પાંચ વર્ષે પણ મળી નથી પ્રાથમિક સુવિધાચાર નવા ગામોમાં કેવી સુવિધા શાસકો આપશે ? કયારે ? : સાગઠીયા
શહેરમાં ભળેલા નવા પાંચ ગામોને આવકારી મહાપાલિકાના વિરોધ પક્ષના નેતા વશરામભાઈ સાગઠીયાએ જણાવ્યું છે કે, શાસકો અગાઉ ભળેલા કોઠારીયા તથા મવડી ગામને પાંચ પાંચ વર્ષે પણ પ્રાથમિક સુવિધા પૂરી પાડી શક્યા નથી ત્યારે આ નવા ભળેલા પાંચ ગામોને કેવી કેવી સુવિધા અને ક્યારે મળે છે તે જોવું રહ્યું. રાજકોટ મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતા વશરામભાઈ સાગઠિયા એ જણાવ્યું છે કે તા.૧૮/૬/૨૦ના રોજ ગુજરાત સરકારના શહેરી વિકાસ વિભાગના સંયુક્ત સચિવ આનંદ જીંજાળા દ્વારા એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જેમાં રાજકોટ મહાનગરપાલિકામાં મોટામૌવા, મુંજકા, ઘંટેશ્વર અને મનહરપુર-૧ને રાજકોટ શહેરની હદમાં ભળશે.
આ બાબતે તેમણે જણાવ્યું છે કે વર્ષ ૨૦૧૪માં રાજકોટ મહાનગરપાલિકા માં કોઠારીયા અને વાવડી ગામને ભેળવ્યા છે. તેમજ આ બંને ગામ રાજકોટ મનપાની હદમાં ભળ્યા છે ત્યારથી આજદિન સુધી હજુય પ્રાથમિક સુવિધાઓ વિસ્તારના લોકોને મળી નથી તેમજ મનપા નું તંત્ર સુવિધા આપવામાં ઉણું ઉતાર્યું છે.
જ્યારે વિસ્તાર ના લોકોને પીવાના પાણીની પાઇપલાઇન, ડ્રેનેજ સુવિધા, સ્ટ્રીટ લાઈટ અને રોડ રસ્તા જેવી પાયાની પ્રાથમિક સુવિધાઓ આપવામાં ભાજપના શાસકો અને તંત્ર એ પાંચ વર્ષ થયાં છત્તા નિષ્ફળ નિવડ્યા છે. તેમ છતાં કોઠારીયા અને વાવડીના વિસ્તાર વાસીઓને પીવાના પાણી માટે બેડા સરઘસ કાઢવા પડ્યા છે અને લાઠીઓનો માર સહન કરવો પડ્યો છે તેમજ મંજુર થયેલ ટી.પી.સ્કીમોમાં પણ ભાજપના શાસકો એ વારંવાર હેતુફેર કરવા પડતા હોય ત્યારે આ રાજકોટમાં ભાજપના શાસકો સદંતર નિષ્ફળ ગયા છે તે સાબિત થાય છે.
તેમણે અંતમાં જણાવ્યું છે કે, નવા ગામ ભળ્યાં તે રાજકોટ માટે સારું છે અને અતિથિ દેવો ભવ: કહું છું રાજકોટ શહેરની હદ મોટી થઈ છે અને નવા વિસ્તારો શહેરની હદમાં ઉમેરો થતા ૧૬૩.૩૨ ચોરસ કિ.મિ.નો વિસ્તાર થાય છે ત્યારે હવે એ જોવાનું કે નવા ભળનારા વિસ્તારોમાં સુવિધા આપવામાં સદંતર નિષ્ફળ રહેનાર ભાજપ સરકાર આ નવા ચાર ગામડાઓમાં શુ સુવિધા આપે છે અને વિકાસ કરવા માંગે છે અને કેટલા સમયમાં કાર્ય પૂર્ણ કરશે તે જોવાનું રહ્યું.