ભારત રત્ન અને ત્રણ વાર વડાપ્રધાન રહી ચૂકેલાં અટલ બિહારી વાજપેયીજીના રાજકીય સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. દીકરી નમિતાએ અટલજીને મુખાગ્નિ આપ્યો હતો. અટલજીના અંતિમ સંસ્કાર સમયે તેમને 21 તોપોની સલામી આપવામાં આવી હતી. જ્યારે દેશની ત્રણેય સેનાના અધ્યક્ષ દ્વારા તેમને સલામી આપવામાં આવી હતી. આ ઉપરાંત રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રક્ષા મંત્રી નિર્મલા સીતારમણ, લોકસભાના સ્પીકર સુમીત્રા મહાજન અને બીજેપીના અગ્રણી નેતા લાલ કૃષ્ણ અડવાણીજી દ્વારા તેમને સ્મૃતિ સ્થળ પર અંતિમ શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
Former prime minister and Bharat Ratna #AtalBihariVajpayee cremated with full state honours at Smriti Sthal in Delhi pic.twitter.com/Y3ff4o43SP
— ANI (@ANI) August 17, 2018
આ ઉપરાંત પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ દ્વારા પણ તેમને અંતિમ શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. નોંધનીય છે કે, 11 જુલાઈથી એઈમ્સ હોસ્પિટલમાં દાખલ અટલજીએ 16 ઓગસ્ટને ગુરુવારના સાંજે 5.05 વાગે અંતિમ શ્વાસ લીધા હતા.સવારે અટલજીના દેહને કૃષ્ણ મેનનમાર્ગ પાસે આવેલા તેમના ઘરે રાખવામાં આવ્યો હતો. ત્યાં પણ પક્ષ-વિપક્ષના તમામ નેતાઓએ અટલજીને શ્રદ્ધાંજલિ આપી હતી. અટલજીના અંતિમ દર્શન માટે ગઈ કાલે મોડી રાતે સુધી અને આજે વહેલી સવારથી જ ઘરની બહાર લાંબી લાઈન જોવા મળી રહી હતી.
આરએસએસ પ્રમુખ મોહન ભાગવત પણ શુક્રવારે અટલજીને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા. આ સિવાય રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધી, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ સહિત ઘણાં નેતાઓ શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા.