- વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કોર્પોરેશનના 400 કરોડ અને રૂડાના 95 કરોડના વિકાસકામોનું કરાશે લોકાર્પણ અને ખાતમુહુર્ત
- સ્માર્ટ સિટી અને અટલ સરોવરના કામ માટે રાત ઉજાગરા શરૂ કરાયા છતાં પ્રોજેક્ટ 10 દિવસમાં પૂર્ણ થાય તેવી સંભાવના તદ્ન નહિંવત
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આગામી 25મી ફેબ્રુઆરીના રોજ રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે. લોકસભાની ચૂંટણીની આચાર સંહિતા લાગૂ પડે તે પૂર્વે અબજો રૂપિયાના વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરવા માટે તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. રૂ.136 કરોડના અટલ સરોવર પ્રોજેક્ટ અને રૂ.540 કરોડનો રોબસ્ટ ઇન્ફ્રા. પ્રોજેક્ટ સહિત સ્માર્ટ સિટીનું કામ 25મી ફેબ્રુઆરી સુધીમાં પૂર્ણ કરવું કોર્પોરેશન માટે મોટો પડકાર બની ગયો છે. સંભવત: લોકાર્પણ બે મહિના પાછું ઠેલાઇ તેવી શક્યતા હાલ જણાઇ રહી છે.
આ અંગે વિશ્ર્વસનીય સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ કોર્પોરેશનના ભાજપના શાસકો આગામી 25મી ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાનના હસ્તે અટલ સરોવર અને સ્માર્ટ સિટી પ્રોજેક્ટના લોકાર્પણ કરાવવા માટે રિતસર તલપાપડ થઇ રહ્યા છે. પરંતુ કોઇ કાળે આ પ્રોજેક્ટનું કામ પૂર્ણ થાય તેવું દેખાતું નથી. તાજેતરમાં 33 અધિકારીઓના કાફલાને આ બંને પ્રોજેક્ટ માટે જોતરી દેવામાં આવ્યા છે. પ્રોજેક્ટનું કામ પૂર્ણ કરવાની અવધિ 30 જૂન સુધીની છે. આવામાં ચાર મહિના વહેલું કામ પૂર્ણ કરવું એજન્સીઓ માટે પણ મોટો પડકાર બની ગઇ છે. આદેશો છૂટતા ખૂદ એલએનટી કં5નીના ઉચ્ચ અધિકારીઓની એક ટીમ છેલ્લા બે-ત્રણ દિવસથી રાજકોટ આવી પહોંચી છે.
હાલ અટલ સરોવર અને રોબસ્ટ ઇન્ફ્રા. પ્રોજેક્ટનું કામ પૂર્ણ કરવા માટે રાઉન્ડ ક્લોક ચાલી રહ્યું છે પરંતુ કોઇ કાળે 24મી ફેબ્રુઆરી સુધીમાં કામ પૂર્ણ થઇ શકે તેવી શક્યતા નથી. અટલ સરોવરને પાણીથી ભરવા માટે હાલ પાઇપલાઇન બિછાવી દેવામાં આવી છે અને પાણી ઠાલવવામાં આવી રહ્યું છે. પરંતુ સરોવર ભરાતા ઓછામાં ઓછો એક મહિનો નીકળી જાય તેમ છે. આટલું જ નહિં એમ્યુઝમેન્ટ પાર્ક માટે હજુ કેટલીક રાઇડ આવવાની બાકી છે. જો અટલ સરોવરનું લોકાર્પણ કરવામાં ખોટી ઉતાવળ કરવામાં આવે તો પણ લોકાર્પણના બીજા દિવસે લોકો માટે તે ખૂલ્લુ મુકી શકાય તેમ નથી. બીજી તરફ સ્માર્ટ સિટીનું પણ ઘણું કામ બાકી છે.
અટલ સરોવર અને સ્માર્ટ સિટીનું કામ આગામી 25મી ફેબ્રુઆરી સુધીમાં પૂર્ણ કરી શકાય તેવી કોઇ જ સંભાવના ન હોય સંભવત: વડાપ્રધાનની 25મી ફેબ્રુઆરીની રાજકોટ મુલાકાત દરમિયાન આ બંને પ્રોજેક્ટને લોકાર્પણની યાદીમાંથી બહાર કરી દેવામાં આવે તેવું લાગી રહ્યું છે. જો કે, કલેક્ટર તંત્ર દ્વારા પીએમના હસ્તે જે પ્રોજેક્ટનું લોકાર્પણ કે ખાતમુહુર્ત કરવાનું છે તેમાં અટલ સરોવર કે સ્માર્ટ સિટીનો સમાવેશ કરવામાં આવ્યો નથી. હાલ કોર્પોરેશન તંત્ર દ્વારા અટલ સરોવર અને સ્માર્ટ સિટી પ્રોજેક્ટનું કામ પુરું કરવા માટે રિતસર ધમપછાડા કરવામાં આવી રહ્યા છે. પરંતુ પ્રોજેક્ટ પૂર્ણ થાય તેવી કોઇ જ સંભાવના હાલ દેખાતી નથી.