બીજા લગ્ન કર્યા બાદ પણ પત્નીએ પૂર્વ પતિ સાથે સબંધ રાખ્યા હોવાથી દંપતી વચ્ચે વારંવાર તકરાર થતી, અંતે પત્નિએ ઉશ્કેરાઇ જઇને પતિનું કાસળ કાઢયું
મોરબીના રંગપર નજીક સિરામિક ફેકટરીમાં કામ કરતા શ્રમિક યુવાનનો હત્યા કરાયેલ મૃતદેહ તેની જ ઓરડીમાંથી મળી આવતા ચકચાર મચી છે વળી હત્યા બાદ પત્ની પણ ગુમ હોય જેથી હત્યા પત્નીએ કરી હોય તેવી આશંકાને પગલે પોલીસે વધુ તપાસ ચલાવી હતી. પરંતુ બાદમાં આ હત્યા પત્નીએ જ કરી હોવાનું ખુલ્યું છે.
ચકચારી બનાવની મળતી માહિતી મુજબ મોરબીના રંગપર નજીક આવેલી ઈરેટો સિરામિક ફેકટરીમાં કામ કરતા શ્રમિક યુવાન રામસિંગ (ઉ.વ.૨૩) નામના યુવાનોનો લેબર ક્વાર્ટરમાંથી મૃતદેહ મળી આવ્યો હતો અને આ અંગે જાણ થતા ડીવાયએસપી બન્નો જોશી, તાલુકા પોલીસની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી યુવાનને માથામાં બોથડ પદાર્થનો ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હોય તેવું પોલીસ સુત્રોમાંથી જાણવા મળ્યું છે તો વળી હત્યા બાદ મૃતક યુવાનની પત્ની પણ ભેદી સંજોગોમાં ગુમ જોવા મળી હતી. જેથી પત્નીએ જ પતિની હત્યા કરી છે કે કેમ તેવી આશંકા સાથે પોલીસે તપાસ ચલાવી હતી.
હત્યાના બનાવ અંગે મૃતકના ભાણેજ જીતેન્દ્ર વર્માએ પોલીસમાં ફરીયાદ નોંધાવી છે કે આરોપી કિરણદેવી રામસિંગે ફરિયાદીના મામા રામસિંગ સાથે બીજા લગ્ન કર્યા હોય અને પ્રથમ લગ્ન બાદ વાતચીત ચાલુ હોય જે બાબતે ઝઘડા થતા હોય અને આરોપી પત્નીએ માથામાં બોથડ પદાર્થનો ઘા ઝીંકી રૂમ બંધ કરી જતા રહ્યાનું જણાવ્યું છે તાલુકા પોલીસે હત્યાનો ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી રહ્યા છે અને ફરાર પત્નીની શોધખોળ ચલાવી છે.
મૃતક શ્રમિક યુવાનની હત્યા બાદ પત્ની ફરાર છે તેમજ મૃતકના ભાણેજે ફરિયાદમાં પણ મૃતકની પત્ની સામે ફરિયાદ નોંધાવી છે ત્યારે સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મૃતક યુવાને ત્રણ માસ પૂર્વે જ તેની પત્ની સાથે પ્રેમલગ્ન કર્યા હતા જે મહિલા પરિણીત હતી અને બે સંતાનોની માતા હતી જોકે મૃતક યુવાન સાથે લગ્ન કર્યા હતા અને મોરબી કારખાનામાં મજુરી અર્થે આવ્યા હતા.