જસદણ તાલુકાના આટકોટ ખાતે શરૂ થયેલી પરવાડિયા હોસ્પિટલ સેવાના યજ્ઞ સમાન હોવાનું અગ્રણીઓએ જણાવ્યું હતું. જસદણના પીઢ સામાજિક અગ્રણી અને ગૌભક્ત ઘનશ્યામભાઈ ભરાડ તથા જૂના જનસંઘના પીઢ આગેવાન ગુડિયાભાઈ દરજીની સંયુક્ત યાદીમાં જણાવ્યા મુજબ જસદણ તાલુકાના આટકોટ ખાતે પટેલ સેવા સમાજ ટ્રસ્ટના નેજા હેઠળ ડો.ભરતભાઇ બોઘરા દ્વારા કે.ડી. પરવાડીયા મલ્ટીસ્પેશીયાલીટી હોસ્પિટલ શરુ કરવામાં આવી છે.
આ હોસ્પિટલ જસદણ સહિત આસપાસના ત્રણ જિલ્લાના લોકો માટે આરોગ્યની સેવાના યજ્ઞ રૂપ સાબિત થઇ રહી છે. ડો. ભરતભાઇ બોઘરા હોસ્પિટલના માધ્યમથી રાજકારણ થી પણ ઉપરની કક્ષાના મુઠ્ઠી ઉંચેરા માનવી અને સેવા પુરુષ સાબિત થયા છે.
તેમણે પોતે પણ ખૂબ જ મોટી રકમનું હોસ્પિટલમાં દાન કર્યું છે અને સમગ્ર હોસ્પિટલનો પાયો ખોદવાથી લઇને હોસ્પિટલના ઉદ્ઘાટન સુધીની ફરજ બજાવી છે અને અત્યારે હોસ્પિટલ અનેક દર્દીઓના આંસુ લૂછી રહી છે અને લોકોને શ્રેષ્ઠ આરોગ્ય પ્રદાન કરવામાં મદદરૂપ થઈ રહી હોવાનું અંતમાં ઘનશ્યામભાઈ ભરાડ તેમજ ગુડિયાભાઈ દરજીએ જણાવ્યું હતું.