ભારતના માનવંતા નેતામાંના એક, પ્રસિદ્ધ કવિ, લેખક, ભારતના પૂર્વ વડા પ્રધાન, ઉત્કૃષ્ટ વક્તા એવા અટલ બિહારી વાજપેયીનું નામ વિરોધ પક્ષો પણ આદરથી લેતા હોય છે. ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા માનવીય રાજનીતિજ્ઞની જીવની પર આધારિત ફિલ્મનું નિર્માણ વિનોદ ભાનુશાળી અને સંદીપ સિંહ કરી રહ્યા છે.
મૈં રહૂં યા ન રહૂં, દેશ રહના ચાહિયે – અટલ ફિલ્મ પેન્ગ્વિન રેન્ડમ હાઉસ ઇન્ડિયાના સૌથી વધુ વેચાણ ધરાવતા ઉલ્લેખ એન પી લિખિત પુસ્તક ધ અનટોલ્ડ વાજપેયી : પોલિટિશિયન ઍન્ડ પેરાડોક્સનું નાટકીય રૂપાંતર છે.
ભારતના સૌથી પ્રભાવશાળી નેતા અટલ બિહારી વાજપેયીની એપિક લાઇફ પર ફિલ્મ બનાવવા માટે વિનોદ ભાનુશાળી અને સંદીપ સિંહે હાથ મિલાવ્યા છે. ફિલ્મ અંગે વિનોદ ભાનુશાળી કહે છે કે, હું હંમેશ અટલજીનો સૌથી મોટો પ્રશંસક રહ્યો છું. જેઓ એકત જન્મજાત નેતા, ઉત્કૃષ્ટ રાજનેતા અને દૂરદર્શી હતા. આપણા રાષ્ટ્રના નિર્માણમાં તેમનું યોગદાન અદ્વિતીય રહ્યુ છે. તેમના વારસાને સિલ્વર સ્ક્રીન પર લાવવાનું સૌભાગ્ય ભાનુશાળી સ્ટુડિયોઝ લિમિટેડને મળી રહ્યુ છે એ અમારા માટે મોટા સન્માનની વાત છે.
તો નિર્માતા સંદીપ સિંહનું કહેવુ છે કે, અટલ બિહારી વાજપેયી ભારતીય ઇતિહાસના મહાન નેતાઓમાંના એક છે. જેમણે તેમના શબ્દો દ્વારા દુશ્મનોના દિલ જીતવાનું કામ કર્યું હતું. તેમણે સકારાત્મક રીતે રાષ્ટ્રનું નેતૃત્વ કર્યું અને પ્રગતિશીલ ભારતની બ્લુ પ્રિન્ટ તૈયાર કરી. ફિલ્મ નિર્માતા હોવાને કારણે મને લાગે છે કે આવી વણકહી વાર્તાઓને દર્શકો સુધી પહોંચાડવા માટે ફિલ્મ જેવું બીજું કોઈ માધ્યમ નથી. અટલ ફિલ્મમાં તેમની રાજકીય વિચારધારાઓ પર જ પ્રકાશ નહીં નખાય પણ, તેમના માનવીય અને કાવ્યાત્મક પાસાઓને પણ રજૂ કરાશે જેના થકી તેઓ લોકપ્રિય વિરોધ પક્ષ નેતા અને ભારતના સૌથી પ્રગતિશીલ વડા પ્રધાન બનાવ્યા હતા.
નિર્માતાઓ ટૂંક સમયમાં ફિલ્મના કલાકાર અને દિગ્દર્શકના નામની જાહેરાત કરશે. ફિલ્મનું શૂટિંગ 2023ના આરંભમાં શરૂ કરાશે અને ભારત રત્ન અટલ બિહારી વાજપેયીની 25 ડિસેમ્બર, 2023ના તેમની નવાણુમા જયંતિના રિલીઝ કરાશે.