રિવરફ્રન્ટમાં ભ્રષ્ટાચારનો મુદો ટોક ઓફ ધ ટાઉન બનતા જ ગણ્યા ગાંઠયા નેતાઓને રેલો ?
હળવદ પંથકમાં છેલ્લા ૧૫ દિવસથી રિવરફ્રન્ટના ભ્રષ્ટાચાર થયો હોવાના મામલે રજૂઆતો અને આક્ષેપો ચરમસીમાએ પહોંચ્યા છે ત્યારે ગઈકાલે ધારાસભ્યે રિવરફ્રન્ટમાં ભ્રષ્ટાચાર થયો હોવાની વાતને સમર્થન આપી હળવદમાં અમુક નેતાઓ ની તાનાશાહીનો સણસણતો આક્ષેપ કર્યો છે, તો બીજી બાજુ પાલિકા ઉપ પ્રમુખે ઉચ્ચ કક્ષાએ ભ્રષ્ટાચાર મામલે તપાસની માંગ કરી છે.
હળવદ શહેરમાં આવેલ ઐતિહાસિક ધરોહર સમાન સામતસર તળાવ ફરતે લાખોના ખર્ચે રિવરફ્રન્ટ બનાવવામાં આવ્યું છે, પાલિકાના જણાવ્યા મુજબ તેનુ ૬૦% કામ પણ પૂર્ણ થઈ ગયું છે જે માત્ર ટૂંકાગાળામાં જ ધ્વસ્ત થઈ જતા કોન્ટ્રાક્ટરની પોલ છતી થવા પામી છે. એટલું જ નહીં આ બાબતે પાલીકા સભ્યે પણ ચાલુ કામ સબબે રજૂઆત કરી હતી છતાંય કોન્ટ્રાકટર અને સતાધીશોની મિલી ભગતથી મોટા પાયે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યુ હોવાના આક્ષેપ ઉઠવા પામ્યા છે, તો સાથે જ પાલિકા ઉપ પ્રમુખે પણ રિવરફ્રન્ટ મામલે ધારાસભ્ય ને લેખિત પત્ર પાઠવી યોગ્ય તપાસ કરવાની માંગ કરી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છેકે, પાલિકા ઉપ પ્રમુખ દ્વારા ધારાસભ્ય સાબરીયાને પણ પત્ર દ્વારા રજૂઆત કરાઇ છે, ત્યારે આ મામલે ધારાસભ્ય પરસોતમ સાબરીયાએ પણ રિવરફ્રન્ટમાં નબળું કામ થયાનું સમર્થન આપ્યું છે. એટલું જ નહીં ધારાસભ્યે આ મામલે પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે, હળવદમાં અમુક નેતાની તાનાશાહી ચાલતી હોવાનો આક્ષેપ કર્યો છે, તો બીજી બાજુ થોડા સમય અગાઉ ૭૦૦ એલ.ઇ.ડી. લાઇટ ધણીધોળી વગર મળી આવી તે મામલે સતાધીશો કેમ ચુપકીદી સેવી રહ્યા છે ? અને ૭૦૦ એલ.ઇ.ડી.ના વારસદાર અંગે કેમ પાલિકા તંત્ર મૌન છે ? તો બીજી તરફ રિવરફ્રન્ટમાં ભ્રષ્ટાચાર થયાનું કોંગ્રેસ સ્વીકારે છે, પાલિકા ઉપ પ્રમુખ સ્વીકારે છે, ઓછામાં પુરૂ આ મુદે ધારાસભ્યે જ ખુદ સમર્થન આપ્યું છે તો પછી ભ્રષ્ટાચારને છુપાવવા ગણ્યા ગાઠયા રાજકીય હોદેદારો કેમ આરોપોને ખોટા ઠેરવે છે તે સહિતના સવાલો આજે પણ અકબંધ રહ્યા છે ત્યારે સમગ્ર સવાલો હળવદ નગરજનોમાં ચર્ચાનો વિષય બનવા પામ્યો છે.
રિવરફ્રન્ટના કામમાં જો ગેરરીતિ આચરવામાં આવી હશે તો રાજ્ય સરકાર દ્વારા નિમાવેલી પીએમસી અને ટીપીઆઈ કાર્યવાહી કરશે :શહેર ભાજપ પ્રમુખ
શહેરમાં પાછા થોડા દિવસોથી રિવરફ્રન્ટના કામમાં ગેરરીતિ આચરી મોટા પાયે ભ્રષ્ટાચાર થયાનું ભાજપ અને કોંગ્રેસના નેતાઓ જણાવી રહ્યા છે ત્યારે આ બાબતે હળવદ શહેર ભાજપ પ્રમુખ અજય ભાઈ રાવલ એ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી જેમાં તેઓએ જણાવ્યું હતું કે નગરપાલિકા દ્વારા જે કામ ની ડિઝાઇન અપાઈ છે તે કામ કોન્ટ્રાક્ટર દ્વારા પૂર્ણ કર્યા બાદ નગરપાલિકાને સોંપવામાં આવતું હોય છે જેથી પાલિકા દ્વારા હજુ સુધી કમ્પલિટ સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યું નથી સાથે એમ પણ જણાવ્યું હતું કે રિવરફ્રન્ટના કામમાં ગેરરીતિ આચરવામાં આવી નથી જેથી આના પર સરકાર દ્વારા બે કંપની નિમાયેલ પીએમસી અને ટીપીઆઈ છે તો તેઓના રિપોર્ટમાં જો ગેરરીતિ અથવા તો ક્ષતિ જણાશે તો કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું