર, સગા-સ્વજન અને સમગ્ર સંસાર ત્યજીને સંયમ પંથે જઇ રહેલાં નવ આત્માઓના આ ત્યાગ મહોત્સવના દરેક દરેક અવસરોમાં લાઇવના માઘ્યમે જોડાઇને આત્મ કલ્યાણની પ્રેરણા પામવા સહુ ધર્મપ્રેમી ભાવિકોને ગિરનાર જૈન દીક્ષા મહોત્સવ સમીતી તરફથી ભાવભીના આમંત્રણ આપવામાં આવ્યાં છે.