સાણથલી ગામે લકઝરી બસના ચોર ખાનામાં વિદેશી દારૂ લાવવામાં આવ્યો: કટીંગ સમયે આટકોટ પોલીસ ત્રાટકી
286 પેટી દારુ, બસ, કાર, બાઇક અને 10 મોબાઇલ મળી રૂા.21.51 લાખનો મુદામાલ કબ્જે
વિદેશી દારુના ધંધાર્થી અને વ્યાજના ધંધાર્થીઓ પર તુટી પડવાના ગૃહ વિભાગ આદેશના પગલે જસદણ તાલુકાના સાણથલી ગામે રુલરના પોલીસ કોન્સ્ટેબલે વિદેશીનો લકઝરી બસમાં વિદેશી દારુનો જંગી જથ્થો મગાવી કટીંગ કરતા હોવાની બાતમીના આધારે આટકોટ પોલીસે દારુ અંગે દરોડો પાડી રુા.10.26 લાખની કિંમતના વિદેશી દારુ સાથે પોલીસમેન સહિત પાંચ શખ્સોની ધરપકડ કરી છે. દારુ, બસ, કાર, બાઇક અને મોબાઇલ મળી રુા.21.51 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ મવડી હેડ કવાર્ટર ખાતે પોલીસમેન તરીકે ફરજ બજાવતા અને ગોંડલના ભગવતપરા વિસ્તારમાં વિઠ્ઠલવાડીમાં રહેતા વિશાલ નારણ સોલંકી અને ગોંડલના મહાકાળીનગરમાં રહેતા ભરતભીખા જાદવ નામના શખ્સોએ રાજસ્થાનથી વિદેશી દારુ આર.જે.46પીએ. 1682 નંબરની લકઝરી બસમાં વિદેશી દારુ મગાવી જસદણ તાલુકાના સાણથલી ગામના ભુરા ગાંડુ વાઘેલાની વાડીમાં કટીંગ કરી રહ્યાની બાતમીના આધારે આટકોટ પોલીસ મથખના પી.એસ.આઇ. જે.એચ.સિસોદીયા સહિતના સ્ટાફે દરોડો પાડયો હતો.
પોલીસના દરોડા દરમિયાન લકઝરી બસમાં ચોર ખાનુ બનાવી લાવવામાં આવેલો રુા.10.26 લાખની કિંમતની 286 પેટી વિદેશી દારુ મળી આવ્યો હતો. પોલીસને જોઇને લકઝરી બસના ચાલક અને ક્લિનર ભાગી ગયા હતા. જ્યારે ગોંડલના મહાકાળીનગરના ભરત ભીખા જાદવ, પોલીસમેન વિશાલ નારણ સોલંકી, ગોંડલ ભગવતપરાના ગોપાલ હસમુખ મકવાણા, ગોંડલ તાલુકાના ચોરડી ગામના રાજેશ લાલજી પરમાર અને ગોંડલ તાલુકાના કેશવાળા ગામના સંજય મગન ડાભી નામના શખ્સોની ધરપકડ કરી છે. પોલીસે રુ10.26 લાખની કિંમતનો વિદેશી દારુ, લકઝરી બસ, અસ્ટ્રોલ કાર, બાઇક અને દસ મોબાઇલ મળી રુા.21.51 લાખનો મુદામાલ કબ્જે કરી ભાગી છુટેલા વાડી માલીક ભુરા વાઘેલા, ગોંડલના હિતેશ ભરવાડ અને બસના ચાલક તેમજ ક્લિનરની શોધખોળ હાથધરી છે.
