સર્વ જ્ઞાતિની દિકરીઓ માટે  બનાવેલી સંસ્થાનો 11 વર્ષ પૂર્વેના ગોટાળા અંગે આક્ષેપોના કારણે આઠ જેટલી કારમાં પટેલ સમાજના આગેવાને ટ્રસ્ટીના કર્મચારીઓના મોબાઇલ પડાવી બાનમાં લીધાના આક્ષેપ

ટ્રસ્ટ ઉભુ કરનાર રૂડા ભગતનું રાજીનામું લેવામાં આવતા વિવાદ ચાલતો હોવાની ચર્ચા: બપોર બાદ પોલીસ ફરિયાદ નોંધાશે

જસદણ તાલુકાના આટકોટ ખાતે આવેલી ડી.બી.પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ સંકુલમાં પૂર્વ ટ્રસ્ટી સહિત મોટી સંખ્યામાં ઘસી આવેલા તેમના ટેકેદારો દ્વારા બઘડાટી બોલાવવામાં આવી હોવાથી ઘટના પ્રકાશમાં આવતા સનસનાટી મચી ગઇ છે. ડી.બી.પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ ઉભુ કરનાર રુડા ભગતનું 11 વર્ષ પહેલાં સુરત અને રાજકોટ સ્થીત સમાજના આગેવાનો દ્વારા રાજી નામું લઇ લેવાના નિર્ણય બાદ ચાલતા વિવાદના કારણે ગઇકાલે સવારે બઘડાટી બોલી હોવાનું પોલીસમાં જાણવા જોગ નોંધ થઇ છે. પરંતુ હજી સુધી ટ્રસ્ટ દ્વારા કોઇ ફરિયાદ નોંધાવવામાં આવી નથી. ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી અર્જુનભાઇ રામાણીએ બપોર બાદ પોલીસમાં ફરિયાદ નોંધાવશે તેમ જણાવ્યું છે.

ગઇકાલે સવારે નવેક વાગે આઠ જેટલી નંબર પ્લેટ વિનાની ફોર વ્હીલમાં આવેલા આશરે 40 જેટલી વ્યક્તિઓએ ડી.બી.પટેલ એજ્યુકેશન ટ્રસ્ટના ચોકીદારને ધમકાવી તેમના મોબાઇલ લઇ લીધા બાદ સીસીટીવી કેમેરાના વાયર તોડી નાખી મેનેજીંગ ટ્રસ્ટી અર્જુનભાઇ રામાણીની ઓફિસમાં પંદર જેટલી વ્યક્તિઓ આવી રાજીનામું આપી દેવા ધમકાવવામાં આવતા હતા તે દરમિયાન અન્ય વ્યક્તિઓ દ્વારા ટ્રસ્ટના તમામ કર્મચારીઓના મોબાઇલ લઇ લીધા હતા તેમજ સીસીટીવીનું ડીવીઆર લઇ લીધું હતુ.ં

ટ્રસ્ટમાં કંઇ અજુગતું થયાની પોલીસને જાણ થતા આટકોટ પોલીસ મથકના પી.એસ.આઇ. સીસોદીયાએ મેનેજીંગ ટ્રસ્ટી અર્જુનભાઇ રામાણીના મોબાઇલમાં કોલ કર્યો ત્યારે પોલીસનો કોલ જોઇને તમામ ભાગી ગયા હતા. ટ્રસ્ટના સંકુલમાં બઘડાટી કરવા આવેલા 40 પૈકી રુડા ભગત હોવાનો અર્જુનભાઇ રામાણીએ આક્ષેપ કર્યો છે. તેમજ આટકોટ પોલીસ મથકના પી.એસ.આઇ. સીસોદીયા દ્વારા ટ્રસ્ટના સીસીટીવીના ફુટેજમાં રુડા ભગત ટ્રસ્ટ સંકુલમાં આવતા હોવાના ફુટેજ હોવાનું જણાવ્યું છે.

આટકોટ ખાતે ડી.બી.પટેલ એજ્યુકેશન ટ્રસ્ટની સ્થાપના રુડા ભગતે કરી છે. અને તેઓ મેનેજીંગ ટ્રસ્ટી હતા તે દરમિયાન ટ્રસ્ટના હિસાબમાં થયેલા ગોટાળા અંગે આક્ષેપ થતા 2011માં સુરત અને રાજકોટ સ્થિત આગેવાનો દ્વારા રુડા ભગતનું રાજીનામું લઇ લેવામાં આવ્યું ત્યારેથી તેઓ ટ્રસ્ટમાં ફરી પોતાનો કબ્જો કરવા અંગે પ્રયાસ કરતા હોવાનું અર્જુનભાઇ રામાણી દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. સમાજના આગેવાનો સાથે ચર્ચા વિચારણા બાદ સંસ્થાનું ડીવીઆર પોતાની સાથે લઇ ગયા હોવાથી ફરિયાદ નોંધાવવી પડશે તેમ મેનેજીંગ ટ્રસ્ટી અર્જુનભાઇ રામાણીએ જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.