પુનીતનગર નજીક 660 બોટલ દારૂ ભરેલા બોલેરો સાથે ત્રણની ધરપકડ
ક્રાઈમ બ્રાન્ચની ટીમે દારૂ અને કાર મળી કુલ રૂ.7.79નો મુદ્દામાલ કર્યો કબ્જે
રાજકોટ શહેરમાં ગુનાખોરીનો ગ્રાફ સતત ટોપ પર જઇ રહ્યો હોઇ તેમ દારૂની હેરાફેરી,મારામારી અને લૂંટના બનાવો પ્રકાશમાં આવી રહ્યા છે.ત્યારે તેને અટકાવવા શહેર પોલીસ સતત પ્રયત્નશીલ થઈ રહી છે. જેમાં ક્રાઈમ બ્રાંચે ચોક્કસ માહિતીના આધારે પુનિતનગર નજીક વિશ્વકર્મા સોસાયટી પાસેથી 660 બોટલ વિદેશી દારૂ ભરેલ બોલેરો કાર સાથે ત્રણ શખસોને ઝડપી લઈ તેની પાસેથી 2.79 લાખનો દારૂ અને કાર મળી 7.79 લાખની મત્તા કબ્જે કરી વિશેષ પૂછપરછ હાથ ધરી છે.
આ અંગની મળતી વિગતો મુજબ પુનિતનગર નજીકના વિશ્વકર્મા સોસાયટીમાં ખુલ્લા પ્લોટમાં વિદેશી દારૂ ભરેલી બોલેરો કાર પડી હોવાની માહિતિના આધારે ક્રાઈમ બ્રાન્ચ પી.આઈ. એલ. એલ. ચાવડા સહિતના સ્ટાફે દરોડો પાડી વાંકાનેરના તરકીયા ગામે રહેતો લાખા બચુભાઈ રૂદાતલા જ્યારે રાજકોટમાં પુનીતનગરમાં રહેતા પરીક્ષીત રાજુભાઈ બળદા અને અમરદીપસિંહ ક્રિપાલસિંહ ઝાલાને ઝડપી લઈ તેની પાસેથી 2.79 લાખની કિંમતનો 660 બોટલ વિદેશી દારૂ અને રૂ. 5 લાખની કિંમતની બોલેરો કાર કબ્જે કરી કુલ રૂ.7,79,840નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.જ્યારે આ દારૂનો જથ્થો ક્યાંથી લાવ્યા અને કોને ડિલેવરી આપવાની હતા તે દિશામાં પોલીસે પૂછપરછ હાથ ધરી છે.
લોધિકા: રાવકી ઇન્ડસ્ટ્રીઝ સેડમાંથી 6118 બોટલ દારૂ પકડાયો
એલસીબીએ દરોડો પાડી ગોડાઉન માલિક અને ટ્રક ચાલકની શોધખોળ શરૂ કરી: રૂા.22.48 લાખનો મુદામાલ કબ્જે
રાજયમાં દેશી-વિદેશી દારુના ધંધાર્થી પર પોલીસને ખાસ ડ્રાઇવ રાખી કડક કાર્યવાહી કરવાની ગૃહ વિભાગ દ્વારા કરાયેલી તાકીદના પગલે રુરલ એલસીબી સ્ટાફે લોધિકા તાલુકાના રાવકી ઇન્ડસ્ટ્રીઝના ગોડાઉનમાં દરોડો પડાયો હતો. પી.આઇ. વી.વી.ઓડેદરા, એસઓ.જી.પી.આઇ. કે.બી.જાડેજા, પીએસઆઇ ડી.જી.બડવા, હેડ કોન્સ્ટેબલ રવિદેવભાઇ બારડ અને મનોજભાઇ બાયલ સહિતના સ્ટાફે વિદેશી દારુ અંગે દરોડો પાડી રુા.21.48 લાખની કિંમતની 6118 બોટલ વિદેશી દારુ રાવકી ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાંથી કબ્જે કર્યો છે. વિદેશી દારુ કોણે મગાવ્યો,ગોડાઉન માલિક કોણ છે અને ઘટના સ્થળેથી મળી આવેલા જી.જે.27ટીટી. 2911 નંબરની ટાટા ઇન્ટ્રા વાહન કોની માલિકીનું છે તે અંગે પોલીસે તપાસ હાથધરી છે.